Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

શિયાળુ પાકનું પુરજોશમાં વાવેતરઃ સારી ઉપજની આશા ઉગી

જયાં વરસાદી વાતાવરણ છે ત્યાં વાવણીમાં વિધ્નઃ જયાં બહુ કપાસ બગડયો ત્યાં ખેડુતોએ રવિ પાક વાળ્યોઃ ઘઉં, ચણા, જીરૂ, લસણ વગેરે સૌરાષ્ટ્રના પાકઃ પુષ્કળ પાણી લાભદાયીઃ માર્ચ-એપ્રિલમાં માલ બજારમાં આવશે

રાજકોટ, તા., ૧૬: સૌરાષ્ટ્રમાં શિયાળુ પાકના વાવેતરના દિવાળી પછી શ્રીગણેશ થઇ ગયા છે. જયાં દિવાળી પછી ગઇકાલ સુધી વરસાદ થયો છે ત્યાં રવી પાકની વાવણી કરવામાં વિધ્ન સર્જાયુ છે. અન્ય વિસ્તારોમાં વાવણીનુ કામ પુરૂ થઇ ગયું છે અથવા ચાલુ છે. આ મહિનો પુરો થતા સુધીમાં સૌરાષ્ટ્રમાં લગભગ બધા જ ખેડુતો શિયાળુ પાકનું વાવેતર કરી દેશે. કમોસમી વરસાદથી મગફળી અને કપાસના પાકને નુકશાન થયું છે જયાં કપાસને વધુ પડતું નુકશાન થયું છે તેવા વિસ્તારના ખેડુતોએ કપાસ કાઢીને શિયાળુ પાકની વાવણી કરી છે. ગયું ચોમાસુ સારૂ થયંુ હોવાથી પુષ્કળ પાણીના કારણે શિયાળુ પાક સારો થવાની ખેડુતોને આશા જાગી છે.

સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે રવિ પાક તરીકે ઘઉં અને ચણાનું વાવેતર થાય છે. ઉપરાંત ધાણા, જીરૂ, લસણ વગેરે માટે પણ સૌરાષ્ટ્રની જમીન અનુકુળ છે. અત્યારે જે પાકનું વાવેતર થાય છે તે માર્ચ મહિના આસપાસ બજારમાં આવી શકે છે. લસણનો પાક થોડો વધુ સમય લ્યે છે. અમુક વિસ્તારોમાં હજુ પણ માવઠા ચાલુ રહેતા ત્યાંના ખેડુતો માટે ચિંતાજનક પરિસ્થિતિ છે. મોટાભાગના વિસ્તારોમાં શિયાળુ પાકની વાવણી ચાલુ છે. કપાસ અને મગફળીમાં થયેલા નુકશાનની સામે શિયાળુ પાક રાહત આપશે તેવી ખેડુતોને આશા છે. સૌરાષ્ટ્રમાં અત્યારે ઘઉં, ચણા, જીરૂ વગેરે માટે સારી આશા છે. કોઇ અણધાર્યુ કારણ ઉભુ ન થાય તો શિયાળુ પાક મબલખ થવાના સંજોગો છે

(12:06 pm IST)