Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ કચ્છ આવશે: પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

૨૮ ઓગસ્ટના આવે તેવી શક્યતા, કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સાંસદ વિનોદ ચાવડા સહિત તંત્ર સાથે બેઠક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ :     વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાપર્ણને લઇને  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કચ્છના સંભવિત કાર્યક્રમ અન્વયે આજે ભુજ કલેકટર કચેરી ખાતે શિક્ષણ રાજયમંત્રીશ્રી તથા જિલ્લા પ્રભારીમંત્રી કિર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જોકે, સત્તાવાર કાર્યક્રમ હજી જાહેર નથી થયો પણ સંભવિતપણે ૨૮ ઑગસ્ટના વડાપ્રધાન કચ્છ આવે તેવી શક્યતા છે. વડાપ્રધાનના કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપનને લઇને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ચર્ચા સાથે જરૂરી સુચન આપવામાં આવ્યા હતા.    

    આ બેઠકમાં પ્રભારીમંત્રી કિર્તિસિંહ વાઘેલાએ વહીવટીતંત્રના ઉપસ્થિત અધિકારીશ્રીઓને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજીત થાય તે માટે યોગ્ય સંકલન કરીને કામગીરી કરવા સુચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને લઇને યોગ્ય સ્થળ નક્કી કરવા, પાર્કિગ તથા બેઠક વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવા જણાવ્યું હતું. લોકો વિના અવરોધે કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા જોવા પોલીસ વિભાગને તાકીદ કરી હતી. સાથે ભુજ શહેરની યોગ્ય સફાઇ અને શહેરને સુશોભિત કરવા નગરપાલિકાને સુચના આપી હતી.
    સાંસદ વિનોદભાઇ ચાવડાએ અધિકારીશ્રીઓ પાસેથી ઝીણવટભરી વિગતો મેળવીને તેને અનુલક્ષીને જરૂરી સુચનો કર્યા હતા. બેઠકમાં પૂર્વ રાજયમંત્રીશ્રી તથા અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોવાની સંભાવનાને લઇને કાયદો વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે તે માટે પોલીસ વિભાગને યોગ્ય વ્યવસ્થાપન કરવા સુચન કર્યું હતું.
    બેઠકમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ સમગ્ર કાર્યક્રમના આયોજન અને કાર્યક્રમના સ્થળ, પરીવહન, સુરક્ષા, પાર્કિંગ વ્યવસ્થા વગેરે વિગતોથી પ્રભારી મંત્રીશ્રીને  અવગત કર્યા હતા.
    અગ્રણીશ્રી કેશુભાઇ પટેલે કાર્યક્રમની તૈયારીને લઇને જરૂરી સુચનો આપ્યા હતા. આ સાથે માંડવી ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી તથા અબડાસા ધારાસભ્યશ્રી પ્રધુમનસિંહ જાડેજાએ પણ તૈયારીને અનુલક્ષીને પોતાના મંતવ્યો આપ્યા હતા.
    આ સમીક્ષા બેઠક દરમિયાન ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ ઠક્કર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, ડીઆરડીએના ડાયરેકટરશ્રી આસ્થાબેન સોલંકી, કચ્છની અન્ય નગરપાલિકાના પ્રમુખશ્રી તથા તેમના પ્રતિનિધિશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સર્વશ્રી પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:53 pm IST)