Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

હાલારના ૮૪ પૈકીના ૬૦ ગામોમાં વીજપુરવઠો કાર્યાન્વિત

પી.જી.વી.સી.એલ. દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ

જામનગર તા.૧૬: જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિજ પોલ, ફિડર તથા ટ્રાન્સમીટરને નુકશાન થવા પામેલ છે. જેના કારણે જિલ્લાના ૮૪ જેટલા ગામોમાં વિજ પુરવઠાને અસર થયેલ છે ત્યારે આ તમામ ગામોમાં  તાત્કાલીક અસરથી વિજ પુરવઠો પુર્વવત થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અતિવૃષ્ટિ સંદર્ભે જામનગર ખાતેની મુલાકાત વેળાએ પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રી  ડો.ડી.બી.વ્યાસ મેનેજિંગ ડાયરેકટર, શ્રી જે.જે.ગાંધી મુખ્ય ઈજનેર અને પીજીવીસીએલ તથા જેટકોના અન્ય અધિકારીઓએ સાથે બેઠક કરી યુધ્ધના ધોરણે આ તમામ ગામોમાં વીજ પુરવઠો ચાલુ થાય તે માટે કાર્યવાહી કરવા જણાવેલ.

આ બાબતે પી.જી.વી.સી.એલ.ના અધીક્ષક ઈજનેરશ્રી સી.કે.પટેલે જણાવ્યું હતુ કે, જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ ૮૪ ગામોમાં ભારે વરસાદને કારણે વિજ પુરવઠો ખોરવાયેલ જેમાના ૮૪ ગામો પૈકી ૬૦ ગામોમાં અત્યાર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવેલ છે અને બાકી રહેલ અન્ય ૨૪ ગામોમાં આજ સાંજ સુધીમાં વિજ પુરવઠો કાર્યરત કરવા અંગે પી.જી.વી.સી.એલ. દ્વારા યુધ્ધના ધોરણે ૪૬ કોન્ટ્રાકટરોની ટીમો કામે લગાવી અને ૪૮૮ જેટલા વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાનું આયોજન હાથ ધરાયેલ છે.

પાઇપલાઇન તથા પમ્પિંગ મશીનરીઓના સમારકામની કામગીરી શરૂ

જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની પાઈપ લાઈન તથા પમ્પીંગ મશીનરીઓને નુકસાન થયેલ છે જેના કારણે જામનગર તાલુકાનાં ૩,  લાલપુર તાલુકાનાં ૫, ધ્રોલ તાલુકાનાં ૧૫, જોડીયા તાલુકાનાં ૭ અને કાલાવડ તાલુકાનાં ૧૫ ગામોને જુથ યોજના મારફત મળતો પાણી પુરવઠો ખોરવાયેલ છે જે ગામો હાલ સ્થાનીક સોર્સમાંથી પાણી મેળવે છે આ નુકસાન થયેલ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની પાઈપ લાઈન તથા પમ્પીંગ મશીનરીની રીપેરીંગની કામગીરી તાકીદનાં ધોરણે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને આગામી ચાર દિવસમાં આ કામગીરી પુર્ણ કરી ઉપરોકત ૪૫ ગામોને જુથ યોજના મારફત પાણી પુરવઠો ફરીથી મળતો થઈ જશે તેમ જામનગર જિલ્લા પાણી પુરવઠા બોર્ડનાં કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:22 pm IST)