Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કાલે ગઢડા તાલુકાના શિયાનગર શાળા ખાતે સેવા સેતુ કાર્યકમ યોજાશે

બોટાદ, તા.૧૬: બોટાદ પ્રાંત અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજયના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ચોથા તબક્કાનો 'સેવા સેતુ'કાર્યક્રમ ગઢડા તાલુકાના શિયાનગર ગામ ખાતે ૧૭ નવેમ્બર સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી બોટાદ પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર છે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં ગઢડા તાલુકાના શિયાનગર, ઇશ્વરીયા, નિંગાળા, નાના ઝીંઝાવદર ગામના નાગરીકો તેમની રજુઆતો સ્થળ પર રજુ કરી શકશે.

આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતી અરજીઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી તથા કાર્ડ ઈસ્યુ કરવા, રાજય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યકિતલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ડ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય અને નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ બાબતે રજુઆત કરી શકાશે.

આ 'સેવા સેતુ'કાર્યક્રમમાં જે લોકો તેમની ઉકત બાબતની રજુઆત કરવા ઈચ્છતા હોય તેમણે નિયત દિને નિર્ધારીત સ્થળે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયું છે.

(11:09 am IST)