Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૦૭૨ ખેલાડીઓને ૩૫ લાખ રૂ.ના રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અપાયા

વિદ્યાર્થીઓની પ્રતિભાને ચળકાવવા ખેલમહાકુંભ જરૂરી મુળુભાઇ બેરા

દેવભૂમિ દ્વારકા, તા.૧૬:દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ – ૨૦૧૯ના વિજેતા ખેલાડીઓને પુરસ્કૃત કરવા માટે આજે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરાના અઘ્યક્ષ સ્થાને જીએમડીસી હાઇસ્કુલ નંદાણા ખાતે ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૧૦થી ગુજરાતમાં ખેલમહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. જેના લીધે વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે. તેમણે ખેલમહાકુંભ – ૨૦૧૯ની વિગતો આપતા જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૪૫૮૦ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ જે પૈકી ૫૮૯૩૮ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો તેમાંથી જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ ૨૦૭૨ ખેલાડીઓને ૩૫૫૫૦૦૦/- ના રોકડ પુરષ્કારના નાણાં સીધાજ તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહયા છે. તેમ જણાવી વિજેતા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.  

કાર્યક્રમનાં પ્રારંભે સ્વાગત પ્રવચન જીએમડીસી હાઇસ્કુલ, નંદાણાના ટ્રસ્ટીશ્રી મુળુભાઇ કંડોરીયાએ તેમજ જિલ્લા રમત ગમત અધીકારી શ્રી ભાવેશ રાવલીયાએ આભારવિધિ કરી હતી. જીએમડીસી હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ તથા આર. એન. વારોતરીયા હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પી.એસ. જાડેજા, કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાડેજા, ચીફ કોચ પરેશ પટેલ,  સીનીયર કોચ હિતેષ પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી મેરગભાઇ ચાવડા, અગ્રણી શ્રી શૈલેષ કણઝારીયા, વિક્રમભાઇ બેલા, કિરણભાઇ કાંબરીયા, ખીમભાઇ ભોચીયા વગેરે તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિજેતા ખેલાડીઓ તથા શિક્ષકગણ ઉપસ્થિત રહયા હતા.

(12:06 pm IST)