Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સાયલાના કાશીપરામાં કોમલ કોળીનો ઝેરી દવા પી આપઘાતઃ ધરારપ્રેમીનો ત્રાસ હોવાનો પિતાનો આક્ષેપ

૧૯ વર્ષિય યુવતિએ ૭મીએ દવા પી લીધી હતીઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૬: સાયલાના કાશીપરા ગામમાં રહેતી કોમલ ધનજીભાઇ ખીમાણીયા (ઉ.૧૯) નામની કોળી યુવતિએ ગત તા. ૭ના રોજ ઝેરી દવા પી લેતાં સાયલા બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી ૧૩મીએ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત રાતે તેણીએ દમ તોડી દીધો હતો. ગામનો જ એક છોકરો ધરાર પ્રેમ કરવા, લગ્ન કરવા દબાણ કરી હેરાન કરતો હોઇ જેથી તેણી આ પગલુ ભરવા મજબૂર થયાનો આક્ષેપ પિતા ધનજીભાઇએ કર્યો છે.

કોમલનું સારવાર દરમિયાન રાત્રીના મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાયલા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર કોમલ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતી. તેના પિતા ધનજીભાઇ છુટક મજૂરી કરે છે. માતાનું નામ નયનાબેન છે તે પણ મજૂરીએ જાય છે. પિતા ધનજીભાઇએ આક્ષેપ કર્યો હતો કે મારી દિકરીને ગામનો જ એક કોળીનો છોકરો ઘણા સમયથી હેરાન કરતો હતો અને ધરાર પ્રેમસંબંધ રાખવા અને લગ્ન કરી લેવા દબાણ કરતો હતો. દિકરીએ ૭મીએ ઝેર પી લીધું ત્યારે તેણીએ અમને આ વાત કરી હતી.

સાયલા પોલીસે ખરેખર શું કારણ જવાબદાર છે? અને યુવતિના પિતાના આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)