Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

તળાજામાં પ૦ દિ'માં ચોથી હત્યાઃ કોળી યુવકનું ઢીમ ઢાળી દીધુ

મૃતક રમેશ મોહનભાઇ ભાલીયાની આ જ વિસ્તારમાં રહેતા ૪ શખ્સોએ આંખમાં મરચુ છાંટીને મોતને ઘાટ ઉતારી દીધા

ભાવનગર તા. ૧૬ :..  પચાસ દિવસમાં તળાજાની ધરતી આજે સવારે શહેરના દિન દયાળ નગરના જાણીતા કોળી યુવાનની થયેલ ચોથી હત્યાના પગલે રકત રંજીત બળી હતી. ચાર હત્યારાઓએ પૂર્વ પ્લાન ઘડીને જ સરાજાહેરમાં રસ્તા પર ઢીમ ઢાળી ફરાર થઇ ગયા હતાં. મૃતકના નાનાભાઇએ ચાર હત્યારાઓના નામ જોગ પોલીસને ફરીયાદ આપતા હત્યારાઓની શોધખોળ સાથે તપાસ હાથ ધરી છે.

ગત ર૪ ઓગસ્ટના રોજ તળાજાના પૂર્વ ઉપપ્રમુખ નશીબખાન પઠાણની નિર્મમ હત્યા બાદ હત્યાનો સીલસીલો વણથંભ્યો રહ્યો છે. પોલીસનાં અસ્તિત્વ સામે સવાલો ઉભા કરતા ઉપરા-છાપરી તળાજામાં ગંભીર ગુનાઓ બનતા જાય છે. જેમાં આજે શહેરના દિનદયાળ નગર વિસ્તારમાં સવારે ૭.૧પ કલાકના અરસામાં આજ વિસ્તારના જાણીતા રમેશભાઇ મોહનભાઇ ભાલીયા (ઉ.વ.આ.૪પ) ની સરા જાહેર આજ વિસ્તારમાં રહેતા ચાર શખ્સોએ કરેલી તિક્ષ્ણ હથીયારોના ઘા મારી કરેલી નિર્મમ હત્યાનાં પગલે શહેરભરમાં સનસનાટી મચી ગઇ હતી. જયાં ખુની ખેલાયો તે વિસ્તારમાં વહેલી સવારથી જ ખુલી જતી દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી.

આ બનાવ અંગે હત્યાનો ભોગ બનેલ રમેશ (ઉર્ફે દાઢી) ભાલીયાના નાનાભાઇ મુકેશ મોહનભાઇ ભાલીયા (ઉ.૩૦, ધંધો ડ્રાયલીંગ, રે. નિલકંઠ સ્કુલ પાછળ, વાડી વિસ્તાર, તળાજા) એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ આજે સવારે ૭ થી ૭.૩૦ ના અરસામાં દિનદયાળનગર વિસ્તારમાં જ રહેતા ચાર શખ્સો સાહીલ (ઉર્ફે શેડો) ઇકબાલભાઇ સેલોત, અલ્પેશ વનાભાઇ જાદવ, દિનેશ વનાભાઇ જાદવ, દિનેશ દેવાભાઇ જોગીએ હત્યાનુ પુર્વ આયોજન કરી, કાવતરૂ ઘડીને હાથમાં તલવાર, ફરસી, કુહાડી અને છરી ધારણા કરી રમેશ ઉર્ફે દાઢી ભાલીયા સવારે ૭.૧પ કલાકે નિત્ય ક્રમ મુજબ દૂધ દઇ આવી ખારામાં આવેલ મઢુલી પાન અને ચામુંડા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનો વચ્ચે બાઇક નં. જીજે-૪-એલ. ૯૧૬૬ પાર્ક કરતો હતો ત્યારે જ રમેશની આંખમાં મરચુ છાંટી તિક્ષ્ણ હથીયારોના ઉપરા-છાપરી ઘા ઝીંકી પાડી દિધો હતો.

એટલી ક્રુરતા પૂર્વક ઘા કરવામાં આવ્યા હતા કે માથુ અને જડબુ ફાડી નાખવામાં આવ્યા હતાં. પેટના ભાગે પણ ત્રણ અને બાવડાના ભાગે પણ તિક્ષ્ણ હથીયારો ભોંકી દેવામાં આવ્યા હતાં.

ચારેય હત્યારાઓ સરાજાહેર ખુલી દુકાનો, દુકાનદારોની  નજર સામે જ કહી શકાય કે ખુની ખેલ ખેલી તૈયાર રાખેલી બે બાઇકો પર સવાર થઇ શોભાવડ ગામ તરફ ફરાર થઇ ગયા હોવાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં ખુલ્યુ હતું.

લોહીથી લથબથ રમેશ ભાલીયાને સ્થાનીક યુવાનો દ્વારા તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લવાતા અંતિમ શ્વાસ લેતો જણાતા ડો. બલદાણીયાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ત્યાં પહોંચતા જ અંતિમ શ્વાસ પણ રૃંધાઇ ગયા હતાં. બનાવના પગલે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે પાલીકાના મહીલા અધ્યક્ષ વતી સુરેન્દ્રસિંહ સરવૈયા, ઉપપ્રમુખ દિનેશભાઇ પરમાર, વર્તમાન અને પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ પરેશભાઇ જાની, એ. બી. મેર, જીલ્લા પંચાયત બાંધકામ સમીતિના ચેરમેન ગૌતમભાઇ ચૌહાણ, આઇ. કે. વાળ, હરેશભાઇ બારૈયા, છગનભાઇ ભીલ, અરવિંદભાઇ ચૂડાસમા, રમેશભાઇ ભાલીયા, વિનાભાઇ વેગડ સહિતના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં.

બે દિકરી-બે દિકરાએ પિતાનુ છત્ર ગુમાવ્યુ

ભાવનગર : મરનાર રમેશ ભાલીયા સહિત ત્રણ ભાઇઓ છે. રમેશ ભાલીયાને ચાર સંતાનો છે. તેમાં બે દિકરી એન બે દિકરાનો સમાવેશ થાય છે. મહેનત - મજૂરી અને ડ્રાઇવીંગ કરીને રમેશ ભાલીયા પરીવારનું ગુજરાન ચલાવતો હતો. ચાર હત્યારાઓએ ખેલૈલ ખુની ખેલના પગલે મૃતક રમેશના કુમળી વયના ચાર સંતાનોએ પિતાનું છત્ર ગુમાવી દિધુ છે. સૌથી મોટી દિકરી અગીયાર વર્ષની છે. નાનો દીકરો પાંચ વર્ષનો છે.

પરમ દિવસ રાત્રે જ સમાધાન કરાયુ હતુ

ભાવનગર : ફરીયાદી મુકેશભાઇ મોહનભાઇ ભાલીયાએ હત્યાના કારણમં જણાવ્યુ છે કે પરમ દિવસની રાત્રે જ મૃતક રમેશ મોહનભાઇ ભાલીયા અને તેનો મિત્ર ધર્મેન્દ્ર હત્યારા અલ્પેશ વના જાદવના ઘર પાસેથી નિકળ્યા ત્યારે અલ્પેશે કોઇ કારણોસર ગાળ બોલતા મામલો બીચકયો હતો. રાત્રીના બારેક વાગે જ દિનદયાળ નગર વિસ્તારના આગેવાન હરેશભાઇ બારૈયાએ સમયે ત્યાં આવી જતા મામલો તે સમયે થાળે પાડયો હતો. પરંતુ હત્યારાઓએ તે સમયે જ મનમાં ખુનની હોળી ખેલવાનો પ્લાન બનાવી લીધો હતો.

સરાજાહેર ખેલાયેલ ખુની ખેલને લઇ ઓળખાયા

ભાવનગર : શહેરના દિનદયાળનગર વિસ્તારમાં સવારે ૭.૧પ કલાકના અરસામાં આજ વિસ્તારના જાણીતા રમેશ (ઉર્ફે દાઢી) મોહનભાઇ ભાલીયાની આજ વિસ્તારમાં રહેતા કુખ્યાત ચાર શખ્સોએ કરેલી સરાજાહેર રોડ પર લોકોની નજર સામે નિર્મમ હત્યા કરતા ઓળખાઇ ગયા હતાં. આથી હત્યારાઓની ઓળખ બાબતે પોલીસને મહેનત કરવી ન પડી.

ભાજપના આગેવાનોએ પોલીસ અધિકારીને કહ્યું હવે તો કંઇક કડક બનો...!

ભાવનગર : શહેર ભાજપ સંગઠન અધ્યક્ષ દ્વારા પોતાની જ સરકારમાં કડક પોલીસ અમલદાર મુકવાની માગ પુરી થઇ નથી. પ૦ દિવસમાં ચાર-ચાર હત્યાઓના બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. ત્યારે આજે શહેર ભાજપ સંગઠનના વર્તમાન અને પૂર્વ પ્રમુખો પરેશભાઇ જાની, એ. બી. મેર, આઇ. કે. વાળા દ્વારા પોલીસ અધિકારી બી. જે. ગઢવીને કહયુ હતું કે તળાજામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સાવ કથળી છે. લોકો ફરીયાદ કરવાનુ ડરના કારણે ટાળી રહ્યા છે. હવે તો કંઇક કડક હાથે કામ લ્યો...! નોંધનીય છે કે તળાજામાં એકના બદલે ત્રણ-ત્રણ પોલીસ અધિકારી આવ્યા છે તેમ છતાં પોલીસની હયાતીજ ન હોય તેમ આમ જનતા અહેસાસ કરી રહી છે. અને આવારા, લુખ્ખા તત્વો બેખૌફ બની કાયદો હાથમાં લઇ રહ્યા છે.

(11:34 am IST)