Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

બગોદરા પાસે અકસ્માતમાં પિતા-પુત્રના મોત

બે શ્વાનને બચાવવા જતા ખાંભા તાલુકાનાં પીપળવા ગામનાં રમણીકભાઇ પાનેલીયા અને હાર્દિક પાનેલીયાના મોતથી અરેરાટીઃ હેલ્મેટ પણ તેને બચાવી ન શકી

તસ્વીરમાં અકસ્માતનું ઘટના સ્થળ તથા મૃતકો નજરે પડે છે. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

ભાવનગર-વઢવાણ તા. ૧૬: ભાવનગર પાલીતાણાથી કૃષ્ણનગર તરફ જતી એસ.ટી. બસ અને બુલેટ વચ્ચે ફેદરા-ધંધુકા પાસે અકસ્માત સર્જાતા બુલેટ ઉપર જઇ રહેલા હેલ્મેટ પહેરેલ પિતા-પુત્રનાં ગંભીર ઇજા થતાં બનાવ સ્થળે જ કરૂણ મોત નિપજયા છે.

અકસ્માતની મળતી વિગતો મુજબ આજે સવારે અમરેલી ડેપોની કૃષ્ણનગર-પાલીતાણા-સાવરકુંડલા રૂટની એસ.ટી. બસ નં. જીજે-ર૭ સીજે ૧૭૭૦ ફેદરા-ધંધુકા પાસે બુલેટ નં.-જીજે-૧૮ ઝેડ પ૦૬૧ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા  અકસ્માતમાં બુલેટ ઉપર જઇ રહેલા અમરેલી જીલ્લાનાં ખાંભા તાબેનાં પીપરવા ગામનાં રમણીકભાઇ પાનેલીયા તથા તેનાં પુત્ર હાર્દિક ઉ.વ. ર૯ ને ગંભીર ઇજા થતાં બન્નેનાં ઘટના સ્થળે ૪ મોત નિપજયા હતા. મૃતક બુલેટ ચાલકે હેલ્મેટ પહેરેલ હતી પરંતુ હેલ્મેટ પણ તેને બચાવી શકી ન હતી. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

બગોદરા-ધંધુકા રોડ ઉપર ફેદરા સીએનજી પેટ્રોલ પંપ નજીક કૃષ્ણનગર-અમદાવાદથી સાવરકુંડલા જઇ રહેલી એસ.ટી. બસના પાછળના ટાયરમાં કુતરાને બચાવવા જતા આ બન્ને પિતા-પુત્ર આવી ગયા હતા.

આ બનાવની જાણ થતાં ફેદરા ૧૦૮ એમ્યુલન્સના પાયલોટ અશરફખાન પઠાણ, ઇએમટી મુકેશ મકવાણા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધંધુકા હોસ્પિટલે ખસેડયા હતા. ધંધુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:18 am IST)