Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમરેલીના ચાડીયા ગામે ફટાકડા ફોડવા પ્રશ્ને ૨ જુથ વચ્ચે મારામારી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૬ : અમરેલી તાલુકાના ચાડીયા ગામે ફટાકડા ફોડવા પ્રશ્ને બે જુથ વચ્ચે મારામારી થતા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

આ બનાવમાં એક પક્ષે પિયુષભાઇ વિરજીભાઇ મહીડાએ ફટાકડા ફોડવાની ના પાડતાં જયંતી ખોડાભાઇ, વિપુલ, ભીખા માણસુરભાઇ, ખોડા રૂપાભાઇએ ગાળોબોલી પાઇપ વડે મારમારી ધમકી આપ્યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે જયંતિભાઇ ખોડાભાઇ મકવાણાને પિયુષ વિરજીભાઇ, પ્રદિપ વિરજીભાઇ, ભીખુ મધુભાઇ, લીલાબેન વિરજીભાઇ, કિરણબેન જગદીશભાઇ, લાભુબેન મધુભાઇ તેમજ ગીતાબેન ભીખુભાઇ એ પિતા અને પુત્રને મારમારી ધમકી આપ્યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

બગસરા તાલુકાના હાલરીયા ગામે રહેતા કાંતિભાઇ કરશનભાઇ ખીમસુરીયા (ઉવ.૩૫)ની સાળીના પ્રેમ સંબંધની ચર્ચા કરવાની ના પાડતા અનિરૂધ્ધ બાબભાઇ વાળા અને અશોક કોરાટે ગાળોબોલી પાઇપ અને ઢીકાપાટુનો મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ

રાજુલામાં રહેતી મમતાબેન જીતુભાઇ નાગર (ઉવ.૨૬)ને પતિ જીતુ ગોવિંદભાઇ, સસરા ગોવિંદ હાજાભાઇ, સાસુ નિમુબેન ગોવિંદભાઇ નાગરે ગાળોબોલી ધમકી આપી કરીયાવર પ્રશ્ને ત્રાસ આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નશો

જીલ્લામાં પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લાભરમાં પોલીસે નાકાબંધી કરી જુદા-જુદા સ્થળોએ થી વાહન ચાલકો સહિત ૮૮ લોકોને નશો કરેલી હાલતમાં વાહનો સાથે ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.

અકસ્માત

રાજુલા તાલુકાના કોટડી ગામની સીમમાં દિપકભાઇ રમેશભાઇ બાબરીયા (ઉવ.૨૨) રહે. પચપચીયા તા. ખાંભા પોતાનું સ્પ્લેન્ડર બાઇક જીજે. ૧૪કયુ૮૦૨૮ લઇને તેના માસીના ઘરે કોટડી ગામે જતો હતો. ત્યારે એક સફેદ ફોર વ્હીલ જીજે ૧એચએલ ૧૪૯૨ના ચાલકે પૂર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી શરીરે ઇજા કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:57 pm IST)