Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કેશોદમાં પૂ. જલારામબાપા જન્મજયંતિની ઉજવણીઃ સુખ શાંતિ માટે પોલીસની વૈચારિક આપ-લે

કેશોદ, તા. ૧૬ : નવા વર્ષ દરમ્યાન સ્થાનિક કેશોદમાં કોઇ અઘટિત બનાવ ન બને અને તમામ જ્ઞાતિઓ વચ્ચે અરસ-પરસ શાંતિમય વાતાવરણ જળાવય રહે તે માટે સ્થાનિક કેશોદ પોલીસ દ્વારા જલારામ જયંતિના માધ્યમથી વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે વૈચારિક આપ-લેનો એક અનોખો અને પહેલો જ કાર્યક્રમ યોજાયો હતો.

લોહાણા મહાજનવાડીમાં આ કાર્યક્રમમાં સ્થાનિક કેશોદમાં વસતી વિવિધ જ્ઞાતિના હોદેદારો સામાજિક કાર્યકરો, ધાર્મિક આગેવાનો સેવાભાવિ સંસ્થાના આગવાનો સહિતના આશરે સોએક જેટલા પસંદગીના અગ્રણીઓની હાજરીવાળા આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. શ્રી જે.બી. ગઢવીએ કહ્યું હતું કે સમાજમાં બનતા કોઇપણ બનાવની ફરીયાદ પોલીસ પાસે આવે છે ત્યારે પોલીસે કાયદાની મર્યાદામાં રહીને કામગીરી કરવી પડતી હોય છે અને આ પ્રકરણ તૈયાર કરીને અદાલતમાં મૂકવાનું હોય છે ત્યારે અદાલત નક્કી કરે છે કે કોણ દોષિત છે અને કોણ નિર્દોષ છે.

આવા પ્રકરણોમાં લોક અદાલતની જેમ જ્ઞાતિ અને સામાજિક આગેવાનો સેવાભાવી સંસ્થાઓ ધર્માચાર્યો પોતાની દરમિયાનગીરીથી આવા કેસો બારોબાર ઉકેલી શકે છે. જેથી ફરીયાદી, આરોપી, પોલીસ અને છેલ્લે અદાલતની કામગીરીમાં પણ ભારે રાહત થાય છે. કેશોદમાં સૌ આગેવાનોના સહકારથી આજે આવો પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે.

જયારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.ચૌહાણે કહ્યું કે આરોપીઓ માટે આગેવાનો ભલામણ ન કરે તો પણ અમારૂ મોટાભાગનું કામ સરળ બની જાય છે. ગુનાખોરી સાફ કરવી તે અમારી ફરજનો ભાગ છે. આ ફરજ દરમ્યાન કયાંય પણ ભૂલ થાય તો અમારૂ ધ્યાન દોરજો.

 લોહાણા મહાજન, રઘુવંશી સોશ્યલ ગ્રુપ, જલારામ મંદિર, લોહાણા મહીલા મંડળના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી સર્જન ડો. એચ.એન. હિંગાળાએ ગુન્હાખોરી અટકાવવા માટે જ્ઞાતિઓ વચ્ચે અરસ-પરસ ભાવનાત્મક વાતાવરણ ઉભુ કરવા દરેક જ્ઞાતિની પ-પ આગેવાનોની સમિતિ બનાવવા અને આ સમિતિ પોતાની જ્ઞાતિના આવા લોકો ઉપર ધ્યાન રાખે તેવું સુચન કર્યું હતું.

રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ ડો. અજયભાઇ સાંગાણીએ કેશોદના ઇતિહાસના આ સૌપ્રથમ ભાવનાત્મક કાર્યક્રમની અભૂતપૂર્વક સફળતા બદલ શહેરની તમામ જ્ઞાતિઓના અગ્રણીઓનો આભાર માન્યો હતો. જયારે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી દિનુભાઇ દેવાણીએ આજ સુધીના ઇતિહાસનો આ પહેલો અને સફળ કાર્યક્રમ ગણાવી, ભવિષ્યમાં પણ કેશોદના હિતમાં આવા કાર્યક્રમો યોજવાની જાહેર કરી હતી.

જલારામ જયંતિ નિમિતે હાજર રહેલા વિવિધ જ્ઞાતિના આગવેવાનોએ સમૂહ ભોજન લીધા બાદ આશરે ર કલાક ચાલેલા આ કાર્યમાં લોહાણા સમાજના ટ્રસ્ટી ગોવિંદભાઇ દેવાણી, પ્રમુખ જયંતિભાઇ દેવાણી, હમીરભાઇ ધુળા, માંગરોળના શ્રી મામા સરકાર સહિત આશરે સોએક આગેવાનો હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા પ્રવિણભાઇ વિઠલાણીએ કર્યું હતું. જલારામ જયંતિ નિમિતે આશરે ૬પ૦૦ જેટલા લોકોએ સમૂહ ભોજન લીધું હતું. કેટલાક મુસ્લિમો પણ જોડાયા હતાં.

(1:46 pm IST)
  • તામિલનાડુ : ‘ગાઝી' વાવાઝોડાથી ૧૧ના મોત access_time 12:56 pm IST

  • Whatsapp ગ્રુપના એડમીનની ધરપકડ: જોશ નામના એડમીનની ઉત્તર પ્રદેશમાં દેશ વિરોધી મેસેજીસ માટે ધરપકડ કરવામાં આવી છે access_time 12:38 am IST

  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST