Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પોરબંદરનો લોકમેળો રોગચાળાનું ઘર બને નહીં તેવું આગોતરૂ આયોજન કરવા કોંગ્રેસની માંગણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૬ : જન્‍માષ્‍ટમીનો લોક મેળો લોકોને રોગચાળામાં ડુબાડે તે પહેલા તંત્ર આગોતરૂં આયોજન કરે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

સરકારી અને ખાનગી હોસ્‍પિટલો હાલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. પાણીજન્‍ય અને મચ્‍છરજન્‍ય રોગચાળાએ માઝા મૂકી છે. ત્‍યારે મેળાને લીધે વધુ બીમારીઓ ફેલાઇ નહી તે માટે સ્‍વચ્‍છતા, અખાદ્ય સામગ્રીની તપાસ સહિત કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા કોંગ્રેસ દ્વારા તંત્રને રજુઆત કરવામાં આવી છે.

કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાઢિયા શહેર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારિયા, રામભાઇ ઓડેદરા, પાલિકાના વિપક્ષી નેતા જીવનભાઇ જુંગી, ઉપનેતા ફારૂકભાઇ સુર્યા અને દંડક ભરતભાઇ ઓડેદરાએ જીલ્લા વહીવટી તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્‍યું છે કે જન્‍માષ્‍ટમીના મેળાની તડામાર તૈયારી કરતુ તંત્ર શહેર અને જીલ્લામાં ફેલાયેલા રોગચાળાને કાબુમાં લે તે ખૂબ જરૂરી છે. હાલમાં પોરબંદરમાં રોગચાળો બેકાબુ બન્‍યો છે. અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ શહેરની હોસ્‍પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.

પાણીજન્‍ય અને મચ્‍છરજન્‍ય રોગચાળાએ એટલી હદે માઝા મૂકી છે. હોસ્‍પિટલો હાઉસફુલ હોવાથી ઘણા દર્દીઓને ઘરે સારવાર કરાવવાની ફરજ પડી રહી છે. આવી  પરિસ્‍થિતીમાં રોગચાળો જન્‍માષ્‍ટમીના મેળાને લીધે વધુ વકરે તેવી પુરેપુરી શકયતાઓ જણાય રહી છે. કારણ કે નગરપાલિકાનું તંત્ર મેળાનું આયોજન કરી રહ્યુ છે. તેમાં અનેક પ્રકારની ખામીઓ રહી જવા પામી છે. તેમ કોંગ્રેસ આગેવાનોએ રજુઆતમાં જણાવેલ છે.

(1:43 pm IST)