Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સુરેન્દ્રનગર જિલ્લા મથકે અદ્યતન સ્પોર્ટસ સંકુલ બનાવવા સરકાર વિચારશેઃ બાવળીયા

લીંબડી ખાતે ખેલમહાકુંભ સ્પર્ધાના જિલ્લા કક્ષાની વિજેતાને ઇનામો અપાયાસુરેન્દ્રનગર,તા.૧૬:ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે  અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત  જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધાઓના વિજેતા ખેલાડીઓને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કાર્યક્રમ લીંબડી સ્થિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયો હતો.  

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે,  રાજયના ખેલાડીઓએ રમત ગમત ક્ષેત્રે ભારતના અન્ય રાજયોની સરખામણીએ ખૂબ ટૂંકા ગાળામાં ખેલ મહાકુંભ થકી પ્રગતિ કરી નામના મેળવી છે. રાજય સરકાર દ્વારા ૨૦૧૦ ના  વર્ષથી ગુજરાતમાં  ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ–૨૦૧૯ નો ખેલ મહાકુંભ એ ૧૦મો ખેલ મહાકુંભ હતો, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧.૧૬ લાખથી વધુ ખેલાડીઓએ પોતાનું ઓનલાઈન ૨જીસ્ટ્રેશન કરાવ્યુ હતું. જે પૈકી ૯૫૦૦૦ થી વધુ  રમતવીરોએ તાલુકા અને જિલ્લાકક્ષાની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો .

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે કાર્યરત રમત ગમત સંકુલનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના રમતવીરો માટે વધુ સારા વાતાવરણનું નિર્માણ થઇ શકે તે માટે જિલ્લાના મુખ્ય મથક ખાતે આધુનિક સ્પોર્ટસ સંકુલ બને તે માટે રાજય સરકાર વિચારણાધિન છે.  

રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષા, રાજયકક્ષાએ ખેલાડીઓને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર, મેડલ, ટ્રેક શુટ વગેરે આપવામાં આવે છે. ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ ૨૨ રમતો પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે કુલ ૩ર૦૦ થી વધુ ખેલાડીઓ આવેલ છે. તે તમામ વિજેતા ખેલાડીઓને  પ્રમાણપત્ર  એનાયત કરવામાં આવ્યા છે તથા  જિલ્લા કક્ષાએ આ ખેલાડીઓને રાજય સરકાર દ્વારા રૂપિયા  ૫૬.૨૦ લાખના રોકડ પુરસ્કાર તેમના બેંક એકાઉન્ટમાં DBT દ્વારા જમા કરાવવામાં આવ્યા છે.

આ તકે મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, રાજય સરકાર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટેના સ્પે. ખેલમહાકુંભનું પણ આયોજન પ્રતિ વર્ષ કરવામાં આવે છે.

આ પ્રસંગે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરાયા હતા. આ તકે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી બળવંતસિંહ ચૌહાણે સ્વાગત પ્રવચન તેમજ લીંબડી સ્પોર્ટસ સંકુલના કોચ નિતીન પટેલે આભારવિધી કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ અગ્રણી સર્વશ્રી પ્રકાશભાઇ સોની, જગદીશભાઇ મકવાણા, મુકેશભાઇ શેઠ, તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી ધીરુભાઇ ખાંદલા અને પદાધિકારીશ્રી- અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના રમતવીરો હાજર રહ્યા હતા.

(12:06 pm IST)