Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ગોંડલના શિવરાજગઢ પાસે ભાદર નદીના કાંઠે મહિલાની કોહવાયેલ લાશ મળી

મોતનું કારણ જાણવા લાશને ફોરેન્‍સીક પી.એમ. માટે રાજકોટ ખસેડાઇ : ઓળખ મેળવવા કવાયત

તસ્‍વીરમાં મહિલાની કોહવાયેલ લાશ નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૬: ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે શિવરાજગઢથી દેવડા જતા રોડ પર ભાદર નદીના કાંઠે મહિલાની કોહવાયેલ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા હતા તાલુકા પોલીસને જાણ થતા પીએસઆઈ ડી.પી.ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો અને માનવ સેવા ટ્રસ્‍ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજયગુરૂ અને શિવરાજગઢના સામાજિક કાર્યકર ચંદ્રેશભાઈ પંડ્‍યાની મદદથી મહિલાની લાશને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્‍પિટલે ખસેડવામાં આવી હતી બાદમાં ફોરેન્‍સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ હતી.
મહિલાની લાશ અંગે પીએસઆઇ ડીપી ઝાલાએ જણાવ્‍યું હતું કે મહિલાનું મોત આશરે પંદરથી વીસ દિવસ પહેલા થયું હોય તેવું લાગી રહ્યું છે મહિલાએ હાથમાં લાલ કલરની બંગડી પહેરી છે અને તેની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષની જણાઈ રહી છે મહિલાની હત્‍યા થઈ છે કે કુદરતી મોત તે ફોરેન્‍સિક લેબનો રિપોર્ટ આવ્‍યા બાદ જ જાણી શકાશે હાલ કોઈના પરિવારમાંથી લાલ બંગડી પહેરેલ મહિલા ગુમસુદા હોય તો તેઓએ ગોંડલ તાલુકા પોલીસ નો સંપર્ક કરવો તેવું અંતમાં જણાવ્‍યું હતું.

 

(11:30 am IST)