Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

૧૯મીએ ભૂપેન્દ્રભાઇ પટેલની કચ્છ મુલાકાતનો ઘડાતો તખ્તો : રણોત્સવ વિધિવત ખુલ્લો મૂકવાનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : ૧૯ મી ડીસે.ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કચ્છ પ્રવાસનો તખ્તો ઘડાઈ રહ્યો છે. જોકે, હજી સત્તાવાર રીતે કોઈ પ્રવાસ કાર્યક્રમ જાહેર થયો નથી. પણ, સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૯ મી તારીખે કચ્છ આવશે.

બપોર બાદ સીધા ધોરડો સફેદ રણમાં તેઓ રણોત્સવ ને વિધિવત ખુલ્લો મૂકશે. જોકે, રણોત્સવ આમ તો ગયા મહિને નવેમ્બરથી જ શરૂ થઈ ગયો છે. પણ, દિવાળી સફેદ રણમાં જવાનો વચ્ચે ઉજવ્યા પછી મુખ્યમંત્રી હવે ફરી બીજી વખત કચ્છ આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર રાજયના વિવિધ જિલ્લાઓની વધુને વધુ મુલાકાત લે એવો તખ્તો ગોઠવાયો છે. સતત બીજે મહિને બીજી વખત કચ્છ આવનાર મુખ્યમંત્રી આ પ્રવાસ દરમ્યાન પૂનમની રાત સફેદ રણમાં વિતાવે તેવું પણ આયોજન છે. કચ્છનું વહીવટી તંત્ર અત્યારથી જ આયોજનમાં વ્યસ્ત થઈ ગયું છે.

(10:39 am IST)