Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોરોનાથી મૃત્યુ પામનારના વારસદારને ઘરેબેઠા સહાય મળશે::જૂનાગઢમાં ઓનલાઇન પોર્ટલ શરૂ

કોરોનાની મહામારીમાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ.50,000 ની સહાય આપવામાં આવે છે. જેમાં ઘરેબેઠા ઝડપી અને સરળતાથી સહાય મળે તે માટે ફ્રેન્ડલી ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં https://iora.gujarat.gov.in/ પોર્ટલ ઉપર અથવા કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીમાં રૂબરૂ પણ અરજી કરી શકશે.

મૃતકના વારસદારને જિલ્લા કલેકટર રચિત રાજના માર્ગદર્શન તળે જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઝડપભેર કાર્યવાહી કરી રૂ.50,000 ની સહાય વારસદારના ખાતામાં સીધી જમા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તંત્રને 1252 અરજી મળી છે, તે પૈકી 926 અરજીનો ચૂકાદો કરી દેવામાં આવેલ છે.
રાજ્યમાં કોવિડ-19 થી મૃત્યુ પામેલના વારસદારને ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર રૂ.50,000 ની સહાય (Ex-gratia assistance) આપવાનું ઠરાવેલ છે. જે અન્વયે આવા કોવિડ-19 થી મૃતકના વારસદારને ઘરેબેઠા ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઇલ ફ્રેન્ડલી ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. જેમાં https://iora.gujarat.gov.in/ પોર્ટલના હોમપેજ ઉપર ‘CovidV19 Ex-gratia payment’ ઉપર ક્લિક કરવાથી આ મુજબની https://iora.gujarat.gov.in/cov19_login.aspx લિંક પરથી ઓનલાઇન અરજી કરી શકાશે.
 આ પોર્ટલ ઉપર મોબાઇલ/કોમ્પ્યુટરથી OTP જનરેટ કરી RT-PCR, રેપીડ એન્ટીજન, મોલેક્યુલર ટેસ્ટ, કોવિડ-19 ની તબીબી સારવાર/નિદાનના આધારની નકલ, ફોર્મ-4/ફોર્મ-4-A માંથી કોઇપણ એક પુરાવો અપલોડ કરવાનો રહેશે, તેમજ મૃતકના મરણ પ્રમાણપત્રની નકલ, વારસદારોનું સોગંદનામુ અને સહાય મેળવનાર વારસદારની બેંક પાસબુક/ક્રોસ ચેકની નકલ અપલોડ કરવાના રહેશે. આ સિવાય સંબંધિત મામલતદાર કચેરી કે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ (ઓફલાઇન) અરજી પહોંચાડીને પણ અરજી કરી શકાશે.

મૃતકના વારસદારને જો અરજીના નિર્ણય સામે વાંધો કે ફરિયાદ હોય તો, ગ્રીવન્સ રી-ડ્રેસલ સમિતિમાં ઓનલાઇન https://iora.gujarat.gov.in/ પોર્ટલ ઉપર અથવા રૂબરૂ કલેક્ટર કચેરી/મહાનગરપાલિકા કચેરીમાં અરજી કરી શકશે. પોર્ટલ સંબંધિત ઓનલાઇન અરજી કરવા બાબતે જરૂરી માર્ગદર્શન મેળવવા હેલ્પલાઇન નં.1077 અને સ્ટેટ કંટ્રોલરૂમ નં.079-23251900 ઉપર સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા કલેકટર કચેરી આપત્તી વ્યવસ્થાપન તંત્ર દ્વારા જણાવાયું છે.

(8:19 pm IST)