Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કુંવરજીભાઇનાં સમર્થનમાં ગુજરાત એકમના કોળી સમાજનાં પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલા મેદાનમાં

નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવીને રાજયના મંત્રી મંડળમાં સમાવવા માંગણી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૬: રાજયમાં નવા મુખ્યમંત્રી બાદ મંત્રી મંડળમાં ભાજપની નો રીપીટ થીયરી સામે ભારે વિવાદો ઉભા થયા છે ત્યારે કુંવરજીભાઇ બાવળીયાની મંત્રી મંડળની બાદ-બાકી સામે અખિલ ભારતીય કોળી સમાજનાં ગુજરાત એકમના અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલા પણ કુંવરજીભાઇના સમર્થનમાં આવી કુંવરજીભાઇને મંત્રી મંડળમાં સમાવેશ કરવાની માંગ કરતો પત્ર વડાપ્રધાનને લખ્યો છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજીભાઇ બાવળીયાને મંત્રી મંડળમાં સમાવેશ કરાતા કોળી સમાજમાં જે તે વખતે હર્ષની લાગણી ફેલાઇ ગઇ હતી.

કોળી સમાજનાં ગુજરાત એકમનાં પ્રમુખ ચંદ્રવદનભાઇ પીઠાવાલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે અમારી જાણમાં આવ્યું છે કે અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાને મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે જો આવો નિર્ણય કરાશે તો કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડશે અને આગામી દિવસોમાં જીલ્લા અને તાલુકા કક્ષાએ લડત પણ શરૂ કરવામાં આવશે.

વર્ષ ર૦૧૮માં આપના કહેવાથી જ કુંવરજીભાઇ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં ત્યારે માનભેર તેમને કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતાં તેમની સાથે કોળી સમાજનાં અનેક આગેવાનો પણ ભાજપનાં સમર્થનમાં આગળ આવ્યા હતાં હવે નવા મંત્રી મંડળમાં કુંવરજીભાઇની બાદબાકી કરવામાં આવશે તો કોળી સમાજનું અપમાન થયું હોવાનો મેસેજ કોળી સમાજમાં જશે જેના કારણે આગામી વિધાનસભાની ચુંટણીમાં ગંભીર અસરો જોવા મળશે.

સૌરાષ્ટ્રની અંદાજે ર૮ થી ૩૦ સીટો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે ખાસ કરીને ભાવનગર, જુનાગઢ, અમરેલી, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ સહીત જીલ્લાની બેઠકો ઉપર ભાજપને મોટું નુકશાન જશે બહુમતી ધરાવતાં દરેક સમાજનાં સક્ષમ નેતાને કે આગેવાનને સરકારમાં પુરતું પ્રતિનિધિત્વ મળે તે માટે દરેક સમાજ અપેક્ષા રાખતો હોય છે ત્યારે કુંવરજીભાઇને પણ કેબીનેટમાં યોગ્ય સ્થાન તેવી વિનંતિ ચંદ્રવદન પીઠાવાલાએ કરી છે.

તેમણે અંતમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે જો આ અંગે ભાજપ ગંભીરતાથી નહીં વિચારે તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની બેઠકો ઉપર પડશે અને ભાજપ તરફ ઢળેલો કોળી સમાજ ભાજપથી વિમુખ થઇ જશે.

અખિલ ભારતીય કોળી સમાજનાં ગુજરાત એકમનાં પ્રમુખ ચંદ્રવદનભાઇ પીઠાવાલા પણ કુંવરજીભાઇનાં સમર્થનમાં ખુલ્લા આવતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કુંવરજીભાઇને કેબીનેટમાં નહીં સમાવવામાં આવે તો કોળી સમાજમાં ઘેરા પડઘા પડશે તે નિશ્ચિત છે.

(12:03 pm IST)