Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

લાટી ગામ દરીયાય રેતીની રાત્રીનાં સમયે જોરદાર ચોરીઃ જંગલખાતાની દિવાલ તોડી

પ્રભાસ પાટણ તા.૧૬: સુત્રાપાડા તાલુકાનાં લાટી ગામે અને ત્રિવેણી સંગમની સામેનાં ભાગે રાત્રીના સમયે બેફામ રેતીની ચોરી થઇ રહેલ છે. અને રાત્રી પડતાની સાથે ૩૦ થી ૪૦ ટ્રેકટરો દ્વારા રેતીની ચોરી થઇ રહેલ છે. એન આ ખનીજ માફીયાઓ દ્વારા દરીયાની રેતી ચોરી થતી અટકાવવા જે દિવાલ બનાવવામાં આવેલ છે તેને પણ તોડી નાખેલ છે.

આ દરીયાય રેતીની સતત ચોરી થવાને કારણે જે દરીયા કીનારે રેતીનો મોટો જથ્થો હતો તે ધીરે ધીરે ઓછો થતો જાય છે અને દરીયાનાં ખારા પાણી આગળ વધી રહેલ છે. અને તેથી આ ખારા પાણી  સતત આગળ વધવાને કારણે કુવાઓમાં ખારા પાણી થવાથી આજુબાજુ વિસ્તારોનાં ખેતરો બંજર હાલતમાં ફેરવાય રહેલ છે.

જયાં રેતીની ચોરી થઇ રહેલ છે તે લાટી ગામ ત્રિવેણી સંગમની સામે કિનારે આવેલ છે અને ત્રિવેણી સંગમ જયાં પૂરો થાય છે તેની બાજુમાંથી આ રેતીની ચોરી થઇ રહેલ છે. આ ચોરી ઘણા સમયથી થઇ રહેલ છે અને ખનીજ ચોરી સદંતર બંધ થાય તે માટે લાટી ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રજૂઆતો કરેલ છે પરંતુ યોગ્ય કાર્યવાહી થતી નથી રેતી ચોરી બંધ થાય તે માટે ખાણખનીજ જાતે મરીન પોલીસ પગલા લે તેવી ગ્રામ પંચાયત દ્વારા માંગણી કરેલ છે.(૧.૧૦)

(11:55 am IST)