Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જસદણના શિવરાજપુરના અણઉકેલ પ્રશ્નો ઉકેલવા કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ રજૂઆત

રાજકોટ, તા. ૧૬ : જસદણ તાલુકાના શિવરાજપુરના અણઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગણી ગ્રામ પંચાયત ચેરમેન અંકિતાબેન સુરેશભાઇ રાઠોડની આગેવાનીમાં ગ્રામજનો દ્વારા રાજય મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ ગ્રામસભામાં કરી હતી.

શિવરાજપુરમાં અણઉકેલ પ્રશ્નો ઉકેલાઇ જવાની ખાત્રી પણ રાજય મંત્રીશ્રીએ આપેલ છે.

અંકિતાબેન સુરેશભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, શિવરાજપુર ગામે વિકાસની સમસ્યા હલ કરવા સર્વે સમાજને લોકોએ જાહેર સભા રાખેલ હતી. જસદણ વિંછીયા તાલુકાના પ્રતિનિધિ તેમજ રાજય પાણી પુરવઠા કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયાને ત્યાં બોલાવાયા હતાં. સર્વે ગ્રામજનોએ કેબીનેટ મંત્રીને ફુલથી સ્વાગત કરી અને ગામમના વિકાસ માટે હૈયા વરાળ ઠાલવી હતી. દસ હજાર ઉપરાંત વસ્તી ધરાવતા શિવરાજપુર ગામના પ્રાથમિક શાળાઓમાં પૂરતા ઓરડા નથી. ૯થી૧૦ ધોરણ ભણાવવા માટે ગામમાં હાઇસ્કૂલ નથી. કાયમી તલાટી કમ મંત્રી નથી. ગામમાં હજારો વીઘા સીમ જમીન હોવા છતાં માલધારીઓને પશુ ચરાવવાનો અધિકાર નથી. અમારા ગામની સીમ જમીન સરકારશ્રીએ ફોરસ અને અડધામાં વીન્ડો એર્ન્જી કંપની ઉભી કરી પચાવી પાડેલ અને તેનું ભાડુ ગ્રામ પંચાયતને મળતું નથી.

ગ્રામ પંચાયતને વીન્ડો એનર્જી કંપની અને શિવરાજપુરની સીમ જમીનમાં નાખેલ અનેક કંપનીઓની પવન ચક્કીઓનું ભાડુ શિવરાજપુર ગ્રામ પંચાયતને મળે તેવી કેબીનેટ મંત્રી પાસે હૈયા વરાળ ઠાલવી હતી. અમારા ગામમાં મજૂરી કરતા લોકોને ૧૦૦ ચો.વા.ના પ્લોટ જગ્યા મળતી નથી જે હજારો વીઘા જમીન અમારા ગામની સીમ જમીનમાં પડી છે. તેમાં પ૦ એકર જમીન ગામતળમાં નીમ કરે તેથી નાના અને મધ્યમ વર્ગના લોકોને રહેણાંકનો આશરો થઇ જાય તેવી હૈયા વરાળ ઠાલવી હતી. ગામમાં ખેત વાડીઓમાં જવા માટે સારા રસ્તા નથી. પંદિર દિવસે એક વખત પીવાનું પાણી આપવામાં આવે છે.

ગામમાં ૬ થી ૭ દુધની મોટી ડેરીઓ હોવા છતા પશુ દવાખાનું નથી અને આરોગ્ય હોસ્પિટલ હોવા છતા ડોકટર રહેતા નથી. અમારા ગામમાં ગરીબ, મજૂર અને મધ્યમ વર્ગ હોવા છતાં બી.પી.એલ. રેશનીંગ કાર્ડ નથી. તો સસ્તા અનાજની દુકાને મળે શું ? ૭ર વર્ષમાં ગામનો કોઇ વિકાસ થયો જ નથી.

બાળકોના ભવિષ્ય માટે શિવરાજપુર ગામે પ્રાથમિક શાળાઓના તાત્કાલીક ઓરડા બનાવી આપવા તેમજ ગામની દીકરીઓ છેક જસદણ સુધી ભણવા જતી હોય તેથી તાત્કાલીક હાઇસ્કૂલ બનાવી આપવા અને દસ હજાર ઉપરાંત વસ્તી ધરાવતુ ગામ હોય તેથી તલાટી કમ મંત્રી કાયમી ધોરણે આવે અને સરકારી ડોકટર આરોગ્ય દવાખાનામાં કાયમી માટે રહે. ગરીબ લોકોને રહેણાંકના ૧૦૦ ચો.વા.ના પ્લોટો મળે તેવી માંગ કરી હતી. ગામ વિકાસના પંથે જાય અને સરકારશ્રીથી જેટલી મદદ થાય તેટલુ કરી આપીશ તેવી ખાત્રી મંત્રી કુવરજીભાઇ બાવળીયાએ આપેલ છે. સરપંચ હંસરાજભાઇ મુળાણી, અધ્યક્ષ અનિતાબેન રાઠોડ, ગામ આગેવાન રાઘવભાઇ દાનાભાઇ સરીયા, જેરામ કડવા મકવાણા, નાજભાઇ કાઠી દરબાર, વીરદાસ ભગત, અરજણભાઇ રાદડીયા પાટીદાર આગેવાનોએ ગામના વિકાસ માટે મંત્રીને રજુઆત કરી હતી.

આ ઉપરાંત પટેલ નગરથી સરમાળીયા દાદા સુધી પાકા પેસીંગનું કામ સાર્વજનિક સ્મશાનની ફરતી દીવાલ ઉભી કરવી. શિવરાજપુર ગામના તમામ જ્ઞાતિને ૧૦૦ ચો.મી.ના પ્લોટ મળે તે માટે ડોળા સીમ જમીનમાં પ૦ એકર જમીનમાં ગામતળ નીમ કરવું. શિવરાજપુર ગામમાં મંજૂર થયેલ હાઇસ્કૂલ તાત્કાલીક ઉભી કરવા મંજુરી આપવી. ૧૦૦ ચો.વા. ફોર્મનું વિતરણ કરવું, જમીનમાં જવા માટે જાહેર રસ્તાઓનું સમારકામ કરાવવુ, વૃદ્ધ અને વીધવા સહાય માટે માર્ગદર્શન આપવુ. શિવરાજપુર ગામે ૧૦ હજારની આસપાસની વસ્તી ધરાવતું ગામ હોય તેથી કાયમી તલાટી કમ મંત્રીશ્રી રહે તેવી માંગણી, ગામમાં વસતા ખેત વિહોણા લોકોનું બી.પી.એલ.માં સમાવેશ કરવા માંગણી, શિવરાજપુર ગામની જમીનમાં આવેલ પવન ચક્કીનું ભાડુ ગ્રામ પંચાયતને મળે તેવી ગ્રામજનોની માંગણી, શિવરાજપુરના જુના ગામમાં પાકો પુલ બને તેવી ગ્રામજનોની માંગણી, શિવરાજપુર ગામન ફોરસ જમીનમાં શિવરાજપુર ગામના માલધારીઓને પશુ ચરાવવા માટે અગ્રતા આપવી તે માંગણી અને ગુજરાત સરકાશ્રી, કેન્દ્ર સરકારશ્રી, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી, તાલુકાના સભ્યશ્રી, જીલ્લાના સભ્યશ્રીમાંથી તેમજ નાણાંચ અને જીલ્લા તાલુકા આયોજનમાંથી શિવરાજપુર ગામને પૂરતી સહાય મળે અને અમારૂ શિવરાજપુર ગામ વિકાસશીલ બને તેવી સરકારશ્રી પાસે સમસ્ત ગ્રામજનોએ માંગણી કરી હતી.

(11:52 am IST)