Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતમાં ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:

"પૂરી રોટી ખાયેંગે, દેશ કો બઢાયેંગે, ઔરો કો ખીલાયેંગે, દેશ કો બઢાયેંગે, ભર પેટ ખાયેંગે, દેશ કો બઢાયેંગે," પૂજ્ય ભાઈશ્રી

પોરબંદર : સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરના પટાંગણમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા, રામકૃષ્ણ મિશન-પોરબંદરના સચિવ સ્વામીશ્રી આત્મદીપાનંદજી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૭૬મો સ્વતંત્રતા દિવસ અનેક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો.

વહેલી સવારે સાંદીપનિ સંકુલમાં સ્થિત શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકો અને ઋષિકુમારો દ્વારા સાંદીપનિ ગુરુકુળના શિક્ષકો, છાત્રો દ્વારા પૂજ્ય ભાઇશ્રીનું સ્વાગત એવં અભિવાદન કરવામાં આવ્યુ. પૂજ્ય ભાઇશ્રી દ્વારા શ્રીહરિ મંદિરના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ કરવામાં આવ્યો અને ઉપસ્થિત તમામ લોકો દ્વારા સામૂહિક રાષ્ટ્ર વંદના કરવામાં આવી.

સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ૭૬મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંદીપનિ ઋષિકુળ સંસ્કૃત પાઠશાળા અને સાંદીપનિ ગુરુકુળ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા  સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ હતો. જેમાં સાંદીપનિ ગુરુકુળની છાત્રાઓ દ્વારા સુંદર રીતે નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને એ સાથે સાંદીપનિ ઋષિકુળના ઋષિકુમારો દ્વારા ખૂબજ સરસ રીતે સંગીતમય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાઠશાળાના ઋષિકુમાર દ્વારા સંસ્કૃત ભાષામાં અને ગુરુકુળના છાત્ર દ્વારા અંગ્રેજી ભાષામાં વક્તવ્ય આપવામાં આવ્યું.

આ અવસરે રામકૃષ્ણ મિશન પોરબંદરના સચિવ સ્વામીશ્રી આત્મદીપાનંદજી કાર્યક્રમની શરૂઆતથી જ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પ્રસંગોચિત પ્રેરક ઉદ્બોધન આપ્યું હતુ.

 

પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાનું પ્રવચન..

સ્વતંત્રતા પર્વના  અવસરે પૂજ્ય ભાઇશ્રીએ પોતાના મનોગત રાષ્ટ્ર પ્રત્યેના ભાવ વ્યક્ત કરતા આઝાદીના અમૃત મહોત્સવની વધાઈ આપીને જણાવ્યું હતું કે આઝાદી કોઈ ને કોઈ જગ્યાએ સ્વસ્વીકૃત બંધનની અપેક્ષા રાખે છે. આપણને જે આઝાદી મળી છે તે કોઈના કોઈ સ્વરૂપે સ્વસ્વીકૃત બંધનની અપેક્ષા પણ રાખે છે. નહીતર આઝાદી રહેતી નથી. સ્વસ્વીકૃત બંધનમાં માત્ર આઝાદી સુરક્ષિત રહે છે એટલું જ નહિ, મજબૂત પણ રહે છે. અને આવી આઝાદીમાં વ્યક્તિ અને રાષ્ટ્ર બંનેનું ઉત્થાન સંભવ છે. એટલા માટે જ ભારતમાતાના પ્રતિ ગૌરવ અને અભિમાન હમેશા હૃદયમાં રહેવું જ જોઈએ. આપણે પહેલાના જમાનામાં ચુલ્લાની અગ્નિને આપણે ઠારવા દેતા ના હતા અને જો કદાચ અગ્નિ ઠરી જાય તો પાડોશીના ઘરેથી અગ્નિ લઈને ફરીથી પ્રજ્વલિત કરી દેતા હતા. આપની યાગ્યાશાલાઓમાં પણ અગ્નિ પ્રજ્વલિત રહેતી હતી. તેવી જ આગ અખંડ રૂપથી પ્રત્યેક ભારતીયના મનમાં રહેવી જોઈએ. 

આપણે આ અવસરે નારા લગાવીએ છીએ. એમાં એક નારો એવો પણ હોય છે."આધી રોટી ખાયેંગે, દેશકો બચાયેંગે." આ દાઝ હોવી જોઈએ પણ હવે તો દુઃખ કે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે. આઝાદીના ૭૫ વર્ષ પુરા થયા. આ વર્ષોમાં ભારત દેશે ખુબજ પ્રગતિ કરી છે. હવે જયારે ઘરમાં પાંચ રોટલી ખાઈ શકાય છે. જયારે કોરોનાકાળમાં લોકોના રોજગાર બંધ થઇ ગયા હતા. ત્યારે દેશ પાસે એટલું અનાજ હતું કે દેશના પ્રધાનમંત્રી દ્વારા દરેક વ્યક્તિને અનાજ પહોચાડવામાં આવ્યું હતું. કોઈને ભૂખ્યા રહેવાની નોબત નથી આવી. આ કોઈ મફતની રેવડી નથી. કોરોનાકાળમાં આ જરૂરી હતું. નિ:શુલ્ક સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ સેવા ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. પરંતુ ઇલેક્ટ્રિક બીલ માફ કરી દેશું, દરેકને ૩૦૦૦ રૂપિયા ખાતામાં આપીશું. આ બધી મફતની રેવડી છે. આદરણીય સુપ્રીમ કોર્ટે પણ આ વિષય પર નારાજગી વ્યક્ત કરી છે. એટલે હવે આધી રોટી શું કામે ખાઈએ ? ૭૫ વર્ષમાં ભારત પાસે ઘણું બધું છે. વિશ્વમાં દરેક દેશો ભારતનો આદર કરે છે. એટલે "આધી રોટી ખાયેંગે, દેશ કો બચાયેંગે" એ આગ એ સારી વાત છે. પણ હવે સુત્ર થોડું અલગ રીતે હું કઈશ એમ કહીને પૂજ્ય ભાઈશ્રી એ નવું સૂત્ર આપ્યું હતું. "પૂરી રોટી ખાયેંગે, દેશ કો બઢાયેંગે, ઔરો કો ખીલાયેંગે, દેશ કો બઢાયેંગે, ભર પેટ ખાયેંગે, દેશ કો બઢાયેંગે," જયારે આપણા દેશમાં આટલું અનાજ ઉત્પાદન થાય છે ત્યારે એ સમય હવે નથી રહ્યો કે આધી રોટી ખાયેંગે, દેશ કો બચાયેંગે, જયારે એવો સમય હોય ત્યારે એની પણ તૈયારી હોવી જોઈએ પરંતુ અત્યારે એ સમય નથી. અત્યારે તો ભર પેટ ખાયેંગે, દેશ કો બઢાયેંગે. આપણા દેશનો કોઈ બાળક ભૂખ્યો ના રહે, કોઈ બાળક ગુણવત્તા શિક્ષણથી વંચિત ના રહે, આવું નિશ્ચિત કરીને આપણા દેશના પ્રત્યેક યુવાનને કામ મળે, આ બધી વાતો આપણે સુનિશ્ચિત કરવાની રહી. આપણા દેશનો તિરંગો વધુને વધુ ઉંચાઈઓ પર લહેરાશે એવી શુભકામના સાથે આપ સૌને આઝાદીના અમૃત મહોત્સવની ખુબ ખુબ શુભકામનાઓ. 

કાર્યક્રમના અંતમાં સાંદીપનીનિ શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકો અને ઋષિકુમારો દ્વારા સાંદીપનિ ગુરુકુળના શિક્ષકો, છાત્રો દ્વારા શ્રીહરિ મંદિરથી શરુ કરીને જીલ્લા સેવા સદન-૧ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોએ આ તિરંગા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

(7:54 pm IST)