Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સૌપ્રથમ

બગસરાના બાલાપુર ગામે ડો. અબ્દુલ કલામ વિજ્ઞાન કેન્દ્ર

દેશના અગ્રણી વૈજ્ઞાનિકોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રેરણા આપી

(દર્શન ઠાકર દ્વારા) બગસરા તા. ૧૬ : બગસરાના બાલાપુર ગામે ગત રવિવારે ગુજરાત રાજયના ગ્રામીણ વિસ્તારના સૌપ્રથમ ડો.એ.પી.જે. અબ્દુલ કલામ વિજ્ઞાન કેન્દ્રને દેશના અગ્રણી વૈજ્ઞાનિકોની હાજરીમાં ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ તકે ગામના વિજ્ઞાન શાખામાં અભ્યાસ કરી ચુકેલા તમામ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

બાલાપુર ગામના પનોતા પુત્ર ચંદ્રમૌલી જોશી ના પ્રયત્નથી ડો.એ.પી.જે. અબ્દુલ કલામ વિજ્ઞાન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. દેશનાઙ્ગ અગ્રણી વૈજ્ઞાનિકો જેવા કે ભૂગોળ વૈજ્ઞાનિક ડો. જે જે રાવલ તથા ઈસરોના વૈજ્ઞાનિક ડો. સૂર્યકાંત શાહ તેમજ ઇસરો બેંગ્લોરના વૈજ્ઞાનિક ડોકટર એસ એન શેખ, તેમજ વિજ્ઞાન પ્રસાર નેટવર્ક નવી દિલ્હીના પૂર્વ નિયામક અને વૈજ્ઞાનિક ડોકટર વી બી કામલે સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નાનકડા એવા બાલાપુર મા પધારેલા આ તમામ વૈજ્ઞાનિકોનો ગ્રામજનો દ્વારા શોભાયાત્રા સમાન વિજ્ઞાન યાત્રા યોજવામાં આવી હતી.

જેમાં તમામ વૈજ્ઞાનિકો સાથે ગ્રામજનો વાજતે-ગાજતેઙ્ગ ડોકટર એ.પી.જે. અબ્દુલ કલામ વિજ્ઞાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા અને વૈજ્ઞાનિકોને હસ્તે તેને ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું. આ પ્રસંગ ને લીધે આખાય ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. ઉદ્ઘાટન બાદ પટેલ સમાજ વાડી ખાતે સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં આ તમામ વૈજ્ઞાનિકો તથા ગામના પનોતા પુત્ર ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

બાલાપુર ગામની શાળામાં આજ દિન સુધી ફરજ બજાવી ચૂકેલા તમામ શિક્ષકોને પણ ગ્રામજનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે સાથે ગામના વિજ્ઞાન પ્રવાહના ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓને પોતાની કર્મ-ભૂમિ માંથી બાલાપુર તેડાવવામાં આવ્યા હતા તેમજ આ તમામ પૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમગ્ર જિલ્લામાંથી પધારેલી વિવિધ શાળાના વિદ્યાર્થીઓની એક કિવઝ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જે બાદ આ તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. (૨૧.૧૨)

(11:55 am IST)