Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

માણાવદર પાલિકામાં ૧૯ ઠરાવો સર્વાનુમતે પસાર પરંતુ એક ઠરાવમાં ૧૧ સભ્યોએ વિરોધ કરતા ભારે ચર્ચા

માણાવદર, તા. ૧૬ : પાલિકામાં આજે ૧૧-૩૦ કલાકે સાધારણ સભા ટાઉન હોલ ખાતે યોજાઇ હતી. હાલ પાલિકામાં ર૮ સભ્યો ભાજપમય જ ગણાય છે કેમકે પૂર્વ કોંગી ધારાસભ્ય અને હાલના મીનીસ્ટર જવાહરભાઇ ચાવડાએ ભાજપમાં પ્રવેશ મેળવેલ તે સાથે તેના અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને તેઓ પણ ભાજપમાં ભળી જતાં પાલિકામાં આમતો કોઇ વિરોધ પક્ષ રહયો નથી તેમાંના મૂળ કોંગ્રેસના સભ્ય અને હાલના પ્રમુખ જગમાલભાઇ હુંબલ છે.

જેના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાયેલ તેમાં કુલ ર૦ ઠરાવો લેવાયેલ તેમાં ગત સાધારણ સભાના ઠરાવને બહાલી સમિતિની રચના ઉપજ-ખર્ચ હિસાબો મંજૂર કરવા, બાકી રહેલા વોર્ડમાં સીસી રોડ કરવા, પેવર બ્લોકના કામો, ૧થી ૭માં ગટરો -બાવળોની સફાઇ, કોમ્યુનીટી હોલ ફરતે દિવાલો કરવી, સહિતના ૧૯ ઠરાવો તો સર્વાનુમતે મંજૂર થયા, પરંતુ ખુદ મૂળ કોંંગી સભ્ય અને હાલના ભાજપ પ્રમુખ દ્વારા ૧૮ નંબરના ઠરાવમાં રીતસર પાલિકામાં પોતાના જ સભ્યોએ વિરૂદ્ધ મતદાન કરી આંતરીક ઉકળતો ચરૂ દેખાય આવ્યો હોય તેવી ચર્ચા થઇ રહી છે.

આ ૧૮ નંબરના ઠરાવમાં પાલિકાના વિભાગોમાં કામગીરી માટે માણસો પૂરા પાડવાના કોન્ટ્રાકટ વાર્ષિ કોકન્ટ્રાકટ રદ કરવાના ઠરાવે પાલિકામાં ખળભળાટ મચાવી દીધો છે એવું તે શું છે આ કોન્ટ્રાકટમાં ? કે પોતાના મૂળ સભ્યો-પ્રમુખ સામે પોતાના જ સભ્યો દ્વારા આ કોન્ટ્રાકટ રદ કરવા ઠરાવ સામે વિરૂદ્ધ મતદાન કર્યું  જ છે એક ઠરાવમાં ભાજપના સભ્યોએ જગમાલભાઇને ટેકો આપી ૧૭ સભ્યોએ બહુમતી હોય તો સામે ૧૧ સભ્યોએ વિરોધ કર્યો  જે ચકચાર મચી જવા પામી છે. આ કોન્ટ્રાકટના ઠરાવે તો પાલિકાના રાજકારણમાં ઘણી ઉથલપાથલ કરી દીધાની ઠેર-ઠેર શહેરમાં ચર્ચા જગાવી છે તો મૂળ ભાજપના સભ્યો ગત સાધારણ સભામાં સામે પક્ષે હતાં તો આ વખતે જગમાલભાઇ સાથે મળી ગયા આમ પાલિકામાં નવાજૂની થાય તો કહેવાય નહી.

પાલિકામાં સમૂળગી કોન્ટ્રાકટ દ્વારા કામગીરીન પ્રથા જ બંધ કરવી જોઇએ કેમ કે તેમાં મોટા ખર્ચા થઇ રહ્યા છે તેવી પ્રજાજનોમાંથી ચર્ચા થઇ રહી છે. પાલિકાના રાજકારણમાં શું થાય તે કહી શકાય તેમ નથી ?

(11:45 am IST)