Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પોરબંદર પાસે સાતમી સદીનું ખીમેશ્વર મંદિર ઈતિહાસકારો-સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર

ખીમેશ્વર મંદિરના ઈતિહાસ અંગે નરસિંહ મહેતા યુનિ. દ્વારા વર્ચ્યુઅલ સેમિનાર યોજાયો

પોરબંદર, તા. ૧૬:. નજીકના કુછડીના ઐતિહાસિક ખીમેશ્વર મંદિરનો ઈતિહાસ અંગે જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વર્ચ્યુઅલ સેમિનાર યોજાયો હતો. જેમાં પોરબંદરની ગોઢાણીયા બી.એડ્. કોલેજના પ્રાધ્યાપક રામભાઈ બાપોદરા વકતા તરીકે ઉંપસ્થિત રહ્યા હતા.
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વર્ચ્યુઅલ સેમિનારમાં સિન્ડીકેટ સભ્ય ડો. જય ત્રિવેદી, ડો. બલરામ ચાવડા, ઈતિહાસ વિભાગાધ્યક્ષ ડો. વિશાલ જોષી હાજર રહ્યા હતા અને ખીમેશ્વર મંદિરના મહંત વિજયપરીબાપુએ આશિર્વાદ આપ્યા હતા.
બી.કે.એન.એમ.યુ.ના ઈતિહાસ વિભાગાધ્યક્ષ ડો. વિશાલ જોષીએ જણાવ્યુ હતું કે ગુજરાતના ઐતિહાસિક શિવાલયો અને ધાર્મિક સ્થળોની યુનિવર્સિટી દ્વારા વ્યાખ્યાન માળા શરૂ થઈ છે. જેમાં ૬૮મો મણકો પોરબંદરનું ઐતિહાસિક સ્થળ કુછડીનું ખીમેશ્વર મંદિર પ્રસ્તુત થશે. વિવિધ મણકાની શ્રૃંખલામાં ૬૮મો મણકો અષ્ટમીના દિવસે માગસર સુદ આઠમ તિથીનો સ્વામી રૂદ્ર અને શિવનું મહાત્મ્ય સાનુકુળ સમય વચ્ચે આ મણકાનું આયોજન થયુ છે.
પોરબંદરથી આશરે ૧૦ કિ.મી. દૂર કુથલી, કુંતાપુર અને હાલનું કુછડી ગામના દરિયા કિનારે   આવેલુ પાંડવકાલીન ખીમેશ્વર હજાર વર્ષ જૂના છે. આ મંદિરની સ્થાપના પાંડવશ્રેષ્ઠ ભીમસેન   દ્વારા કરવામાં આવેલ છે ત્યારે આ ક્ષેત્રે સંશોધન કરનારને વિશેષ આકર્ષણ રહે છે.
ગોઢાણીયા બી.એડ્. કોલેજના અધ્યાપક રામભાઈ બાપોદરાએ આ ખીમેશ્વર મંદિરનો સંશોધનની દ્રષ્ટિએ અભ્યાસ કરીને મંદિરની સ્થાપનાથી લઈને ધાર્મિક, આધ્યાત્મિક, પુરાતત્વીય અને ઐતિહાસિક રીતે વિસ્તૃત છણાવટ કરી હતી. ગોઢાણીયા બી.એડ્. કોલેજના વિદ્યાર્થી રામ બાપોદરા સંશોધન કરીને યુનિવર્સિટી કક્ષાએ પસંદ પામ્યા આથી તેઓને ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા તથા એકટીવ ટ્રસ્ટી ભરતભાઈ વિસાણાએ અભિનંદન પાઠવ્યા હતા. કુછડી ખીમેશ્વર મંદિરના મહંત વિજયપરીબાપુએ યુનિવર્સિટી શિવાલયો પર સંશોધન કરીને ઐતિહાસિક તથ્યોને યુવાપેઢી સમક્ષ પ્રસ્તુત કરે તેનો વિશેષ આનંદ પ્રગટ કરીને આશિર્વચનો પાઠવ્યા હતા.
કાર્યક્રમનું સંકલન ઈતિહાસવિદ્દ પ્રો. ડો. બલરામ ચાવડાએ કરીને એક ઉંમદા ઉંદાહરણ પુરૂ પાડયું હતું.
યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી તથા સિન્ડીકેટ સભ્ય ડો. જય ત્રિવેદીએ વિશ્વ વિદ્યાલયના નામને સાર્થક કરતા કાર્યક્રમોને આવકારીને ઈતિહાસ વિભાગ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ઈતિહાસના આ વર્ચ્યુઅલ સેમિનારમાં ડો. ગોઢાણીયા બી.એડ્. કોલેજના પ્રાચાર્ય અને એકટીવ ટ્રસ્ટી ડો. હિનાબેન ઓડેદરા તથા બી.એડ્. કોલેજના ડાયરેકટર અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડા જોડાયા હતા.
ઉંલ્લેખનીય છે કે ખીમેશ્વર મહાદેવનું પશ્ચિમ ભારતમાં અદ્વિતીય ઐતિહાસિક મંદિર આવેલુ છે. ઈ.સ. ૭મી સદીનું આ પશ્ચિમ ભારતનું એવુ એક માત્ર મંદિર છે જે કરૈયામાં ગવાક્ષ સાથેની વલભી છત ધરાવે છે જેને વક્રીય સ્કંધ આકારની રચના ટેકો પુરો પાડે છે. આ મંદિરની અન્ય નોંધપાત્ર લાક્ષણિકતામાં છત નીચેની કાંગરી અને દંતાવલિ ઉંપરાંત ગર્ભગૃહના દ્વારે સંલગ્ન દીવાલમાં ચૈત્ય પ્રકારની ભાતને ગણાવી શકાય મંદિરના બાંધકામના સમય મૈત્રકકાળ (ઈ.સ. ૪૬૮થી ઈ.સ. ૭૮૮)નો છે. આ મંદિર સંશોધકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ઈતિહાસમાં રૂચિ ધરાવનાર માટે સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યુ છે.

 

(10:28 am IST)