Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કચ્છનાં જોશી પરિવારને અમુલ્ય તકઃ દ્વારકાધીશ ભગવાનને એક જ પરિવારે તમામ ધજા ચઢાવી હોય તેવો ઇતિહાસ

એક જ દિવસના તમામ પાંચ ધજા ચઢાવી

રાજુ રૂપારેલિયા/દ્વારકા, તા.૧૬: સાત પૂરીમાંથી એક પૂરી અને ચાર ધામમાંથી એક ધામ માનવામાં આવતા યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિર પર નૂતન ઘ્વજા આરોહણનું અનેરું મહત્વ છે. અહી ધજા ચઢાવનાર વ્યકિત પોતાને ધન્ય અનુભવે છે. ત્યારે કચ્છના એક જોશી પરિવારને અમૂલ્ય તક મળી હતી. દ્વારકાના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે, એક દિવસમાં તમામ એટલે કે ૫ ધજા ચઢાવવાનો અવસર કોઈ એક પરિવારને મળ્યો હતો. ત્યારે એકસાથે પાંચ ધજા ચઢાવીને જોશી પરિવાર ગદગદ થઈ ગયો હતો અને દ્વારકાના ઇતિહાસમાં પણ સ્થાન પામ્યા હતા.ઙ્ગ

એક જ દિવસમાં તમામ પાંચ ધજા કોઈ એક જ પરિવારે ચઢાવી હોય તેવુ દ્વારકા મંદિરના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે. દ્વારકામાં દરરોજ ચાર ધજા બુકિંગની અને એક તત્કાળ ધજા ચઢાવવામાં આવે છે. ત્યારે આ તમામ ધજા ચઢાવવાની તક કચ્છના દ્યનશ્યામ જોશી પરિવારને મળી હતી. મોરારીબાપુના ભકત એવા આ પરિવારે તમામ ધજા ચઢાવીને પોતાનો સંકલ્પ પૂરો કર્યો છે.ઙ્ગ

આ અવસરને ઉજવવા માટે પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાજતે-ગાજતે મંદિરમાં ધજાઓ લઈ જવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા લોક કલાકાર માયાભાઈ ગઢવી પણ હાજર રહી શોભાયાત્રામાં ઝૂમ્યા હતા. આ રીતે વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે શ્રીજીના આખાય દિવસનાં તમામ મનોરથ પણ આં પરિવાર દ્વારા રાખવામાં આવ્યા હતા. દ્વારકામાં ચઢાવાતી ધજાનું એડવાન્સ બુકિંગ કરાતું હોય છે. આ પરિવારને આ લાભ મળતા પરિવારમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.(૨૩.૨૪)

(3:55 pm IST)