Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ભાવનગર : ૫ સંતાનો સાથે માતાએ કુવો પુર્યો : ૪ના મોત

પોતાના ઉપર તાંત્રીક વિધી કરી હોય તેવો સતત ભાસ થતો રહેતો હતો... : તળાજાનાં ઝાંઝમેર ગામની પરિણીતાએ રોયલ ગામે ખેતર મજુરી કરતા પત્નીને 'માતાજીએ : દર્શન કરવા જાવ છું' તેમ કહીને પાંચ પીપળા ગામના કુવામાં ઝંપલાવ્યું : કોળી પરિવારમાં અરેરાટી

ભાવનગર : પાંચ માસુમ બાળકોને કુવામાં ફેંકી માતાએ પણ કુવામાં ઝંપલાવ્યું હતું. ગ્રામ્યજનોએ માતા અને દિકરીને બચાવી લીધા હતા. જ્યારે ચાર બાળકો કુવામાં લાપતા બનતા ૪ બાળકોના મૃતદેહ હાથમાં આવ્યા છે. આ બનાવે સમગ્ર ગોહિલવાડ પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

ભાવનગર તા. ૧૬ : ભાવનગર જિલ્લાના પાંચપીપળા ગામમાં અરેરાટીજનક ઘટના બનતા સનસનાટી મચી ગઇ છે. કુવામાં માતાએ પોતાના પાંચ સંતાનો સાથે ઝંપલાવતા અરેરાટી મચી ગઇ છે. આ ઘટનામાં ૪ સંતાનોના મોત થયા હતા. જ્યારે માતા અને એક પુત્રીને બચાવી લેવાઇ છે.

તળાજાના મૂળ ઝાંઝમેર ગામના રહેવાસી અને હાલ રોયલ ગામે ખેત મજૂરી કરતા કોળી પરિવારની પરણીતા આજે બપોરે માતાજીએ ઝાંઝમેર ગામે દર્શન કરવા જાવ છું તેમ કહીને નિકળી હતી. પાંચ સંતાનોને લઇને પરંતુ પરણીતા ઝાંઝમેર જવાના બદલે પાંચપીપળા ખાતે બે વર્ષ પહેલા જે વાડીમાં ભાગ રાખતા હતા ત્યાં આવીને કુવામાં સંતાનોને નાંખી પોતે પણ ઝંપલાવ્યું હતું. જેમાં પરણીતા અને મોટી એક દીકરીનો બચાવ થયો હતો. ચાર સંતાનો ૯૦ ફુટ ઉંડા પાણી ભરેલા કુવામાં ગરકાવ થઇ જતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે આ ચાર સંતાનોના મૃતદેહ જ હાથ લાગ્યા હતા.

તળાજાના ઝાંઝમેર ગામના ધરમીશભાઇ રામભાઇ ભાલીયા તેમના પત્ની ગીતાબેન અને પાંચ સંતાનોમાં ત્રણ દિકરા અને બે દિકરી કુલદિપ (ઉ.વ.૭), કાર્તિક (ઉ.વ.૪), રૂદ્ર (ઉ.વ. દોઢ), અશીતા (ઉ.વ. ૮), ધર્મિષ્ઠા (ઉ.વ.૧૦) સાથે તળાજાના રોયલ ગામના ખેડૂત નરેશભાઇ ગાંગાણીની વાડીમાં ભાગ રાખી ખેતમજૂરી કરી રહે છે.

કાલે બપોરના બે વાગ્યાના અરસામાં ગીતાબેનએ પતિ ધરમશીભાઇને પાંચેય સંતાનોને લઇ ઝાંઝમેર ગામે માતાજીના દર્શન કરવા જાવ છું તેમ કહી વાડીએથી નિકળી ગયા હતા.

મોડી સાંજે પાંચ પીપળા ગામના ચંદુભાઇનો ધરમશીભાઇ પર ફોન આવ્યો હતો કે તેમની પત્ની પાંચ પીપળા ગામે બે વર્ષ પહેલા જ્યાં ભાગ રાખેલ તે તળસીભાઇ નારણભાઇ ઇટાળીયાની વાડીમાં આવેલ કુવામાં પાંચે સંતાનોને ફેંકી પોતે પણ કુવામાં ઝંપલાવ્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ તળાજા માર્કેટીંગ યાર્ડના પૂર્વ અધ્યક્ષ હરીભાઇ ઇટાળીયાને થતાં જ તેઓએ અલંગ પોલીસ, મામલતદાર, ફાયરબ્રિગેડ સહિતના પ્રશાસનને જાણ કરી પાંચપીપળા ગામે સ્થળ પર દોડી ગયા હતા.

હરીભાઇ ઇટાળીયાએ જણાવ્યું હતું કે, પાંચ સંતાનો સાથે કુવામાં ઝંપલાવનાર ગીતાબેન અને તેની મોટી દિકરી ધર્મિષ્ઠાનો આબાદ બચાવ થયેલ છે.

બાકીના ચાર સંતાનાનો જેમાં ત્રણ દિકરા અને એક દિકરી નેવું ફુટ આશરે ઉંડા કૂવામાં ગરકાવ થઇ ગયા હતા. ફાયરની ટીમ, પોલીસ, સેવાભાવી તરવૈયાઓ દ્વારા તેઓના મૃતદેહ બહાર કઢાયા હતા.

પરણીતાના પતિ ધરમશી રામભાઇ ભાલીયાએ જણાવ્યું હતું કે, પોતાની પત્નીને છેલ્લા કેટલાક દિવસથી પોતાના ઉપર કોઇએ તાંત્રિક વિધિ કરી હોવાનો ભાસ થતો હતો. માનસિક સમતૂલા કયારેક ગુમાવી બેસતી હતી. પરણીતા પોતાને સ્મશાન દેખાય છે તેવું વારંવાર સુવા સમયે કહેતી હતી.

જેને લઇ માતાજીના દર્શન કરી આવતો સારાવાના થઇ જશે તેમ સમજાવતા આજે પરણીતા પાંચેય સંતાનોને લઇ ઝાંઝમેર જવા નિકળી હતી. પરંતુ ઝાંઝમેર જવાના બદલે પાંચપીપળા પહેલા ભાગ રાખતા હતા તે વાડીના કુવામાં ઝંપલાવ્યું હતું.(૨૧.૯)

 

(11:36 am IST)
  • અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા દુર્ગા પૂજાને લઈ જાહેરનામું બહાર પડાયું: નદી કે તળાવમાં દુર્ગા માતાની મૂર્તિ પધરાવવા પર પ્રતિબંધ: જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે access_time 1:00 am IST

  • ગાંધીનગરમાં બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે: સવારની જગ્યાએ સાંજે 6 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે : અછતગ્રસ્ત તાલુકાઓ અંગે નિર્ણય થવાની શક્યતા access_time 1:00 am IST

  • હાલોલના રામેશરા ગામે 3560 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો : પંચમહાલ જિલ્લાના હાલોલના રામેશરા ગામમાં આવેલ અક્ષય ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી 89000ની કિંમતનો 3560 કિલો અખાદ્ય ગોળ ગોધરા આર આર સેલે ઝડપી પાડ્યો access_time 1:05 am IST