Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કચ્છ ભાજપ દ્વારા સોમવારે સ્નેહમિલન

ભુજ તા. ૧૬ : દિવાળી બાદ નવા વર્ષના પ્રારંભે કચ્છ ભાજપ દ્વારા સોમવારે સ્નેહમિલન નું આયોજન કરાયું છે. મીરઝાપર (ભુજ) મધ્યે યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવવાના હોઈ સમગ્ર જિલ્લાના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહે તે માટેની તૈયારીઓ થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના કચ્છ પ્રવાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આવતા મહિને ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રવાસનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભુજીયાના સ્મૃતિ વન નું લોકાર્પણ કરે તેવી શકયતા છે. જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ હતો એ જ રીતે ભુજીયાનો પ્રોજેકટ પણ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઈચ્છે છે કે તેમના ગુજરાતના જે કંઈ પ્રોજેકટઙ્ગ છે, તે પ્રોજેકટ ઝડપભેર પુરા થાય અને તેનું લોકાર્પણ થાય. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુજીયાની કામગીરી નિહાળશે.

CM અને PM ના ભુજના પ્રવાસ ને પગલે આર એન્ડ બી ના સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ગાંધીનગર થી ભુજ આવી ગઈ છે અને ભુજીયાની કામગીરીની સમીક્ષા કરી રહી છે. બીજી બાજુ કચ્છની અછતને અનુલક્ષીને પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની વર્તમાન પરિસ્થિતિ જાણવા સમીક્ષા બેઠક યોજશે. અત્યાર થી જ કચ્છમા ઘાસ ની આવક પણ વધી રહી છે. સરકારે પાંજરાપોળ ના પશુઓ માટે સબસીડી માટે ગ્રાન્ટ ફાળવીને ચુકવણું પણ શરૂ કરી દીધું છે. જોકે, મુખ્યમંત્રી કદાચ ઢોરવાડાની જાહેરાત પણ કરી શકે છે.

(12:04 pm IST)