Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મુન્દ્રા બંદરે ૨૪૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું : હજીયે વધુ મોટો ધડાકો થશે

માત્ર એક કન્ટેનરની તપાસ હજી એક કન્ટેનર બાકી : કરોડોનું ડ્રગ્સ હોવાની શકયતા : કસ્ટમ એજન્ટ અમદાવાદની પેઢી અને મંગાવનાર વિજયવાડાની પેઢી, ફોરેન ટ્રેડનો કોડ અને આઇડી ઇશ્યૂ કરનાર સુધી તપાસ થાય તો તંત્રની સાંઠગાંઠ ખૂલે તેવી ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : દેશના બંદરો હવે વ્હાઈટ કોલર દાણચોરીનું કેન્દ્ર બને તે પહેલાં આવી દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરનારાઓને અટકાવવા અતિ કડક પગલાં ભરવાની જરૂરત છે. ડીઆરઆઈ એ ગઇકાલે મુન્દ્રા અદાણી બંદરે ખાનગી કન્ટેનર સ્ટેશનમાં અટકાવેલા બે કન્ટેનર પૈકી એક માંથી ૨૪૦૦ કરોડનું હેરોઈન મળી આવ્યું છે. હજી બીજા કન્ટેનરની તપાસ બાકી છે. તેમાં ૧૦૦૦ કિલોની ૧૮ બેગ છે, તે જોતાં વિક્રમી માત્રામાં હેરોઈન નો જથ્થો ઝડપાય એવી શકયતા છે.

આ તપાસમાં એક સાથે વિવિધ એજન્સીઓ જોડાઈ છે ત્યારે સમગ્ર પ્રકરણમાં મૂળ સુધી તપાસ થાય તો બોગસ નામે આયાત નિકાસ કરતી એજન્સીઓ અને વ્યાપારી પેઢીઓની સ્ફોટક વિગતો ખૂલે. ગઇકાલે કરાયેલી તપાસમાં મુન્દ્રા બંદરે જે માલ મંગાવાયો એ ટેલકમ પાઉડરના ઓઠા નીચે ઈરાનના નામે ભારત આવ્યો હતો. પણ, મૂળ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી આવ્યું હતું.

મુન્દ્રામાં ટીજી ટર્મિનલ સીએફએસમાં અટકાવાયેલ બે કન્ટેનર મંગાવનાર આસી. ટ્રેડિંગ વિજયવાડા (આંધ્રપ્રદેશ) ની જયારે કસ્ટમ હાઉસ એજન્ટ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ અમદાવાદના છે. જે એક કન્ટેનરની તપાસ થઈ છે તેમાં ઝડપાયેલ ૮૦૦ કિલો હેરોઈન જેની બજાર કિંમત ૨૪૦૦ કરોડ થાય છે. અન્ય એક કન્ટેનર બાકી છે તેમાં ૧૦૦૦ કિલોની એક એવી ૧૮ બેગ તપાસવાની બાકી છે.

આ આખાયે પ્રકરણમાં એકસપોર્ટ ઇમ્પોર્ટ કોડ ઇસ્યુ કરવો, ડાયરેકટર ફોરેન જનરલ ટ્રેડ અને અપાતી આઈડી તે બધા સુધી તપાસ લંબાય તો તંત્રની સાંઠગાંઠ બહાર આવે. બંદરો ઉપર મિસ ડેકલેરેશન કરી માલ મંગાવવો એ કૌભાંડ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની સામેલગીરી વગર શકય નથી. ત્યારે આવા પ્રકરણમાં એક થી વધુ એજન્સીઓ તપાસ કરે અને કસૂરવારોના બેંક ખાતા, મિલ્કતો સીઝ કરવા સહિતની કડક કાર્યવાહી સાથે સજા થાય તો જ દેશદ્રોહી પ્રવૃત્ત્િ।ઓ અંકુશમાં આવે.

(10:44 am IST)