Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વાર્ષિક ચાર કરોડની આવક ધરાવતા કેશોદ રેલ્વે સ્ટેશને વેરાવળ-બાંદ્રા ટ્રેનનો સ્ટોપ આપોઃ કારાભાઇ માખેચા

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૬: પાંચ તાલુકાનું મુખ્ય મથક ગણાતુ અને વાર્ષિક ચાર કરોડની આસપાસની આવક ધરાવતુ કેશોદ રેલ્વે સ્ટેશનને એકમાત્ર મુંબઇની ડાયરેકટ ટ્રેન વેરાવળ-બાંદ્રા ટ્રેનને સ્ટોપ આપવાની માંગણી શહેરના વેપારી અગ્રણી કારાભાઇ માખેચાએ કરેલ છે.
શ્રી કારાભાઇ માખેચાએ વેરાવળ- બાંદ્રાનો કેશોદ રેલ્વે સ્ટેશને સ્ટોપ આપવાની માંગણી કરતા જણાવેલ છે કે કેશોદ તાલુકાની જુનાગઢ જિલ્લામાં વિકસીત તાલુકા તરીકે ગણના થાય છે. ત્યારે ભૂતકાળમાં વેરાવળ - મુંબઇની સીધી સુપર ફાસ્ટ ટ્રેઇન કેશોદના વેપારીઓ અને એનજીઓ દ્વારા માંગણી કરવામાં આવેલ હતી. પરીણામે વેરાવળ-બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેઇન શરૂ તો કરવામાં આવી પરંતુ હિન્દી ભાષી રેલ્વેના અધિકરી બાબુઓ દ્વારા કેશોદને આ ટ્રેઇનનો સ્ટોપ ન આપી આ વેરાવળ-બાંદ્રા ટ્રેઇન જુનાગઢ થી ડાયરેકટ નેવુ કિ. મી. વેરાવળ સુધી નોન સ્ટોપ આ સુપરફાસ્ટ ટ્રેઇન દોડાવે છે. આમ રેલ્વેના બાબુઓ દ્વારા તઘલી નિર્ણય લઇને કેશોદને ડાયરેકટ મુંબઇની આ ટ્રેઇનનો સ્ટોપ નહીં આપી અન્યાય કરેલ છે. આ મુંબઇની સીધી ટ્રેઇનનો કેશોદ રેલ્વે સ્ટેશનમાં સ્ટોપ મળે તે માટે એનજીઓ અને વેપારીઓ દ્વારા સ્થાનિક સંસદ સભ્ય ધડુક અને રેલ્વેના ભાવનગર ડીવીઝનમાં લેખીત માંગણી કરવામાં આવેલ છે. આમ છતાં ભાવનગર ડીવીઝનમાં તપાસ કરતા રેલ્વેના અધિકારી  બાબુ દ્વારા જણાવેલ કે મુંબઇની આ સુપર ફાસ્ટ ડાઇરેક ટ્રેઇનનો કેશોદ રેલ્વે સ્ટેશને સ્ટોપ આપવાની કોઇ માંગણી નથી. જો વેરાવળ - બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેઇનને કેશોદ રેલ્વે સ્ટેનમાં સ્ટોપ આપવામાં આવે તો પુરતો ટ્રાફિક મળી રહેશે.
શ્રી માખેચાએ અંતમાં જણાવેલ છે કે વેરાવળ-બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેઇનનો કેશોદથી અડધી વસ્તી ધરાવતા અને નાના તાલુકા ધરાવતા થાન, મુળી રોડ, લખતર મહેમદાબાદ, પાલેજ વિ. રેલ્વે સ્ટેશને સ્ટોપ આપેલ છે. જયારે પાંચ-પાંચ તાલુકાનું મુખ્ય મથક ગણાતુ અને મુંબઇ સાથે વ્યાપારથી જોડાયેલ કેશોદ રેલ્વે સ્ટેશનને મુંબઇની આ ડાયરેકટ ટ્રેઇનનો સ્ટોપ નહીં આપી રેલ્વેના હિન્દીભાષી રેલ્વે બાબુઓએ કે જેઓ કેશોદના વિસ્તારથી અજાણ હોવાથી કેશોદ વિસ્તારને પછાત ગણી આ સુપર ફાસ્ટ ટ્રેઇનનો સ્ટોપ નહીં આપી હળાહળ અન્યાય કરેલ છે. ત્યારે બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેઇનનો કેશોદને સ્ટોપ મળે તેવી કેશોદ વિસ્તારના લોકોની માંગણી છે. આજરોજ રેલ્વે ઉંચ્ચ અધિકારી કેશોદ રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવનાર છે. ત્યારે સુપર ફાસ્ટ બાંદ્રા ટ્રેનનો સ્ટોપ કેશોદ રેલ્વે સ્ટેશનને મળે તે માટે યોગ્ય કરે તેવી શ્રી માખેચાએ માંગણી કરેલ છે.

 

(10:16 am IST)