Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

છેલ્લા બે દિવસની કાતિલ ઠંડીએ ગ્રામ પંચાયતના ઉમેદવારોના હાજા ગગડાવી દીધા : શું થશું ? દરેકના મનમાં એક જ પ્રશ્ન

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૬: છેલ્લા બે દિવસની કાતિલ ઠંડીએ આગામી બે દિવસ પછી તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતોની ચુંટણીના લડવૈયાઓના હાજા ગગડાવી દીધા છે. આ ચૂંટણી માટેના મતદાન ઓ માત્ર બે દિવસ હોવા છતાં હજુ ગ્રામ્ય વિસ્તારમાં જોઇએ તેવી ગરમી દેખાતી નથી તેમાંએ અત્યારથી આ કાતિલ ઠંડીના કારણે ઓછા મતદાનનો આકસ્મિત ભય ઉભો થયો છે. આ ભય ઘણા ઉમેદવારોની બાજી પલ્ટાવી નાખે તેવી સ્થિતી ઉભી થઇ શકે.

ગણત્રીના કલાકો પછી જે ગ્રામ પંચાયતોની ચૂંટણી થનાર છે. તેમાં (૧) ઇન્દ્રાણા (૨) બાલાગામ (૩) પંચાળા (૪) સુત્રેજ (૫) મુળિયાસા (૬) જોણપુર (૭) ઇસરા (૮) પીપળી (૯) પસવાડીયા (૧૦) અગતરાય (૧૧) હાંડલા (૧૨) ચાંદીગઢ (૧૩) મોવાણા (૧૪) માણેકવાડા (૧૫) નાની ઘંસારી (૧૬) મોટી ઘંસારી (૧૭) સીલોદર (૧૮) બડોદર (૧૯) ધ્રાબાવડ (૨૦) પ્રાંસબી (૨૧) કણેરી (૨૨) સરોડ (૨૩) પાડોદર (૨૪) અખોદડ (૨૫) ખીરસરા (૨૬) અજાબ (૨૭) સોરગઢ (૨૮) રંગપુર (૨૯) સાંગરસોલા (૩૦) મેસવણ (૩૧) કાલવાણી (૩૨) કોયલાણા લાઠીયા (૩૩) સોંદરડા (૩૪) પાણખાણ (૩૫) રેવદ્રા (૩૬) ગેલાણા (૩૭) એકલેરા આ ૩૭ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે હવે આ ૩૭ ગામડાઓમાં મોટા ભાગના ગામડાઓના મતદારો જે તે ગામડાઓ સ્થાનિકમાં રહેવાને બદલે વાડી વિસ્તારમાં રહે છે અને ઠંડીના કારણે વાડી વિસ્તારમાંથી મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા અતિ મુશ્કેલ બાબત છે અને તેના કારણ મતદાન ઓછુ થવાનો પુરેપુરો ખાતરો છે.

બીજી તરફ સ્થાનિક ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં એકતો મતદારો ઓછા હોય જેથી ૫-૧૫ મતે હારજીત થતી હોય છે તેમાં પણ ઓછુ મતદાન થાય તો બે-પાંચ મતની  બહુમતી જે તે ઉમેદવારની બાજી હારજીતમાં પલ્ટાવી શકે છે જો આટલી ઠંડીના હોય તો જે તે મતદારો સમયસર આવી શકે. અથવા તો ઉમેદવારો આવા મતદારોને સમયસર મતદાન મથક સુધી પહોંચાડી શકે અને બહુ આસાનીથી કામ પતી જાય પરંતુ અત્યારની આ અણધારી સ્થિતી બધાને માટે ચિંતાનું કારણ બની ગયેલી છે.

બીજી તરફ આ ચૂંટણી આગામી ધારાસભા માટે સેમીફાઇનલ જેવી હોવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના તાલુકા મથકેથી પોતાનો ઉમેદવાર સારી લીડથી ચુંટાય એ માટેના પ્રયાસો ખાનગીમાં કરી રહ્યા છે તેના સીધા પરિણામરૂપે આ સ્થાનિક ચૂંટણીમાં નાણાનો અને દાદાગીરીનો પણ પુરો ઉપયોગ થવાની શકયતા નકારી શકાતી નથી. રવિવારે મતદાન અને મંગળવારે મત ગણતરી થનાર છે.

(10:39 am IST)