Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

આ તે કેવી ક્રુરતા...મિલ્કત માટેની આ તે કેવી લાલચ?...સસ્પેન્સ-થ્રિલર ફિલ્મને ટક્કર મારે એવી ડબલ મર્ડરની ઘટના

૨૫ લાખની વિમા પોલીસી અને જમીન માટે પતિને પત્નિ-સાળાએ પતાવી દીધોઃ સાથેના નિર્દોષ કારચાલકનું પણ ખૂનઃ બંને લાશ સાથેની કાર ડેમમાં ડૂબાડી!

ગત સાંજે ગોંડલના વેકરી પાસે ડેમમાં ડૂબેલી કારમાંથી મળેલી બે પુરૂષની લાશમાં ખુલ્યું હત્યાનું ભયંકર કાવત્રુ : હોંશે-હોંશે જુનાગઢથી ચોટીલાનું કારનું ભાડુ મેળવનારા અશ્વિન પરમારને કયાં ખબર હતી કે આ સફર તેની અંતિમસફર બની જશે!? : હત્યારણ પત્નિ ભાગી ગઇઃ સાળો નાનજી ઉર્ફ નાશીર પોલીસની પક્કડમાં: હત્યાનો ભોગ બનેલા રમેશભાઇએ મંજુ ઉર્ફ મરિયમ સાથે લવમેરેજ કર્યા હતાં

જુનાગઢઃ ડબલ મર્ડરની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. પ્રથમ તસ્વીરમાં મિલ્કત અને ૨૫ લાખની વિમા પોલીસી માટે જેમની હત્યા થઇ તે રમેશ કલાભાઇ બાલધા. બીજી તસ્વીરમાં નિર્દોષ કાર ચાલક અશ્વીન પરમાર, ત્રીજી તસ્વીરમાં જેણે હત્યા કરી તે મુખ્ય સુત્રધાર મંજુર ઉર્ફે મરીયમનો ભાઇ નાનજી ઉર્ફે નાશીર નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

ગોંડલ : ડબલ મર્ડરની ઘટના સર્જાતા સનસનાટી મચી ગઇ છે. તસ્વીરમાં કારમાંથી મળી આવેલા બન્નેના મૃતદેહ તથા ફાયરબ્રિગેડની ટીમે કાર બહાર કાઢી તે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય - વિનુ જોષી દ્વારા) ગોંડલ-જુનાગઢ તા. ૧૬ :.. મિલ્કત માટે લાલચ જાગે ત્યારે પરિવારની કેવી હાલત થાય છે અને તેવી ક્રુરતા સર્જાય છે. તેનો કિસ્સો ગોંડલ તાલુકાના વેકરી ગામના ડેમમાંથી મળેલી બે વ્યકિતની લાશ ઉપરથી જોવા મળ્યો છે. સસ્પેન્શ-થ્રિલર ફિલ્મને ટકકર મારે તેવી ડબલ મર્ડરની ઘટના  સામે આવતા સનસનાટી મચી ગઇ છે.

રપ લાખની વિમાની પોલીસી અને જમીન માટે પતિ રમેશ કલાભાઇ બાલધાને પત્ની મંજૂ ઉર્ફે મરીયમ તથા સાળા નાનજી ઉર્ફે નાશીરે મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં નિર્દેશ કાર ચાલક અશ્વિન પરમારનો પણ ભોગ લેતા ડબલ મર્ડરની ઘટના સામે આવી છે.

જુનાગઢનાં ટેકસી ડ્રાઇવર અશ્વિન પરમાર અને જેપુરનાં રમેશ બાલધાની ગોંડલ પાસે ફિલ્મી ઢબે હત્યા થયાનું અને ડબલ મર્ડરનાં પોલીસે નાસીર પઠાણ નામનાં શખ્સની ધરપકડ કરી સમગ્ર બનાવનો ભેદ ઉકેલ્યો છે.

મર્ડર મિસ્ટ્રીમા બે મહિલાની પણ સંડોવણી ખુલતા બંનેને ઝડપી લેવા પોલસે ચક્રો ગતીમાન કર્યા છે.

બેવડી હત્યાની સનસનીખેજ ઘટનાની પ્રાપ્ત વિગતો એવી છે કે, જુનાગઢનાં મધુરમ વિસ્તારની દિપાંજલી સોસાયટીમાં રહેતા અને કાર ડ્રાઇવીંગ કરતા ધોબી અશ્વિનભાઇ પ્રેમજીભાઇ પરમાર (ઉ.૪પ) ની ગત તા. ૧રનાં રોજ જુનાગઢનો નાનજી ભીમા કાતરીયા ઉર્ફે નાસીરખાન પઠાણ નામનાં શખ્સે ચોટીલા દર્શન કરવા જવા માટે કાર ભાડે કરેલ.

પરંતુ અશ્વિન પ્રેમજી પરમાર ચોટીલાનું ભાડુ કર્યા બાદ ઘરે પરત ફરેલ નહિ આથી તેના પુત્રએ પિતા અશ્વિનભાઇ ગુમ થયાની જાણ જુનાગઢ સી. ડીવીઝન પોલીસમાં કરેલ.

આથી એસ. પી. રવિતેજાવાસમ શેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ  પી. આઇ. આર. કે. ગોહીલપ, પીએસઆઇ લડવા, સી. ડીવીઝનનાં  પી.એસ.આઇ. કેે. એસ. ડાંગર પ્રતિક મશરૂ તેમજ સાહિલ શમા, રોહિત ધાધલ, ભગાભાઇ, કમલેશ તેમજ યશપાલસિંહ વગેરેએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે ચોટીલા ખાતેનાં સીસી ટીવી કેમેરાનાં ફૂટેજ અને ટેકનીકલ સોર્સથી તપાસ આગળ વધારી હતી. જેમાં કાર ભાડે લઇ જનાર નાસીર પઠાણ તેમજ બે મહિલા તેમજ એક અન્ય વ્યકિત અને અશ્વિન પરમાર ચોટીલાનાં સીસી ટીવી કેમેરામાં નજરે પડ્યા હતા.

જેમાં નાસીર અને બે મહિલાના હિલચાલ શંકાસ્પદ જણાતા જુનાગઢ પોલીસે નાસીરખાન પઠાણને ઉઠાવી લઇ તેની આકરી પુછપરછ કરતાં તેણે મર્ડર મિસ્ટ્રીની કબુલાત કરેલ.

પ્રાપ્ત વિગત મુજબ અગાઉ હત્યા અને હનીટેપ સહિતનાં ગુનામાં સંડોવાયેલ નાનજી કાનરીયાએ ર૦૧૮માં મુસ્લિમ ધર્મ અંગીકાર કરી નાસીરખાન પઠાણ નામ અપનાવ્યું હતું.

આ શખ્સે પોલીસ પુછપરછમાં જણાવેલ કે, બનાવનાં દિવસે અશ્વિનની કારમાં નાસીર તેમજ તેની બહેન મંજુર ઉર્ફે મરીયમ તથા તેનો પતિ રમેશ કલાભાઇ બાલધા (રે. જેતપુર) અને નાસીરને પ્રેમિકા પ્રવિણા સહિત ચાર જણા ચોટીલા દર્શન કરવા ગયેલ.

બાદમાં ચોટીલા ખાતે અશ્વિન અને રમેશને ચિક્કાર દારૂ પીવડાવેલ બાદમાં નાસીરે કાર હંકારી ગોંડલ તાલુકાના વેકરી ગામના પાસેના તળાવ ખાતે પહોંચ્યા હતા. જયાં બંનેને કારમાં પાછળ બેસાડી કારનાં બારણા બંધ કરી કારને ધીમે ધીમે હંકારવાનું ચાલુ રાખી નાસીર કારમાંથી ઉતરી ગયો હતો અને કારને ડેમમાં ધકેલી દીધી હતી.

આ પ્રમાણે અશ્વીનભાઇ પરમાર અ ને રમેશ બાલધાને કાર સહીત તળાવમાં ડુબાડી દઇ હત્યા નીપજાવી નાસીર તથા તેની બહેન અને પ્રેમીકા નાસી ગયા હતા.

વધુમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ નાસીરની બહેન મંજુએ જેતપુર નજીકના જેપુરનાં રમેશ બાલધા સાથે એક વર્ષ લગ્ન કરેલ આ વ્યકિત સુખી સંપન્ન હતી.

આથી રમેશ બાલધાની રૂ. એકાદ કરોડની કિંમતી જમીન પચાવી પાડવા અને રૂ. રપ લાખનો વીમો પકાવવા માટે નાસીર  અને બંને મહિલાએ રમેશભાઇની હત્યાને અંજામ આપ્યો હોવાની અને રમેશની હત્યાની કોઇને જાણ ન થાય તે માટે જુનાગઢનાં અશ્વીન પરમારને પણ પતાવી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી  કબુલાત નાસીરે કરી હોવાનું જાણવા મળેલ છે.

આમ જુનાગઢ પોલીસે ગણતરીના જ દિવસોમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલતા ડીઆઇજી મનીન્દરસિંઘ પવારે એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તેમજ ક્રાઇમ બ્રાંચ સહીત પોલીસ કાફલાને અભિનંદન પાઠવ્યા છે.

દરમ્યાન જુનાગઢ પોલીસ અને ગોંડલ પોલીસે નાસીરને હત્યાના સ્થળે લઇ જઇ બનાવનું રીકન્ટ્રસ્કશનની સાથે આગળની તપાસ હાથ ધરી નાસીરની બહેન અને પ્રેમીકાની ધરપકડ માટેના ચક્રો ગતીમાન કર્યા છે.

આ રીતે આપ્યો ક્રુર ઘટનાને અંજામ

. જુનાગઢના રમેશભાઇ બાલધાને કાવત્રુ ઘડી પતાવી દેવા પત્નિ મંજુ ઉર્ફ મરિયમે  પોતાના ભાઇ નાનજી ઉર્ફ નાશીર સાથે મળી ભાડાની કારમાં ચોટીલા દર્શને જવાનું કહીને ૧૩મીએ સાથે લીધોઃ

. ગોંડલના વેકરી પાસે ૧૩મીએ રાતે પહોંચ્યા પછી પતિ રમેશ અને ભાડાની કારના ડ્રાઇવર અશ્વિનને મંજુ અને તેના ભાઇએ ચિક્કાર દારૂ પીવડાવ્યો

. એ પછી કારના દરવાજા લોક કરી કાર વેકરી ગામ પાસેના ડેમમાં નાંખી દીધી

. કારની અંદર ગુંગળાઇ જતાં રમેશભાઇ અને નિદોર્ષ અશ્વિનના દમ ઘૂંટાઇ ગયા

(1:45 pm IST)
  • નવેમ્બરમાં રાફેલનું આગમન : દિવાળી પૂર્વે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ ફ્રાન્સથી ફાઇટર પ્લેન રાફેલની નવી ખેપ ભારત આવી પહોંચશે. નવેમ્બરમાં ત્રણથી ચાર રાફેલ વિમાનનો ભારતીય લશ્કરમાં જોડાઈ જશે. access_time 4:14 pm IST

  • આજે શેરબજાર ઉંચકાયુ : ગઈકાલે મોટા ધબડકા પછી આજે શેરબજાર ઉંચકાયુ છે અને બપોરે બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ ૨૫૪.૫૭ અપ રહેલું, જ્યારે નિફ્ટી ૮૨.૧૦ અપ ગયું હતું. access_time 4:14 pm IST

  • સરકારી ક્વોટાની બે દુકાનો મેળવવા બાબતે ઉત્તર પ્રદેશમાં બબાલ : ભાજપ નેતા ધીરેન્દ્ર સિંહએ SDO અને CO ની હાજરીમાં જ એક યુવક ઉપર ગોળીબાર કર્યો : યુવકનું મોત : મુખ્યમંત્રી આદિત્યનાથ ફુલ એક્શન મોડમાં : બંને અધિકારીઓ સસ્પેન્ડ : પોલીસ તપાસ ચાલુ access_time 8:04 pm IST