Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

પોરબંદર કોર્ટના હુકમ મુજબ રૂ. બે લાખની ડીપોઝીટ ખાલસા કરવા હુકમ

પોરબંદર તા. ૧૬: પોરબંદરમાં કોર્ટના હુકમનો અનાદર કરતા રૂ. ર,૦૦,૦૦૦/- ખાલસા કરવાનો હુકમ ડીસ્ટ્રીકટ કોર્ટે કર્યો હતો.

ફરીયાદી પ્રતાપ મેરામણ ઓડેદરા દ્વારા તેને માર મારવા સંબંધેની ફરીયાદ પોલીસમાં કરેલી હોય તે અન્વયે પોલીસ દ્વારા ગજરાજસિંહ કાનાભાઇ રાણાવાયાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા હુકમ કરીને પોરબંદરની કોર્ટમાં પાસપોર્ટ જમાં કરાવવાનો હુકમ કરેલો હતો. અને તે મુજબ આરોપી દ્વારા પાસપોર્ટ જમાં પણ કરાવેલો હોય અને ત્યારબાદ વિદેશ જવા માટે પાસપોર્ટ પરત માંગતા કોર્ટ દ્વારા ૩(ત્રણ) મહિના માટે પાસપોર્ટ પરત આપતા અને ત્યારબાદ ફરીથી પોરબંદરની કોર્ટમાં પાસપોર્ટ જમાં કરાવવાનો હતો. પરંતુ નામદાર કોર્ટના હુકમનું પાલન ન કરીને પાસપોર્ટ જમાં ન કરાવતા ફરીયાદી પ્રતાપ મેરામણ ઓડેદરા દ્વારા તેમના એડવોકેટ મારફતે જામીન રદ કરવા માટે નીચેની કોર્ટમાં અરજી આપતા નીચેની કોર્ટે તે અરજી નામંજુર કરેલી હતી તેથી તે અન્વયે પ્રતાપ મેરામણ ઓડેદરા દ્વારા એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે ડીસ્ટ્રીકટ કોર્ટમાં નીચેની કોર્ટના હુકમને પડકારતા ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા કેસની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલીક હીયરીંગ કરતા અને એડવોકેટ ભરતભાઇ લાખાણીની દલીલો મુજબ પાસપોર્ટ જમાં ન કરાવી અને ત્યારબાદ વારંવાર વિદેશ ગયેલા હોય અને તે રીતે કોર્ટમાં પણ હાજર રહેલા હોવા છતાં જાણીબુજીને હુકમનું પાલન કરેલ ન હોય તેથી જામીન રદ કરવા દલીલ કરેલ હતી.

કોર્ટ દ્વારા ગજરાજસિંહ કાનાભાઇ રાણાવાયા દ્વારા હુકમનું પાલન કરેલ ન હોવાનું માની તેઓએ પાસપોર્ટ છોડાવતી વખતે રૂ. ર,૦૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પુરા રોકડા નામદાર કોર્ટમાં જમાં કરાવેલા હોય તે ખાલસા કરવાનો હુકમ કરેલ છે. એટલું જ નહીં હાલનોકેસ પણ કોર્ટ બદલાવવાનો હુકમ કરી ચીફ જયુડી. મેજી. કોર્ટમાં ચલાવવાનો હુકમ કરેલ છે. અને તે રીતે કોર્ટના હુકમનું પાલન ન કરવાના કારણે રૂ. ર,૦૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પુરાની ડીપોઝીટ ખાલસા થયેલી હોય તેવો નિર્ણય કરતા કોર્ટના હુકમનું પાલન ન કરતા તમામ લોકોમાં ચકચાર મચી ગયેલ છે અને કોર્ટ દ્વારા પણ કોર્ટનાં હુકમનું પાલન થાય તે માટે સખત હુકમ કરેલો હોય અને એ રીતે ડીસ્ટ્રીકટ જજ શ્રી સૈયદ મેડમ દ્વારા કોર્ટના હુકમોનું પાલન થાય તે મુજબનો ચુકાદો આપેલ છે.

આ કામમાં ફરીયાદી વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી તથા એમ. જી. શીંગરખીયા, નિલેશ જોશી તથા નવઘણ જાડેજા રોકાયેલા હતાં.

(1:10 pm IST)