Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સાવરકુંડલાના ગણેશગઢ ગામે કૃષિ શિબિરમાં હાજરી આપતા રાજ્યપાલ

અમરેલી,તા.૧૬: સાવરકુંડલાના ગણેશગઢ ગામે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્ત્।મભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શિબિર અને ખેડૂત સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કૃષિ સંમેલનમાં તેમણે ધરતીપુત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું.

ગાય આધારીત ખેતીની હિમાયત કરતા રાજયપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ ભારતની શ્રેષ્ઠ પરંપરાગત ખેતી છે.  રાસાયણિક કૃષિના દુષ્પરીણામ સામે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું તેમણે ઉમેર્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો આગ્રહ કરતાં તેમજ જીવામૃત બનાવવાની પદ્ઘતિ વિશે માહિતી આપતાં રાજયપાલશ્રીએ કહ્યું હતું કે, મારી પાસે દ્યણી દેશી ગાય છે અને દેશી ગાયનાં છાણ દ્વારા નિર્મિત આ જીવામૃતના પ્રયોગથી જમીનની ફળદ્રુપતામાં ખૂબ જ વધારો થાય છે. તેથી દેશી ગાયનું સંવર્ધન ખૂબ જ ઉપયોગી છે.

કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે રાજયપાલશ્રી સમગ્ર ગુજરાત રાજયના બંધારણીય વડા છે અને જો એ આપણા અતિથિ બની આપણા ખેતરોની મુલાકાત લે એ આપણા માટે ગૌરવની વાત છે. આપણે સૌ ખૂબ નસીબદાર છીએ કે રાજયપાલશ્રી ખુદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આજે આપણને માર્ગદર્શન આપે છે અને ઝેરયુકત આહારની જગ્યાએ પોષણયુકત આહાર આપવાની મહાઝુંબેશ ચલાવે છે.

કાર્યક્રમ પૂર્વે રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ફાર્મ ખાતે ગૌપૂજન કરી જીવામૃત બનાવવાના પ્લાન્ટનું લોકપર્ણ કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતમિત્રોએ રાજયપાલશ્રીને સ્મૃતિચિહ્રન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામા આવ્યો હતો. કાર્યક્રમમાં રાજયપાલશ્રીના તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતપુત્રોનું પ્રમાણપત્રો એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

રાજયપાલશ્રીએ અને મહાનુભાવોએ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ ખેતી પાકો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.

કાર્યક્રમમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી, શ્રી પ્રફુલભાઈ સેંજલિયા, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, મનુભાઈ કયાડા, ગોવિંદભાઈ કયાડા, ગોપાલભાઈ કયાડા, સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, ગામના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણી અને સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

(12:56 pm IST)