Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગિર અભ્યારણ્યમાં સિંહ દર્શન શરૂઃ દિવાળી સુધી એડવાન્સ બુકીંગ

વનરાજાના વેકેશનનો સમયગાળો પૂર્ણ થતા પ્રથમ દિવસથી જ પ્રવાસીઓ ઉમટયાઃ પર્યટકોનું હારતોરાથી સ્વાગત

પ્રથમ તસ્વીરમાં વન વિભાગનાં અધિકારીઓએ લીલી ઝંડી આપીને પર્યટકોને ફુલહાર પહેરાવી આવકાર્યા હતા. બીજી તસ્વીરમાં પ્રવાસીઓ અને ત્રીજી તસ્વીરમાં સિંહો ફાઇલ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ તા. ૧૬: સાસણનાં ગીર અભ્યારણ્યમાં આજથી સિંહ દર્શન શરૂ થતા પ્રવાસીઓના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઉમટી પડતા લોકમેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

વન્ય જીવોના સંતનન કાળને લઇ ચોમાસાના ચાર મહિના સિંહ દર્શન બંધ રાખવામાં આવેલ અને સંવનન કાળ માટે વેકેશન હતું પરંતુ ચોમાસાની ઋતુએ વિદાય લેતા અને ગઇકાલથી વેકેશન પણ પૂર્ણ થતાં આજે સવારે પ્રવાસીઓએ સિંહ દર્શન માટે વન વિભાગે લીલી ઝંડી આપી હતી.

ડી.સી.એફ. રામ મોહન સહિતનાં અધિકારીઓએ વ્હેલી સવારે ખુશનુમા વાતાવરણમાં સિંહ દર્શન માટે આવેલા પર્યટકોને રવાના કર્યા હતા.

ડીસીએફ શ્રી રામ મોહને જણાવેલ કે, સિંહ દર્શન માટે દિવાળી સુધીનું એડવાન્સ બુકીંગ થઇ ગયું છે. સિંહોની વસ્તીમાં પણ ૩પ ટકા વધારો થયો હોય પ્રવાસીઓએ સિંહ દર્શન દરમ્યાન બાળ સિંહ પણ જોવા મળશે.

આ વર્ષે પણ ૧૮૦ની પરમીટ અને ૧૮૦ જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવી છે.

સીસીએફ ડી.ટી. વસાવડાએ જણાવેલ કે, ગીર જંગલનું પર્યાવરણ જળવાય રહે તે માટે પ્રથમ વાર જંગલના પ્રવાસીઓએ પ્લાસ્ટીકની ચીજ વસ્તુ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

પ્રવાસીઓને વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે અને સિંહ દર્શન બાદ આ બોટલો પરત કરવાની રહેશે.

ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન શરૂ થતાં જીપ્સી સંચાલકો તેમજ અન્ય ધંધાર્થીઓનાં ચહેરા પર રાહત જોવા મળી હતી.

(11:41 am IST)