Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સુપ્રસિધ્ધ યાત્રાધામ બાવીસીકોટડાનો ક્રોઝવે ધોવાતા મંદિર અને વિસ્તાર બન્યા ટાપુ

પાકો પુલ જલ્દી બની જાય એના માટે ભકતોએ માનતા રાખીઃમાટીના રમકડા જેવા કાચા પુલ બનાવી તંત્ર હાથ ખંખેરે છે

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા. ૧૬ : પાનેલીથી બાર કિલોમીટર દૂર જામજોધપુર તાલુકામાં આવેલ સુપ્રસિદ્ઘ ઐતિહાસિક યાત્રાધામ કોટડાબાવીશી ધામ જે જામજોધપુરથી સાત કિમિના અંતરે કોટડા ગામની સામે પાર વેણુનદીના કાંઠે માઁ બાવીસી આઈનું પૌરાણિક મંદિર આવેલું છે મંદિરમાં બાવીસ બાવીસ ચારણ બેનોનો ભવ્ય ઇતિહાસ સાથે સમાધિ સ્વરૂપે બિરાજમાન છે અનેક પરચાઓ સાથે સાક્ષાત માતાજી ભકતોના દુઃખદર્દ દૂર કરી અનહદ સુખ આપી રહી છે અનેકોનેક ના ખોળા ભર્યા છે દરરોજ હજારો શ્રદ્ઘાળુઓ માઁ ના દર્શને પધારે છે અનેક ભકતો માઁની માનતા માટે પગપાળા પણ પધારે છે મંદિરે આવવા માટે દરરોજ આઠ થી દસ જેટલી એસટી બસની સુવિધા પણ તંત્ર તરફથી મુકવામાં આવેલ છે.

મંદિરે જવા માટે કોટડા ગામથી ક્રોઝવે પરથી ગામની સામે પાર ભવ્ય અને દિવ્ય મંદિરે જઇ શકાય છે પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંદિરે જવામાટે નો ક્રોઝવે ભારે વરસાદને કારણે દર ચોમાસાના પહેલાજ વરસાદમાં ધોવાઈ જાય છે ત્યારબાદ ચોમાસાના ચાર મહિના પછી નદીમાં પાણી ઓસરતાં દર વર્ષે કાચી માટી નાખીને ક્રોઝવે રીપેર કરી દેવામાં આવે છે જે ચોમાસા બાદ બે મહિના પછી કામ થાય છે. આમ આખા વર્ષમાં લગભગ છ માસ સુધી મંદિરે જવાનો એકમાત્ર રસ્તો બંધ રહે છે. પણ કાચી માટીના રમકડાં જેવા પુલ વેણુ નદીના ધસમસતા પાણી સામે કેમ જીક જીલે!! પણ તંત્ર આવા રમકડાં જેવા પુલ બનાવી હાથ ખખેરે છે.

છ છ માસ સુધી મંદિર અને પ્રસાસન સાથે વિસ્તાર ટાપુમાં ફેરવાઈ જાય છે વિસ્તારમાં રહેતા માલધારી સહીત મજુર પરિવારોને સામે જ દેખાતા ગામમાં જવા માટે પગપાળા ખેતર માર્ગ પરથી ફરી ફરીને દશ કિલોમીટરનું અંતર કાપી હટાણું કરવા જવુ પડે છે. આ લોકોની આ પરિસ્થિતિ અત્યંત દયનિય અને કરૂણા ઉપજાવે એવી બને છે.હવેતો માતાજીના ભકતોએ જલ્દી પાકો પુલ બની જાય એવી માનતાઓ રાખી લીધી છે.

મંદિર પ્રસાસન અને ગામ લોકો દ્વારા અનેક વખતની રજુઆત અને સમાચારપત્રના અહેવાલના માધ્યમથી ગયા વર્ષે તંત્ર દ્વારા મંદિરે જવામાટે બ્રિજ મંજુર કરવામાં આવ્યો હતો પરંતુ બ્રિજ માત્ર કાગળ ઉપર જ મંજુર થયો છે કે શું?? ગત આખા વર્ષમાં કોઈજ કામગીરી તંત્ર તરફથી કરવામાં આવી નથી કે નથી કોઈ એંધાણ.લોકો અને શ્રદ્ઘાળુઓમાં બ્રિજ અંગે શંકા વ્યકત કરવામાં આવી રહી છે કે શું બ્રિજને બકરી ખાઈ ગઈ?? બ્રિજ મંજુર થયો બ્રિજની રકમ પણ મંજુર કરવામાં આવી કોન્ટ્રાકટ પણ અપાઈ ગયો બધું જ થયું પણ આગળની કોઈ કાર્યવાહી સામે ના આવી. તંત્રએ આ અંગે ગંભીર બની કોઈ જાતની કામગીરી કેમ નથી કરવામાં આવી તે ચોક્કસ કરવું જોઈએ.

હાલની સરકાર પૌરાણિક સ્થાનો માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી ઇતિહાસને કાયમ રાખવા માંગે છે ત્યારે એ નથી સમજાતું કે આ પૌરાણિક મંદિર પ્રત્યે આંખ આડા કાન કેમ?? માતાજીના લાખો ભકતોમાં આ અંગે સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળે છે. દર વર્ષે ક્રોઝવે ધોવાઈ છે હજારો શ્રદ્ઘાળુઓ હેરાન પરેશાન થાય છે છતાં તંત્રની આંખ કેમ નથી ઉઘડતી.

ફરી પાછોવરસાદમાં ક્રોઝવે ધોવાઈ ગયો હોય મન્દિર ટાપુમાં ફેરવાઈ ગયું હોય શ્રદ્ઘાળુઓ મંદિરે કઇરીતે જય શકે.તંત્રએ આ અંગે ગંભીર બની વહેલામાં વહેલી તકે મંદિર જવાનો તાત્કાલિક રસ્તો બનાવી બ્રિજની કામગીરી તત્કાલ ધોરણે ચાલુ થાય તેવા પ્રયત્નો કરવા શ્રદ્ઘાળુઓ ની માંગ ઉઠી છે.

દરવર્ષે ક્રોઝવે ધોવાઈ જાય છે નદીમાં પાણી વહેતુ હોય ત્યાં સુધી કોઈ આવી ના શકે તેમછતાં ઘણા લોકો વહેતા પાણીમાં ચાલીને જીવના જોખમે માઁની માનતા પુરી કરવા આવી પહોંચે છે મંદિર પ્રસાસન દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી તમામને મંદિરે ના આવવા સ્પષ્ટ જાણકરી સાથે તૂટેલા ક્રોઝવેના ફોટા વિડિઓ પણ બતાવી મનાઈ ફરમાવવામાં આવતી હોવા છતાં માતાજીના ભકતો સાહસ કરે છે ઘણી વખત અણબનાવ બન્યા છે પરંતુ માઁ ની કૃપાથી ભકતો બચી શકયા છે. પરંતુ જો કોઈ જાનહાની સર્જાય તો જવાબદાર કોણ એ પણ પ્રશ્ન છે.હજુ કોરોનાંના લીધે માંડ મંદિર ખુલ્યું હતું બહોળી સંખ્યામાં ભકતજનો આવી રહ્યા હતા ત્યાં જ ક્રોઝવે ધોવાઈ જતા ભકતજનો ભારે નિરાશ થયાં છે. તેમ પૂજારી બટુક મહારાજ, બાવીશી આઈ મંદિરએ જણાવ્યું છે.

(11:55 am IST)