Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ભાણવડ ચીફ ઓફિસરની મહિનામાં જ બદલી !

ભાણવડ, તા. ૧૬ : ભાણવડ નગરપાલિકામાં લાંબા સમય બાદ એક કુશળ અને નિડર ચીફ ઓફિસર શેખની કાયમી નિમણુંક કરવામાં આવતા પ્રજાએ રાહતનો દમ લીધો હતો. પરંતુ પ્રજાની આ રાહત ક્ષણજીવી નિવડી હતી કેમકે આ કુશળ ચીફ ઓફિસર શેખની એક જ માસમાં બદલી કરી નાંખવામાં આવી છે અને તેની જગ્યાએ એ રીટાયર કર્મીને કોન્ટ્રાકટ બેઇઝ પર બેસાડી દેવામાં આવેલ છે જો કે, આ નવા ચીફ ઓફિસરે આઠ દિવસ થવા છતાં પાલિકામાં પોતાની હાજરી નોંધાવી નથી.

ચીફ ઓફિસર શેખની બદલી પાછળ શહેરમાં બનાવવામાં આવેલા ગુણવતા વગરના અને માત્ર એક-બે માસમાં જ તૂટી ગયેલા રોડના અટકેલા બિલોનું કોકડું જ કારણભૂત હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જાણવા મળ્યા મુજબ આ ચીફ ઓફિસરે આવતાની સાથે જ પ્રજાના પડતર પ્રશ્નો અને રોડના નબળા કામ બાબતે આક્રમક તેવર દાખવ્યા હોઇ કેટલાક સતાધિશોનું અંગત હિત જોખમાયું હતું જેને પગલે ઉચ્ચ સ્તરે છેડા લગાડી બદલી કરી નખાવેલ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે શહેરી વિકાસ યોજના હેઠળ ભાણવડમાં સીસી રોડ બનાવવામાં આવેલ છે પરંતુ એજન્સીઓને એકદમ હલકી ગુણવતાના આ સીસી રોડ બનાવ્યા હોઇ પ્રજાએ ઉહાપો મચાવી દીધો હતો. ત્યારે વિપક્ષી સદસ્યોએ રોડના નબળા કામ અંગે ઉચ્ચ સ્તરે કરેલી રજુઆતોના પગલે આ કામના બિલો અટકાવવા કલેકટર સહિતનાઓએ પાલિકા ચીફ ઓફિસરને હુકમ કરેલ હતો. આથી વિવિધ એજન્સીઓે અટકેલા બિલો પાસ કરાવી દેવાની જવાબદારી સાથે અધુરા કામો પેટા કોન્ટ્રાકટરથી આપી ભાણવડમાંથી ચાલતી પકડી લીધી હતી. ત્યારે નિષ્ઠવાન ચીફ ઓફિસરની બદલી પાછળ આ ફેકટર કામ કરી ગયું હોવાની સુત્રોની વાતમાં દમ તો છે જ.

હવે આ રોડના અટકેલા બિલો પાસ કરાવવા માટે કોઇપણ ભોગે અટકેલા બિલો પાસે થઇ જાય તેની વેતરણમાં પડયા છે અને વિપક્ષી સદસ્યોને પણ પ્રલોભનો આપી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે બે-બે માસમાં ધુળધાણી થઇ ગયા તેવા રોડ બનાવનાર કોન્ટ્રાકટરોના બિલો પાસ કરાવવા માટે સતાધીશો સામે વિપક્ષો કયાં સુધી મક્કમ રહે છે.

આ બધી કળાકુટમાં બે માસ પહેલા શહેરમાં રેઢીયાળ ઢોરોના પ્રજાહિતના મુદ્દે વિપક્ષી સદસ્યો એ કરેલા ધરણા મામલતદારની મધ્યસ્થી અને તે સમયના ચીફ ઓફિસર ફુરકાનભાઇ ગીચેએ આપેલી પંદર દિવસમાં કાર્યવાહીની ખાતરી બાદ પારણા કર્યા હતા તે વાત ખુદ વિપક્ષોથી જ વિસરાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રેઢીયાળ ઢોરોની સમસ્યા હલ કરવા માટે પાલિકા તરફથી બહાર પાડવામાં આવનાર ટેન્ડરના કોઇ ફેકાણા નથી અને વિપક્ષી સદસ્યોએ પણ એ અંગે પાલિકામાંથી કોઇ પુછપરછ કે માહિતી મેળવી હોય તેવું લાગી રહ્યુ઼ નથી એ મુજબની ચર્ચ પ્રજામાંથી સાંભળવા મળી રહી છે. (૩.ર)

(11:54 am IST)