Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

પત્‍નીએ કહ્યું, હું શું કરૂં ? મારો પતિ મને સમય નથી આપતો એટલે મેં સોશ્‍યલ મીડિયા દ્વારા અન્‍ય પુરૂષ સાથે સંબંધો બાંધ્‍યા

પ્રણય ત્રિકોણમાં ભુજની ૧૮૧ની મહિલા અભયમની ટીમે એક દામ્‍પત્‍યજીવનને તૂટતું અટકાવ્‍યું

 ભુજ તા. ૧૬ : નુતનવર્ષ અને લાભપાંચમ જેવા તહેવારોની પૂર્ણાહુતિ દરમ્‍યાન ભુજની મહિલા અભયમ ટીમને એક મહિલાનો કોલ આવ્‍યો કે મારો પતિ મને માર મારે છે. ભુજ નજીકના એક ગામમાંથી આવેલા ફોનને પગલે અભયમ ટીમના કાઉન્‍સેલર મનીષાબેન રાઠોડ, કોન્‍સ્‍ટેબલ સૂર્યાબેન અને પાયલોટ સાજીદભાઈ ત્‍યાં પહોંચ્‍યા.

ફરિયાદ કરનાર મહિલાએ જણાવ્‍યું કે પતિની મારપીટથી તે હવે તેની સાથે રહેવા ઇચ્‍છતી નથી. સામે પતિએ એવો આક્ષેપ કર્યો કે તેની પત્‍ની સતત સોશ્‍યલ મીડીયા માં વ્‍યસ્‍ત રહે છે, વ્‍હોટ્‍સએપ દ્વારા અન્‍ય પુરૂષ સાથે ચેટ કરે છે અને તે પુરૂષની સાથે તેની પત્‍નીના આડા સબંધો છે. જોકે, પતિએ લાંબા સમયની શંકા પછી જયારે પત્‍નીનો મોબાઈલ ચેક કર્યો ત્‍યારે તેને પોતાની પત્‍ની ના અન્‍ય પુરુષ સાથે આડા સબંધો નો ખ્‍યાલ આવ્‍યો હતો.

શરૂઆતમાં તો પત્‍નીએ પતિને એવો ખુલાસો કર્યો હતો કે તે પુરુષ તેનો ધર્મ નો ભાઈ છે. પણ, પતિ એ વાત માનવા તૈયાર નહોતો એટલે બન્ને વચ્‍ચે બોલાચાલી થઈ, ઝઘડો અને મારપીટ થઈ, જેને પગલે ૧૮૧ અભયમ ની ટીમ ને પત્‍નીએ બોલાવી. કાઉન્‍સેલર મનીષાબેન રાઠોડ અને કોન્‍સ્‍ટેબલ સૂર્યાબેન દ્વારા જયારે એ મહિલાને સમજાવીને જે કંઇ હકીકત સાચી હોય તે કહેવા જણાવાયું. અંતે બે પુત્રીની માતા એવી યુવાન પત્‍નીએ કબુલ્‍યું કે સોશ્‍યલ મીડીયા દ્વારા તે અન્‍ય પુરૂષના પરિચયમાં આવી તેમની વચ્‍ચે વ્‍હોટ્‍સએપની ચેટ ઉપરાંત અંગત સબંધો પણ બંધાયા છે. જોકે, આટલી વાત પછીની જે વાસ્‍તવિકતા છે તેને પણ સમજવાની જરૂરત છે.

ભુજ અભયમ ની ટીમ ના કાઉન્‍સેલર મનીષાબેન રાઠોડે ધીરજપૂર્વક એ યુવાન પત્‍નીને સમજાવ્‍યું કે આડા સબંધો ને કારણે સમાજમાં માન ગુમાવવું પડે છે વળી બે પુત્રીઓના ભવિષ્‍યનો સવાલ પણ તેણી ની સામે રહેશે, પરિવાર ની તે મોટી વહુ છે. અભયમ ટીમ ની સમજાવટ ને પગલે પત્‍નીએ એ પણ ખુલાસો કર્યો કે તેને તેના પતિ સમય આપતા નથી, પતિનો પ્રેમ મને મળતો નથી. અભયમ ની ટીમે પતિને પણ સમજાવ્‍યા. પતિએ ઘેર પત્‍ની તરફ ધ્‍યાન આપવાનું અને પત્‍નીએ સોશ્‍યલ મીડીયા અને અન્‍ય સબંધો થી દુર રહેવાનું સ્‍વીકાર્યું અને સૌએ સમજાવટ સાથે મોટું દિલ રાખી એકબીજાની ભૂલો માફ કરી. અંતે પરિવારનો માળો પીખાંતો બચ્‍યો, આવા કિસ્‍સાઓ સમાજ સામે એ પણ સવાલ કરે છે કે, પતિ અને પત્‍ની ની એક બીજા તરફ ની ઉપેક્ષા અને સોશ્‍યલ મીડીયાનો ઉપયોગ ઘણીવાર એક સુખી પરિવાર ના માળા ને વેરવિખેર કરી શકે છે.

 

(12:06 pm IST)