Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વાંકાનેર પેલેસમાંથી ૩૪ લાખની એન્ટીક ચીજવસ્તુઓની ચોરી કરી તસ્કરોએ માત્ર ૧૦ લાખમાં વેચી મારી'તી!!

પકડાયેલ તસ્કર ટોળકીને ૧૪ દિ'ના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશેઃ મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ તથા ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

તસ્વીરમાં વાંકાનેર પેલેસમાં ચોરી કરનાર તસ્કર ગેંગ નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૬: વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં ૪ મહિના પુર્વે થયેલ ૩૪ લાખની ચોરીના બનાવનો મોરબી એલસીબી ટીમે ભેદ ઉકેલી નાખી ૬ શખ્સોને ઝડપી લઇ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં ૪ મહિના પુર્વે ૩૪ લાખની રાજાશાહી વખતની એન્ટીક ચીજવસ્તુઓની થયેલી ચોરીનો ભેદ ઉકેલવા રેન્જ ડીઆઇજી સંદીપસિંહ તથા મોરબી એસપી ડો.કરણરાજ વાઘેલાએ સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ તથા સ્ટાફે તપાસનો ધમધમાટ કરી ચોરી કરનાર ૪ તસ્કરો રવિ વિઠ્ઠલભાઇ દેવીપુજક (રહે. હાલ નાસીક, મૂળ ગામ નોલી, તા.સાયલા), અશોક લાલાભાઇ દેવીપુજક (રહે. હાલ નાસીક, મૂળ ગામ પચ્છે ગામ, તા. વલ્લભીપુર), કિશન ગણેશભાઇ દેવીપુજક (રહે. નાસીક, મૂળ ગામ દેવળીયા, તા.ભાવનગર) તથા અજય વિઠ્ઠલભાઇ દેવીપુજક (રહે. નાસીક, મૂળ ગામ નોલી, તા.સાયલા) ને નાસીક ખાતેથી ઝડપી લીધા હતા. જયારે ચોરીનો માલ ખરીદનાર ખીમાબેન શ્રવણભાઇ દેવીપુજક  (રહે. જુની દિલ્હી, મૂળ ગામ બાવળી, તા. ધ્રાંગધ્રા) તથા તેના પુત્ર સુનીલને દિલ્હીમાંથી  ઝડપી લીધા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ તસ્કર ગેંગે ૩૪ લાખની એન્ટીક ચીજવસ્તુઓ માત્ર ૧૦ લાખમાં વેચી મારી હતી. પોલીસે વેચી નખાયેલ આ એન્ટીક ચીજવસ્તુઓ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે. ચોરીમાં પકડાયેલ રવીએ અગાઉ ત્રણ વર્ષ પહેલા ધ્રાંગધ્રા પેલેસમાં ચોરી કર્યાની કબુલાત આપી છે. રવીએ ગુગલ મેપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી વાંકાનેર પેલેસ તથા જગ્યાની માહીતી મેળવી ચોરીનો પ્લાન ઘડયો હતો.

પકડાયેલ તસ્કર ગેંગને આજે ૧૪ દિવસની રિમાન્ડની માંગણી સાથે વાંકાનેર કોર્ટમાં રજુ કરાશે. એલસીબીએ ચોરાઉ એન્ટીક ચીજવસ્તુઓ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.

આ ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ વ્યાસ સાથે એએસઆઇ હિરાભાઇ ચાવડા, હેડ કોન્સ્ટેબલ રજનીકાંત કેલા, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કલોતરા, ફુલ્લીબેન તરાર, પો.કો. નંદલાલ વરમોરા, દશરથસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ જાડેજા અને સતિષ કાંજીયા, ભગીરથસિંહ ઝાલા, આશીફ ચાણકીયા તથા આકૃતીબેન પીઠવા જોડાયા હતા.

(12:26 pm IST)