Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જિંદગી જીતી, મોત હાર્યું- અધૂરા મહિને જન્મેલી માત્ર ૬૦૦ ગ્રામ વજન ધરાવતી બાળકીને બચાવવા ભુજની સરકારી હોસ્પિટલના ૬ તબીબોનો ૯૦ દિવસ સંઘર્ષ

સરહદના છેવાડાના ગ્રામીણ વિસ્તારની એક ગરીબ નવજાત દીકરીને બચાવવાનો સફળ પ્રયાસ, તબીબી જગતમાં પણ જવલ્લેજ બને તેવો કિસ્સો

(ભુજ) મોટાભાગે સરકારી હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓ સામે ફરિયાદો થતી રહેતી હોય છે. કચ્છ પણ એમાં બાકાત નથી. પણ, સમસ્યાઓની વચ્ચે આજે વાત કરવી છે રણ માં મીઠી વીરડી જેવા કિસ્સાની !! જિંદગી અને મોત વચ્ચેના એક નવજાત માસુમના સંઘર્ષમાં મોતને મ્હાત આપીને તબીબો ખરા અર્થમાં દેવદૂત બન્યાં !!

ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં મીરાબેન હેમલિય નામની મહિલા દાખલ થઈ હતી. કચ્છના સરહદી અબડાસાના છેવાડાના રામપર ગામથી આવેલ આ પ્રસૂતા મહિલા મીરાબેનને ૬ ઠા મહિના દરમ્યાન ઓળ (plcental abruption)  છૂટી પડી જતાં માતા સામે જોખમ સર્જાતાં ન છૂટકે પ્રસુતિ કરાવવવાની તબીબોને ફરજ પડી હતી. આ મહિલાને જન્મેલી નવજાત બાળકીનું વજન માત્ર ૬૦૦ ગ્રામ જ હતું. તબીબી દ્રષ્ટિએ આવા બાળકોનો બચવાનો ચાન્સ માત્ર ૨ ટકા જ હોય છે. પણ, દુનિયામાં અવતર્યા બાદ માત્ર આંખ ખોલે ત્યાં પ્રત્યેક શ્વાસે મોતનો પડઘમ સાંભળતી આ માસુમ બાળાને બચાવવા માટે ભુજની સરકારી હોસ્પિટલના તબીબોએ સંઘર્ષ શરૂ કર્યો. આ બાળકીના ફેફસા નબળા હોઈ તેને પકાવવા માટે સતત વેન્ટિલેટર ઉપર મૂકીને ફેફસા માટેના જરૂરી ઇન્જેક્શન (surfectant) આપવાનું શરૂ કર્યું. જોકે, નબળા ફેફસાના કારણે આ નવજાત બાળકી ઉપર સતત ગંભીર, જીવલેણ બીમારીનો ભય ઝળુંબતો હતો. જોકે, તબીબોની જહેમત ધીરે ધીરે ફળી અને બાળકીને સાદા વેન્ટિલેટર ઉપર મૂકી, પોષણક્ષમ આહાર આપવાનું શરૂ કરાયું. બાળકી પહેલા નળી વડે દૂધ લેતી થઈ, પછી ચમચી વડે મોં વાટે દૂધ લેતી થઈ અને પછી માતાનું ધાવણ લેતી થઈ ગઈ. બધાની જહેમત લેખે લાગી બાળકીનું વજન ૨૦૦ ગ્રામ વધી ગયું. જોકે, સતત ૯૦ દિવસ સુધી ચાલેલી મહેનતને અંતે બાળકી બરાબર શ્વાસ લેતી થઈ ગઈ અને બધું જ નોર્મલ થતાં મા તેમ જ દીકરીને રજા આપી દેવાઈ તેઓ હેમખેમ પોતાને ઘેર પહોંચી ગયા. તબીબી જગત માટે પડકાર રૂપ એવા આ જટિલ કેસ માટે અદાણી જીકે જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો. હસમુખ ચૌહાણ, ડો. રેખા થડાની, ડો. હરદાસ ચાવડા, ડો. શમીમ મોરબીવાલા, રેસીડેન્ટ ડો. સન્ન શેખ, ડો. સોમીલ પટેલ સહિત નર્સીગ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(1:14 pm IST)