Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

હળવદની શાળા નં.૮માં એક માત્ર શિક્ષકને ચૂંટણી ફરજ સોંપાતા કાલે બાળકો મામલતદાર કચેરીએ સો એકડા ભણશે !!

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૬: શહેર ની શાળા નંબર ૮માં ૧૩૮ બાળકો વચ્ચે એક માત્ર સમ ખાવા પૂરતા શિક્ષક હોવા છતાં તંત્ર દ્વારા આ શિક્ષકને ચૂંટણી ફરજ સોંપી દેવાતા બાળકો એકલા અટૂલા અને નોંધારા બનતા કોંગ્રેસના અગ્રણીઓ અને વાલીઓ દ્વારા પોતાના બાળકોનું શિક્ષણ કાર્ય બગડતા આવતીકાલ સુધીમાં શાળામાં કોઈ શિક્ષક નહિ મુકાય તો બાળકોને હળવદ મામલતદાર કચેરીએ સો એકડા બોલવા મોકલી આપવા જાહેર કરતા ચકચાર જાગી છે

સૌ ભણે સૌ આગળ વધે આવા સૂત્રો આપણે દ્યણી વખત સાંભળ્યા છે પરંતુ હળવદ શહેરમાં આવેલ વોર્ડ નંબર-૭માં આવેલ શાળા નંબર-૮માં વિદ્યાર્થીઓ ભણવા માટે તો શાળાએ આવે છે પરંતુ અહીં ભણાવે કોન એ જ મોટો પ્રશ્ન ઉભો થયો છે..? એક શિક્ષક હતા જોકે તેમને પણ ચૂંટણીની કામગીરીમાં મુકી દેવાતા બાળકો નોંધારા બન્યા છે.!

ત્યારે હળવદ કોંગ્રેસના અગ્રણીઓ તેમજ વાલીઓ દ્વારા મોટી સંખ્યામાં હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થઈ આવતીકાલ સુધીમાં જો અહીં શિક્ષક વળી પાછા મૂકવામાં નહીં આવે તો બાળકો મામલતદાર કચેરીએ લઈ જઈ વિરોધ નોંધાવવામાં આવશે. આ સાથે જ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં કરવામાં આવેલી રજુઆતમાં પણ જણાવ્યું છે કે અહીં શાળા નંબર- ૮માં શિક્ષકોનું પાંચનું મેકમ છે જેમાં એક શિક્ષક વય મર્યાદા ના કારણે નિવૃત્ત્। થયા છે જયારે એક મહિલા શિક્ષિકા હાલ રજા પર છે જયારે બાકીના બે શિક્ષકોને ચૂંટણી નું કાર્ય સોંપી દેતા અહીંનું શિક્ષણ કાર્ય ખોરવાઈ ગયું છે તો બીજી તરફ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા એ પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષોથી વોર્ડ નંબર સાત કોંગ્રેસના સાથે રહ્યો છે જેના કારણે કિન્નાખોરી રાખી અહીંની શાળા નંબર-૮ બંધ થઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખ પણ હળવદના છે સાથે રાજયના પંચાયત મંત્રી પણ મોરબી જિલ્લાના છે છતાં પણ સરકારી સ્કૂલોમાં શિક્ષણ દિવસેને દિવસે કથળી રહ્યું છે જેથી આવતીકાલ સુધીમાં અહીં તાત્કાલિક શિક્ષકને મૂકવામાં નહીં આવે તો વાલીઓ ને સાથે રાખી બાળકોને મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવશે.

(10:38 am IST)