Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પોરબંદરમાં હોર્ન વગાડતા ધારીયા-પાઇપ વડે હૂમલોઃ સ્કોર્પીયો સળગાવી

સામસામી પોલીસ ફરિયાદોઃ આરોપીઓ ફરારઃ લીરબાઇ આશ્રમ પાસે બઘડાટી

પોરબંદર તા. ૧૬ :.. ધરમપુર વિસ્તાર લીરબાઇ આશ્રમ પાસે સ્કોર્પીયોનું હોર્ન વગાડતા થયેલ માથાકુટ બાદ બઘડાટી બોલી જતા ધારીયા અને પાઇપ વડે એકબીજા ઉપર હૂમલો કર્યો હતો અને સ્કોર્પીયો સળગાવી નાખી હતી. બઘડાટીમાં સામાસામી પોલીસ ફરીયાદો નોંધાઇ છે.

આ બઘડાટી અંગે કોલીખડાના દેવાભાઇ કારાભાઇ મારૂએ આરોપી ઠેબા ભુરા કાંરાવદરા અને આરોપીના પિતા અને ભાઇ સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે પોતે સ્કોર્પીયો (જીજે-૧૧/૮૪૯૯) લઇને જઇ રહેલ અને હોર્ન વગાડતા ત્યારે આરોપીઓએ હોર્ન કેમ વગાડે છે ...તેમ કહીને ધારીયા વડે હૂમલો કરીને ઇજા કરી નાસી ગયેલ હતાં.  અને સ્કોર્પીયો સળગાવી નાખી હતી. ફરીયાદી સાથે રહેલ અન્ય સાહેદોને પણ ઇજા કરી હતી.

આ બનાવમાં સામી પોલીસ ફરીયાદ ઠેબાભાઇ ભુરાભાઇ કારાવદરા રે. ધરમપુરવાળાએ આરોપી દેવા કારા રબારી, કરમણ લાખા તથા ૧ર થી ૧૩ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરીયાદમાં જણાવેલ કે લીરબાઇ આશ્રમ પાસે પોતાની ભાણેજ વાડીમં એકલી હોય ત્યાં નહીં જવાનું કહેતા આરોપીઓ સાથે બોલાચાલી થયેલ હતી. અને આરોપી જતા રહેલ ત્યારબાદ આરોપીઓ તથા ૧ર થી ૧૩ શખ્સો ફોર વ્હીલ અને બાઇક લઇને વાડીએ આવીને પાઇપ - ધોકા વડે હૂમલો કરીને હાથમાં ઇજા કરી હતી.

આ બનાવની વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. એન. ગઢવી ચલાવી રહેલ છે.

(11:39 am IST)