Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મંજૂરી વગર જ ગુજરાત ગેસના કોન્ટ્રાકટર દ્વારા પાઇપ લાઈનના થઈ રહેલા કામને કારણે ભુજમાં પાણીની લાઈનો તૂટી જતાં દૂષિત પાણીથી રોગચાળાનો ભય

ભુજ પાલિકાના વોટર સપ્લાય કમિટીના ચેરમેને નારાજગી સાથે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપતાં ભાજપના નગરસેવકોમાં ખળભળાટઃ બે લાખની વસ્તી ઉપર દૂષિત પાણીનું સંકટ

 ભુજ, તા.૧૬: ગુજરાત ગેસ કંપની ભલે સરકારી હોય પણ તેના કોન્ટ્રાકટર દ્વારા થઈ રહેલા કામ સંપૂર્ણ પણે સરકારની માર્ગદર્શિકાનો ભંગ કરે તે રીતે કરાઈ રહ્યું છે. ભુજમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરાતાં પીવાના પાણીની મુખ્ય પાઇપ લાઇન ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં ગેસ પાઇપ લાઈનના ખોદકામ દરમ્યાન કોન્ટ્રાકટર દ્વારા પાણીની પાઇપ લાઇન તેમ જ ગટરની પાઇપ લાઇન તોડી પાડવામાં આવી છે. પરિણામે ડેંગ્યુ અને મેલેરિયા સહિતના અન્ય વાયરલ ફિવરની વચ્ચે ભુજના લોકો ઉપર દૂષિત પાણીથી રોગચાળાનો ભય વધ્યો છે. સરકારી ગેસ કંપનીના કોન્ટ્રાકટર દ્વારા ભુજ નગરપાલિકાની મંજૂરી વગર જ રસ્તાઓ ઉપર ખોદકામ કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતા વોટર સપ્લાય કમિટીના ચેરમેન કૌશલ મહેતાએ દૂષિત પાણીની સમસ્યાના નિવારણ માટે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપવી પડી છે. ભાજપ શાસિત ભુજ નગરપાલિકામાં ભાજપના જ પદાધિકારીએ આપેલી ઉપવાસની ચીમકીએ રાજકીય ખળભળાટ સજર્યો છે. કારણકે, ગેસ પાઇપ લાઇનના કારણે દૂષિત પાણીની સમસ્યા અનેક વોર્ડમાં ઉભી થઇ છે, આ માટે કોન્ટ્રાકટરની બેદરકારી જવાબદાર હોવાનું નગરસેવકો માની રહ્યા છે. જો, પાઈપલાઈનના કામ સમયે નગરપાલિકાને જાણ કરાય તો પાલિકાના ઇજનેરો દ્વારા રસ્તાની નીચે રહેલ પાણી તેમ જ ગટરની પાઈપલાઈનો વિશે જાણકારી આપી શકાય અને સમસ્યાઓનું સ્થળ ઉપર જ નિરાકરણ થાય. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા થઈ રહેલી બેદરકારીભરી કામગીરીથી લોકોમાં અસંતોષ છે જેને પરિણામે સરકારની છબી ખરડાય છે. અનેક શેરીઓ અને રસ્તા ઉપર તો ખોદકામ કરાયા બાદ ખાડા પુરવાની તસ્દી પણ નહીં લેવાતાં લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે. જો ફરિયાદ કરો તો કોન્ટ્રાકટર દ્વારા ઉદ્ઘત જવાબ આપવામાં આવે છે. પાઇપલાઇન તૂટવાથી ભુજ નગરપાલિકા ઉપર વધારાનો આર્થિક બોજ પણ પડે છે.

(11:45 am IST)