ભુજઃ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકેયા નાયડુ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે કચ્છ રણોત્સવનો ઘોરડો માં રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે પ્રવાસના મંત્રી જવાહરભાઇ ચાવડા રાજય મંત્રી વાસણભાઇ આહીર સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્યો તેમજ આમંત્રિતો અને પ્રવાસન સચિવ અને પ્રવાસન વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. ઊંટ ગાડીમાં બેસીને સફેદ રણનો નજારો માણ્યો હતો.(તસ્વીરઃ વિનોદ ગાલા .ભુજ)
ભુજ,તા.૧૬: ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુએ કચ્છના રણોત્સવને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, સફેદરણનું સૌંદર્ય અદ્દભુત છે, આજે વિશ્વભરના પ્રવાસીઓ અહીં કચ્છનું સફેદરણ જોવા આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્દ્યદ્રષ્ટિના કારણે પ્રવાસન વિકસિત થતાં સરહદી વિસ્તારમાં રહેતા અહીંના ગ્રામીણ લોકો વિકાસ સાથે જોડાયા છે. હવે, અહીં ફરજ બજાવતા બીએસએફના જવાનોને પણ રણોત્સવ સાથે સાંકળી લેવા ઉપરષ્ટ્રપતિ શ્રી વૈકૈંયાજીએ સૂચન કર્યું હતું. કચ્છના સફેદરણથી માંડીને કચ્છ, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને આવરી લેતા ગીત, સંગીત અને લોકકલા સંસ્કૃતિના કાર્યક્રમને નિહાળતાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુએ જણાવ્યું હતું કે, ગુજરાત એ ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર છે. ગાંધી અને સરદારની ગુજરાતની ભૂમિ એ દેશની તીર્થભૂમિ છે, દેશની સ્વતંત્રતામાં ગુજરાતનું મહત્વનું યોગદાન છે.
વિશ્વભરને એકતાનો સંદેશ આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી આશ્રમ, કોચરબ જેવા ઐતિહાસિક સ્થળો ગુજરાતમાં છે. ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ ધોરડો ગામની ગ્રામ સમિતિ દ્વારા ચલાવાતા ગેટ વે ઓફ રણ રિસોર્ટની મુલાકાત લીધી હતી. સફેદરણમા ટેન્ટ સિટીના પરિસર નજીક સ્ટેટ ઇન્સ્ટીટયુટ ઓફ હોટલ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા ઉભા કરાયેલા પેવેલીયનની મુલાકાત લઈ ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 'ટુરિઝમ વિઝન ૨૦૨૦-૨૫ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.વિદેશ પ્રવાસ કરતા પ્રવાસીઓ તેમના વિદેશ પ્રવાસની સાથે સાથે એક વાર આપણા દેશના પ્રવાસન સ્થળોને પણ નિહાળે એવી અપીલ કરતાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, મેં પ્રથમ જ વાર સફેદરણ જોયું ખરેખર આ સ્થળ અદ્દભુત છે. સફેદરણમાં કેમલ સફારીની મોજ માણ્યા પછી તેઓ બરફની ચાદર જેવા કુદરતી સૌંદર્યથી સભર સફેદ મીઠાથી આચ્છાદિત સફેદરણમાં પગપાળા ચાલ્યા હતા અને સૂર્યાસ્તનો અદ્દભુત નઝારો માણ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ વૈકૈયાજીની ઉપસ્થિતિ માં ગુજરાતના જાણીતા કલાકારો શ્યામલ મુનશી, શૌમિલ મુનશી, આરતી મુનશી દ્વારા સફેદરણ અને ગુજરાતની કલા સંસ્કૃતિને ઉજાગર કરતું ખાસ ગીત રજૂ કરાયું હતું. રાત્રિ રોકાણ પૂર્વે ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુએ રાત્રિ ભોજનમાં કચ્છી કાઠિયાવાડી વ્યંજનો સાથે ગુજરાતી મીઠાઈઓનો સ્વાદ માણ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ આ તકે રણોત્સવના માધ્યમથી લોકતંત્ર અને વિકાસની ધારામાં સ્થાનીય લોકોને સહભાગી બનાવી આ ભૂમિને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બદલ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છનું સફેદ રણ એ આજે દુનિયાનું પ્રવાસનનું અમૂલ્ય દ્યરેણું બન્યું છે. આ રણને, અહીંની સંસ્કૃતિ - અસ્મિતાને દેશ દુનિયા સમક્ષ ઉજાગર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ હાથ ધરેલા પ્રયાસોના પરિણામે આજે કચ્છનું સફેદ રણ એ દુનિયાના પ્રવાસન ધામમાં શિરમોર બન્યું છે. રણોત્સવના કારણે ગુજરાતમાં પ્રવાસનને વેગ મળ્યો છે, સાથો - સાથ આ વિસ્તારની આસપાસ વસતા ગ્રામ્ય કારીગરોને રોજગારી પણ પ્રાપ્ત થઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના પ્રવાસનને વેગ મળે તે માટેના સંનિષ્ઠ પ્રયાસોના કારણે આજે ગુજરાતની સંસ્કૃતિથી દેશ - દુનિયાના લોકો વાકેફ થયા છે, તેમ જણાવી ઉમેર્યું હતું કે, કચ્છમાં પ્રતિવર્ષ યોજાતા રણોત્સવ એ આ વિસ્તારના વિકાસના દ્વાર ખોલ્યા છે, આ રણોત્સવમાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી છે.
આ પ્રસંગે પનદ્યટ કલા કેન્દ્ર - ઙ્ગગાંધીનગર દ્વારા સંકલિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કચ્છી ગજીયો રાસ સહિતની કચ્છની સંસ્કૃતિની સાથે ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન કરાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ભાવનગર, નડિયાદ, ડાંગ, પોરબંદર અને ગાંધીનગરના ૧૦૦ થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ તકે ગુજરાતના જાણીતા સંગીતકાર શ્યામલ - સૌમિલ અને આરતી મુનશીએ કચ્છની ધરા, સફેદ રણ અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા પર્યટન ગીતને લોન્ચ કર્યું હતું.
આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, સામાજિક - શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીર, આ પ્રવાસન વિભાગના સચિવ શ્રીમતી મમતા વર્મા, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના વહીવટી સંચાલકશ્રી જેનુ દેવાન, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, રેન્જ આઈ.જી. શ્રી સુભાષ ત્રિવેદી, જિલ્લા કલેકટર શ્રી એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશી, પશ્યિમ કચ્છ એસ.પી શ્રી સૌરભ તૌલંબિયા સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિએ સફેદરણમાં 'રાજા' સાથે કરી કેમલ સફારી
રાજયસભાના સભાપતિ, રાજયના મુખ્યમંત્રી અને એક નાનકડા ગામના સરપંચ એક સાથે, ભારતીય લોકશાહીની ગ્રામ્ય સ્વરાજની પરંપરા ઉજાગર
ભુજ,તા.૧૬: કચ્છના સફેદરણમાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 'રાજા' સાથે કેમલ સફારી કરી હતી. થોડી વિસ્તૃત વાત કરીએ તો આ બન્ને મહાનુભાવો જે ઊંટ ગાડી ઉપર સવાર થયા હતા તે ઊંટનું નામ 'રાજા' હતું. જોકે, ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ ઊંટ ગાડીના ચાલક સાથે વાત કરીને પોતાની નમ્રતાનો પરિચય આપ્યો હતો. તેમણે ચાલકનું નામ પૂછ્યું હતું, ઊંટગાડીના ચાલકે પોતાનું નામ મુસ્તાક હોવાનું અને તેના માનીતા એવા આ ઊંટનું નામ 'રાજા' હોવાનું જણાવ્યું હતું. વૈકૈયાજીએ ઊંટ ચાલક મુસ્તાકને તેમના ધંધા રોજગાર વિશે પૂછપરછ કરીને રણોત્સવના કારણે આસપાસના અનેક ગામોના ગ્રામીણ લોકોને રોજગારી મળી હોવાની જાણકારી મેળવી હતી.'રાજા' સાથેની આ કેમલ સફારીમાં ધોરડો ગામના સરપંચ મિયા હુસેન પણ જોડાયા હતા. આમ, રાજયસભાના સભાપતિ, રાજયના મુખ્યમંત્રી અને એક નાનકડા ગામના સરપંચ એ ત્રણેય સાથે હોઈ ગ્રામ્ય સ્વરાજ સાથે ભારતીય લોકશાહી ઉજાગર થઈ હતી.
વૈકૈયા નાયડુએ ફાંકડી ગુજરાતી ભાષામાં પ્રવચન કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા
ભુજ,તા.૧૬: સામાન્ય રીતે દક્ષિણ ભારતીય લોકો માટે હિન્દી અને ગુજરાતી એ બન્ને ભાષાઓ બોલવી થોડું કપરું કામ છે. જોકે, અંગ્રેજી ઉપર પ્રભુત્વ ધરાવતા ઉપરાષ્ટ્રપતિ વૈકૈયાજી હિન્દી સારું બોલી શકે છે, પણ તેમણે સફેદરણમાં ગુજરાતીમાં પ્રવચન કરી સૌને આશ્યર્યમાં મૂકી દીધા હતા. વૈકૈયાજી શરૂઆતનું ત્રણેક મિનિટનું પ્રવચન ગુજરાતીમાં કર્યું હતું, ત્યારબાદ તેઓ હિન્દી અને વચ્ચે વચ્ચેઙ્ગ અંગ્રેજીમાં પણ બોલ્યા હતા. સફેદરણમાં બાંગ્લાદેશ, બર્મા ઉપરાંત નાગાલેન્ડના યુવા ટુરિસ્ટો પણ નોંધપાત્ર સંખ્યામાં હતા.