Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સોમનાથમાં કાર્તિકી પુર્ણિમાનો મેળો પુર્ણઃ અર્વાચીન ટેટુના યુગમાં હાથ-કાંડે છૂંદણાઓ ચિતરાવી લોકોએ મેળો માણ્યો

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૧૬ :.. સોમનાથ દાદાનો કાર્તિકી પુર્ણિમાનો મેળો સોળે કળાયે ખીલ્યો છે. આ વરસે મેળામાં પહેલા દિવસ થી જ ઘુઘવતો માનવ સાગર છલકાયો જે સમાપન સુધી યથાવત રહ્યો.

મેળો નજરે જુવો તો જ તમને ખ્યાલ આવે કે પેટનો ખાડો પુરવા ચણા ચોર ગરમ કે ભેળનો ખૂમચો તથા સ્ટેન્ડ લઇ આજીવીકાની આશમાં ધૂમતા ફેરીયાઓ કે શ્રીમંતોના શો-કેસ આર્ટ શિલ્પ કે રમકડાઓ વેંચતા ફુટપાથ ઉપરના ફેરીયાઓ, ધુમતાં  ચકડોળ સાથે પોતાનો રોજી રોટી માટે ચકડોળ કે વિવિધ રાઇડસ ધારકો આંખે ઊજાગરા - ખાવા પીવાના ઠેકાણા નહીં ને તનતોડ પરિશ્રમથી મેળાનો માહોલ સુંદર બનાવે છે અને બે પૈસા રળે પણ છે.

અર્વાચીન ટેટૂના યુગમા યે લોકો હોંશ ભર સ્મિત ચહેરે હાથ-કાંડા ઉપર છૂંદણા છૂંદાવતા લોકો જુવો ત્યારે તમને પ્રાંચીન લોકમેળા જીવંત થતા લાગે.

મેળામાં આ રોજીરોટી રળનારા લોકો  જમીન ઉપર પાથરણું પાથરી ડીઝાઇનો ચીતરેલો કાગળ મેળા રસિકોને બતાવે છે અને તેની પસંદ પણ જાતે છે અને પછી નાનકડા હાથ મશીનથી તેઓ ધરાકના પ્રિયપાત્રનું પોતાનું ઇષ્ટદેવનું કે મોરલા સાથીઓ તે મશીનથી ગ્રાહકના હાથ-કાંડા કે ગાલ ઉપર તેલ જેવું કેમીકલ ભૂંસી મશીનની અણીદાર ખૂંચતી સોઇની ચરચરાટીથી દોરી આપે છે. મશીન જયારે ફરતું હોય તે ખૂંચતી સોયથી વેદના સ્હેજ ચરચરાટી પણ થતી હોય છે પણ પોતાના મનના માનીતાને છૂંદણાથી શરીરમાં કોતરાવવું જીવન સંભારણું બને છે.

સોમનાથ મેળાના વિશાળ મેદાનમાં પરિવારો જૂના અખબાર અગર શેતરંજી સાથે લાવેલ હોય તે પાથરી તેની ઉપર થેપલાં - શાક-અથાણા આરોગતાં પરિવારો જૂના જમાનાના સયુંકત કુટુંબની કે જૂની ફિલ્મ 'હંમ...સાથ...સાથ...હૈ...' યાદ કરાવે છે. કુટુંબના દરજજા પ્રમાણે ગોળાકારે બેઠા હોય મેળામાંથી ખરીદેલાં પીપોડાઓનો પોપંપો બાળકો ભોજન બેઠકે બજાવતાં હોય - દેરાણી,-જેઠાણી કે ભાભી કે દાદા અને ઘરના સૌ એકબીજાને પ્રેમપુર્વક આગ્રહ કરતાં હોય તેવા દ્રશ્યો ભારતીય સંસ્કૃતિની છબી જીવંત કરે છે.

સોમનાથના મેળામાં વરસોથી બ્રહ્મ સમાજ પ્રમુખ છેલભાઇ જોશી, પાંચે-પાંચ દિવસ સોમનાથ ખાતે સેવક શિવભકત તરીકે મુકામ કર્યો છે અને આ ઉમરે પણ અજબ સ્કુતિથી દોડધામ કરી સ્વયંસેવક તરીકે જોડાયા છે અને મેળાના રાત્રી કાર્યક્રમોના કલાકારો તેઓની ઉતમ રચનાઓ વખતે પોતા તરફથી ઉપરણા કલાકારોને ઓઢાડી અને પીઠ થાબડી કે હોકારો દઇ તેઓની કલા અંજલી બિરદાવી છે.

(12:04 pm IST)