Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

બે ભરવાડ યુવાનોને તણાતા બચાવી લઈ કાલાવડના મુસ્લિમ નગરસેવકે શહીદી વ્હોરી લેતા અરેરાટી

મંગળવારની બપોરની ઘટના બાદ ગઈ સાંજે ભીમાનું ગામ પાસે ધોળાવડી નદીમાંથી મહંમદભાઈ શમાનો મૃતદેહ મળી આવ્યોઃ હિન્દુ-મુસ્લિમો હોસ્પીટલે ઉમટી પડયા

(કમલેશ આશરા દ્વારા) કાલાવડ, તા. ૧૬ :. બે દિ' પહેલા અહીં પડેલા ભારે વરસાદ બાદ તારાજી સર્જાવા પામી છે અને ચોતરફ પાણી પાણી થઈ જવા પામ્યુ છે. એ સાથે સાથે કોમી એકતાની અનેરી મિશાલ સર્જતી એક કરૂણ ઘટનાએ સૌના હૃદય કંપાવી દીધા છે. અહીંના નદીના કોઝવેમાં મંગળવારે બે ભરવાડ યુવાનો તણાયા હતા. જેમાં પાણીમા પડી અહીંના મુસ્લિમ નગરસેવકે બપોરે બચાવી લીધા બાદ પોતે પાણીમાં તણાઈ જતા શહીદ થઈ જવા પામતા હિન્દુ-મુસ્લિમ સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

કાલાવડ નગરપાલિકાના વોર્ડ નંબર-૩ના નગરસેવક મોહમ્મદભાઈ સમા (ઉ.વ. ૩૫) કે જેઓ મંગળવારે કુંભનાથપરા વિસ્તારમાં નદીના કોઝવે પાસે ઉભા હતા. જે દરમિયાન બે ભાઈઓ એક મોટરસાયકલ પર દૂધ લઈને કોઝવેના પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા હતા.

જે દરમિયાન એકાએક બાઈક તણાયુ હતુ અને બન્ને યુવાનો ડૂબવા લાગ્યા હતા. જેથી નગરસેવક મોહમ્મદભાઈ સમા તુરત જ પાણીમાં દોડી ગયા હતા અને બન્ને યુવાનોને બચાવી લઈ પાણીમાંથી બહાર કાઢી લીધા હતા પરંતુ તેઓએ એકાએક બેલેન્સ ગુમાવી દેતા પોતે નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેથી ભારે દોડધામ થઈ હતી.

મંગળવારે રાત્રી દરમિયાન તેઓની શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો નહીં લાગતા ગઈકાલ બુધવારે વહેલી સવારથી રાજકોટથી આવેલી એનટીઆરએફની ટીમ તેમજ કાલાવડ પોલીસ દ્વારા ગૂમ થનાર નગરસેવકની શોધખોળ ચલાવવામાં આવી હતી.

ધોળાવડી નદીમાં ભરવાડના બે યુવાન તણાતા હોવાના સમાચાર પોતાને મળતા નગરપાલિકાના સદસ્ય મહમદ અજીતભાઈ સમા નદી કાંઠે પહોંચી ગયા હતા અને તણાતા ભરવાડ યુવાને બચાવવા પોતે ધસમસતા પૂરમાં પડી બન્ને ભરવાડ યુવાનને બચાવી લીધા હતા. જ્યારે મહમદભાઈ સમા પાણીના જોરદાર પ્રવાહમાં તણાય જતા ફાયરબ્રિગેડ અને એન.ડી.આર.એફ.ની ટીમ નદીમાં શોધખોળ કરી રહ્યા હતા ત્યારે ગઈકાલે બુધવારે બપોરે ૪ વાગ્યે મૃતદેહ ભીમાના ગામથી મળી આવ્યો હતો.

આ મૃતદેહ મળ્યાના સમાચાર મળતા જ કાલાવડની પ્રજા સરકારી દવાખાને એકઠી થઈ હતી. આ સમયે કોંગ્રેસના અગ્રણી હાર્દિકભાઈ પટેલ, ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા, જીવણભાઈ, જે.ટી. પટેલ તેમજ કોંગ્રેસના કાર્યકરો હોસ્પીટલે દોડી ગયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આ બનાવથી ઘેરાશોકની લાગણી ફેલાય હતી.

જ્યારે ગામેતીની વાવડના સંચાલક ઈસ્માઈલભાઈ બાંભણીયાએ એક યાદીમાં જણાવ્યુ છે કે, ઈસ્લામ ધર્મ મુજબ જ્યારે કોઈ સારૂ નેક કામ કરવા જઈએ અને જો આ કામ પોતાનો જીવ ગુમાવી કરીએ તો એ વ્યકિતને શહીદ ગણવામાં આવે. શહાદતનો એક કિસ્સો આ જોવા મળ્યો છે.

કાલાવડ નગરપાલિકાના વોર્ડ નં. ૩ના કોર્પોરેટર નાતજાતના ભેદભાવ વગર હંમેશા લોકસેવાની ભાવના ધરાવતા મર્હુમ મહંમદહુસેન સમાએ જે હિન્દુ સમાજના પિતા-પુત્રને પાણીમાં ડૂબતા બચાવીને પોતાના જીવની આહુતિ આપી અને કાલાવડની કોમી એકતાની મિશાલ કાયમ કરી ગયા છે તે મર્હુમ મહંમદભાઈની આ કુરબાનીને કાલાવડનો મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજ કયારે નહીં ભૂલે.

એ જ રીતે હરીભાઈ ભરવાડએ પણ એક યાદીમાં માનવતાનું ઉદાહરણ બેસાડી અમર થઈ ગયેલ તેવુ જણાવી મર્હુમને અંજલી પાઠવી છે.

ગઈરાતે મર્હુમ નગરસેવકની દફનવિધિ અહીં કરવામાં આવી હતી. તેમા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

(11:57 am IST)