Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ભાજપના શાસનમાં તમામ કાર્યકરો પક્ષના નેતા છેઃ ભુપેન્દ્રભાઇ પટેલ

સામાન્ય કાર્યકર છતાં મારી મુખ્યમંત્રીપદે પસંદગી થયેલઃ ઉનામાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના સ્નેહમિલનમાં મુખ્યમંત્રીનું સંબોધન

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૬ :.. ઉનામાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના યોજાયેલા સ્નેહમિલનમાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવેલ કે ભાજપના શાસનમાં તમામ કાર્યકરો પક્ષના નેતા છે હું સામાન્ય કાર્યકર હોવા છતાં મારી મુખ્યમંત્રીપદે પસંદગી થઇ છે.

રાવણાવાડીનાં મેદાનમાં ગીર સોમનાથ જીલ્લા કક્ષાનું ભાજપના કાર્યકરોનું સ્નેહમિલન સમારોહ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો ઉનામાં સૌ પ્રથમવાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હેલીકોપ્ટરમાં ઉતરી સીધા કાર્યક્રમને સ્થળ પહોંચેલ હતાં. અને ઉના,  કોડીનાર, તલાળા, સુત્રાપાડા, વેરાવળ તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજરી આપી હતી. સૌ પ્રથમ મુખ્યમંત્રીનું સ્વાગત જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંગ પરમારે સ્વાગત પ્રવચન કર્યુ હતું. જીલ્લાનાં અગ્રણી પ્રદેશ ભાજપ મહામંત્રી ઝવેરીભાઇ ઠકરાર, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જીલ્લા પ્રભારી ત્થા રાજય સરકારનાં મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ પ્રવચન કરી કાર્યકરોનો  જુસ્સો વધારેલ હતો.

સ્નેહમિલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જીલ્લા પંચાયતનાં સદસ્ય હરીભાઇ સોલંકી, પૂર્વ ધારાસભ્ય જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, જીલ્લાનાં રાજશીભાઇ જોટવા ત્થા ઉના, સુત્રાપાડા, કોડીનાર, તલાળા તાલુકા પંચાયતનાં પ્રમુખ તથા ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ, ત્થા ઉના નગરપાલીકાના ઉપપ્રમુખ જલ્પાબેન બાંભણીયાએ સ્વાગત કર્યુ હતું.

આ સંમેલનનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કાર્યકરોનો જોમ અને જુસ્સો વધારતા જણાવેલ કે આ ભાજપના શાસનમાં તમામ કાર્યકર પક્ષનો નેતા છે. અને હું એક સામાન્ય કાર્યકરો હોવા છતાં મુખ્યમંત્રી તરીકે પસંદગી પામેલ છે. કાર્યકરોને તેમના વિસ્તારનાં દરેક નાગરીકોનાં પ્રશ્ન હલ કરો, કામગીરી કરો, ગુજરાત રાજયની જનતા માટે ગાંધીનગરનાં દરવાજા ખુલ્લા છે. તેમનાં દરેક કામ માટે સોમવાર, મંગળવાર, બુધવારે મંત્રીઓને મળી રજૂઆત કરી શકે છે. ગુજરાતનાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી સમૃધ્ધ કરવા તેમજ આગામી ર૦રર ની યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ગીર સોમનાથ જીલ્લાની તમામ બેઠકો ભાજપને ફાળે જાય તેવી મહેનતે લાગી જવા આહવાન મુખ્યમંત્રીએ આપેલ હતું.

કાર્યક્રમનું સંચાલન જીલ્લા ભાજપ આગેવાન વજુભાઇ વાજાએ કરેલ હતું.

(11:18 am IST)