Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સરકારે મગફળી ખરીદીમાં ભાવાંતર યોજના ચાલુ રાખવા માંગ જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇની કૃષિ મંત્રીને રજુઆત

જસદણ તા.૧૬: જસદણનાં પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત આગેવાન શ્રી ભીખાભાઇ બાંભણીયાએ રાજયનાં કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુને એક પત્ર પાઠવીને સરકાર દ્વારા કરવામાં આવતી મગફળીની ખરીદીમાં ભાવાંતર યોજના ચાલુ રાખવા ભારપૂર્વક માંગણી કરી હતી. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષની જેમ રાજય સરકારે મગફળીની ખરીદીનો નિર્ણય કરેલ છે તે ખુબ જ મુશ્કેલીભરી વ્યવસ્થા છે. આ સંજોગોમાં ભાવાંતર યોજના એક માત્ર સરળ ઉકેલ છે.

શ્રી ભીખાભાઇ બાંભણીયાએ પત્રમાં નિર્દેશ કર્યો હતો કે, મગફળીનાં વેચાણમાં ખેડૂતો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે, આ વ્યવસ્થામાં કેટલા ખેડૂતોને કયારે વારો આવશે તે નક્કી થઇ શકે તેમ નથી. સ્પષ્ટ છે કે ખેડૂતોનો રજીસ્ટ્રેશન મુજબ વારો આવતા ઠીક ઠીક સમય લાગશે. એક તરફ સમગ્ર ગુજરાતમાં હાલમાં દુષ્કાળની સ્થિતિ પ્રવર્તે છે અને થોડું ઘણું જ ઉત્પાદન થયેલ છે ત્યારે મગફળી વેચવામાં અને પૈસા મેળવવામાં સમય લાગે તે ખેડૂતોને પાલવે તેમ નથી. ત્યારે ભાવાંતર યોજના ચાલુ રાખવા માટે સરકારે પુનઃ વિચારણ કરવી જોઇએ.

ભાવાંતર યોજના માટે સરકાર દ્વારા માર્કેટીંગ યાર્ડોમાં બે કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવે અને ખેડૂતોનું નામ, ગામ, મગફળીનો જથ્થો, વીસ કિલોનાં વેચાણભાવ અને ટેકાનાં ભાવ મુજબ કેટલી રકમ થાય તેનું દરરોજનું રજિસ્ટર બનાવવામાં આવે તો સરકારે ફકત ભાવાંતરની રકમ પુરતી જ વ્યવસ્થા કરવાની રહે તેમ જણાવી શ્રી ભીખાભાઇએ ઉમેર્યું હતું કે, ખેડૂતોએ ૭-૧૨, વાવેતરનો દાખલો, આધારકાર્ડ અને બંેંક ખાતાની વિગતો માટે ચેક કે પાસબુકની ઝેરોક્ષ અને મગફળીનાં વેચાણનું બીલ કર્મચારી સમક્ષ રજૂ કરવાનું રહે જેથી ભાવાંતરની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી શકે, મગફળીની ખરીદીમાં સરકારે નાણાકીય વ્યવસ્થા, ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, ખરીદ કેન્દ્રનું કમિશન, સીસીટીવી કેમેરા, સિકયોરિટી તેમજ ફરીથી વેચાણ કરવાની ઝંઝટમાંથી બહાર નિકળી જવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર એક ખેડૂત પાસેથી ૨૫૦૦ કિલો એટલે કે ૧૨૫ મણ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદવા ઇચ્છે છે. જે મુજબ ૨૦ કિલો મગફળીનાં ટેકાના ભાવ ૧૦૦૦ રૂપિયા ગણવામાં આવે તો ખેડૂતોને ખુલ્લા બજારમાં એટલે કે માર્કેટીંગ યાર્ડમાં મગફળીનાં ૮૦૦ કે ૯૦૦ રૂપિયા ઉપજે તો મણ દીઠ ૧૦૦૦ થી જે ઓછી કિંમત ઉપજી છે તેના તફાવતની રકમ જ સરકારે ચુકવવાની રહે અથવા સરકારે ૨૦ કિલોએ વધુમાં વધુ રૂપિયા ૨૦૦ કે ર૫૦ની મર્યાદા નક્કી કરી ભાવાંતરની રકમ ચુકવવા માટેની પદ્ધતિ લાગુ કરવા અંગે ફેર વિચારણા કરવી જોઇએ અને આ પદ્ધતિમાં જ ખેડૂતો, વેપારીઓ અને મજદૂરોનું હિત છે તેમ પત્રનાં અંતે શ્રી ભીખાભાઇ બાંભણીયાએ ઉમેર્યું હતું.

(11:09 am IST)