Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જામનગરના બહુચર્ચીત ગુજસીટોકના કેસમાં વકીલ માનસાતા સહીત પાંચ આરોપીના ડીફોલ્ટ બેઇલ રદ

ભુમાફીયા જયેશ પટેલ ગેંગ સાથે સંકળાયેલા પાંચ આરોપીની રાજકોટ સ્પે. કોર્ટે ડીફોલ્ટ બેઇલના મુદ્દે જામીન અરજી રદ કરવાના હુકમ સામે આરોપીઓએ હાઇકોર્ટમાં કરેલ જામીન અરજી પણ રદઃ ૯૦ દિવસની સમય મર્યાદાના મુદ્દે ફિલ્મ સ્ટાર સંજય દતનો ચુકાદો ટાંકી આરોપીઓએ જામીન માંગ્યા હતાઃ રાજકોટ કોર્ટના હુકમને હાઇકોર્ટની બહાલી

રાજકોટ, તા., ૧૬:  રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક અદાલતે જામનગરના ભુમાફીયા જયેશ પટેલના પ સાગરીતોએ રજુ કરેલ ડીફોલ્ટ બેઇલ રદ કરતા ચુકાદાને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પડકારેલ જે અરજીઓ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તી જસ્ટીટ ગીતા ગોપીએ માન્ય રાખી ડીફોલ્ટ બેઇલની અરજીઓ રદ કરેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે જામનગરના ભુમાફીયા જયેશ પટેલના સાગરીતો યશપાલ જાડેજા, જશપાલ જાડેજા, જીગર આડતીયા, વકીલશ્રી વસંતભાઇ માનસતા અને નિલેશ ટોળીયાએ રાજકોટની ખાસ ગુજસીટોક અદાલતમાં ડીફોલ્ટ બેઇલના સિધ્ધાત હેઠળ જામીન અરજીઓ રજુ કરેલ હતી. પોતાની અરજીના સમર્થનમાં આરોપીઓએ ફિલ્મ સ્ટાર સંજય દતના કેસમાં સુપ્રિમ કોર્ટે પ્રતિપાદીત કરેલ 'ડીફોલ્ટ બેઇલ' ઉપર આધાર રાખેલ હતો. આ અરજી રાજકોટની ખાસ અદાલતે રદ કરતા આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં ડીફોલ્ટ બેઇલની અરજી રજુ કરેલ હતી.

રાજકોટની અદાલતમાં જામનગરના કેસ માટે સ્પે. પી.પી.નિમાયેલ શ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે સુપ્રિમ કોર્ટે ફિલ્મ સ્ટાર સંજય દતના કેસમાં પોલીસ તપાસની સમય મર્યાદા પુરી થયા બાદ પુરોગામી અસરથી સમય મર્યાદાનો વધારો માગેલ હતો. તે સંજોગોમાં સુપ્રિમ કોર્ટે આરોપીને નોટીસ આપ્યા બાદ નિર્ણય કરવાનો ચુકાદો આપેલ હતો.

જામનગરના હાલના કેસમાં તપાસનીસ અમલદારે ૯૦ દિવસની સમય મર્યાદા પુરી થતા પહેલા વધુ ૯૦ દિવસનો વધારો સમયસર માંગી લીધેલ છે. આ સંજોગોમાં પોલીસ તપાસનો સમય વધારો કરી આપતા પહેલા આરોપીઓને નોટીસ કરવાનો સુપ્રિમ કોર્ટનો સંજય દતવાળા કેસનો ચુકાદો હાલના કેસમાં લાગુ પડતો નથી. આ કારણે પોલીસ તપાસ સમય મર્યાદામાં પુરી થયેલ ન હોવાથી આરોપીને વૈધાનિક રીતે 'ડીફોલ્ટ બેઇલ' મળી જવાની જોગવાઇ હાલના આરોપીઓના કેસમાં મદદરૂપ થતી નથી. આ તમામ રજુઆતો સાથે નામ. ખાસ અદાલતે સહમતી દર્શાવી આરોપીઓની ડીફોલ્ટ બેઇલની અરજી રદ કરેલ હતી.

જામનગરના ૧૬ આરોપીઓ પૈકી ઉપરોકત પ આરોપીઓએ કરેલ ડીફોલ્ટ બેઇલ રદ થતા ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટની ખાસ અદાલતના ચુકાદાને પડકારેલ હતો. ગુજરાત સરકાર વતી ગુજરાત હાઇકોર્ટમાં પબ્લીક પ્રોસીકયુટર શ્રી મિતેશ અમીનએ રાજકોટની ખાસ અદાલતમાં આવેલ રજુઆતોને ધ્યાનમાં લઇ સંજય દતનો ચુકાદો જામનગરના આરોપીઓને લાગુ પડતો ન હોવાની રજુઆતોનો પુનરોચાર કરી આરોપીઓની ડીફોલ્ટ બેઇલની અરજી રદ કરવા દલીલો કરેલ હતી. જે ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખી જામીન અરજીઓ રદ કરેલ છે.

જામનગરના જયેશ પટેલ અને તેના સાગરીતોના કેસમાં રાજકોટ ખાતે સ્પે. પી.પી.તરીકે શ્રી સંજયભાઇ કે.વોરા રોકાયેલ છે અને ગુજરાત હાઇકોર્ટમાં પબ્લીક પ્રોસીકયુટર તરીકે શ્રી મિતેશ અમીન રોકાયેલ છે.

(11:56 am IST)