Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સૌ કોઇ શિવભકિત અને રાષ્‍ટ્રભકિતના રંગે રંગાયા

સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા ‘હર ભાલ ત્રિરંગા' અભિયાનઃ શ્રાવણનો સોમવાર અને સ્‍વાતંત્ર્ય પર્વનો સમન્‍વય : ધાર્મિક અને દેશભકિતના કાર્યક્રમો યોજાયા

શ્રી સોમનાથ મહાદેવજી, રાત્રીના રોશનીનો ઝગમાટ, રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવતી મહિલાઓ, કપાળ ઉપર ત્રિરંગાના ચાંદલા સાથે ભાવિકો નજરે પડે છે. (તસ્‍વીર - અહેવાલ : દેવાભાઇ રાઠોડ - પ્રભાસપાટણ, દિપક કક્કડ - વેરાવળ
રાજકોટ તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ગઇકાલે શ્રાવણનો સોમવાર અને ૧૫મી ઓગષ્‍ટ - સ્‍વાતંત્ર્ય પર્વની ભવ્‍યતાથી ઉજવણી થઇ હતી. શિવભકિત સાથે રાષ્‍ટ્રભકિતના રંગમાં સૌ કોઇ રંગાયા હતા.
રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર સ્‍વાતંત્ર્ય પર્વની ગઇકાલે સોમવારે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ કોઇ દેશભકિતના રંગમાં રંગાયા હતા. આઝાદીના અમૃત મહોત્‍સવ સાથે સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી થતા લોકોમાં ઉત્‍સાહ બેવડાયો હતો.
ગામે-ગામ રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપીને ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું અને દેશભકિતનો માહોલ છવાઇ ગયો હતો. રાષ્‍ટ્રધ્‍વજને સલામતી બાદ દેશભકિતના ગીતો ગુંજયા હતા અને દેશભકિતના નારા પણ સૌ કોઇએ લગાવ્‍યા હતા. આ ઉપરાંત સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા અને કલા રજુ કરી હતી.
દેશની આઝાદીના ૭૫મા વર્ષની ખુશીમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આહ્‌વાન પર સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી કરી રહ્યો છે. ત્‍યારે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ યાત્રાધામમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને આત્‍મસાત કરવામાં આવ્‍યું છે. સોમનાથમાં જયાં જુઓ ત્‍યાં દરેક ભવન પર તિરંગો લેહરાઈ રહ્યો છે. ધર્મભક્‍તિ અર્થે આવતા તમામ યાત્રિકોને સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા દેશભક્‍તિની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે.
દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં રાષ્ટ્રીય ભાવનાની નવી લહેર દોડી છે. ૧૨ માર્ચ ૨૦૨૧ ના   રોજ, જયારે પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું અને આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરવાનું આહ્વાન કર્યું, ત્‍યારે સમગ્ર રાષ્ટ્ર તેમના પ્રેરણાત્‍મક માર્ગદર્શનથી દેશભક્‍તિની ભાવના સાથે આ અદ્વુત અભિયાનનો ભાગ બન્‍યું. અને ખાસ કરીને હર ઘર તિરંગા ઝુંબેશ દ્વારા દરેક ભારતીય તિરંગા દ્વારા અભૂતપૂર્વ એકતાના તાંતણે જોડાયું છે. આઝાદીના આ મહાન પર્વ નિમિત્તે સોમનાથ યાત્રાધામ પણ ભક્‍તિ અને દેશભક્‍તિનું સંગમ સ્‍થળ બન્‍યું છે.
સોમનાથ : સ્‍વતંત્ર ભારતનું પ્રથમ આસ્‍થા બિંદુ
સોમનાથ મંદિરનો ભારતની આઝાદી સાથે સૌથી નજીકનો સંબંધ રહ્યો છે. કારણ કે અખંડ ભારતના શિલ્‍પી સ્‍વર્ગસ્‍થ સરદાર વલ્લભભાઈ પટેલ જુનાગઢની આઝાદી પછી ૧૩ નવેમ્‍બર, ૧૯૪૭ના રોજ પોતે સોમનાથ આવ્‍યા હતા અને અરબ સાગરના જળની અંજલિ લઈને વિધર્મીઓ દ્વારા ખંડિત કરાયેલ ભગ્ન અવસ્‍થામાં રહેલા સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્‍પ કર્યો હતો. અને સોમનાથ મંદિરને સ્‍વતંત્ર ભારતની અસ્‍મિતા રૂપ વર્ણવ્‍યું હતું. આઝાદી પછી સરદારનુંઆ ભગીરથ કાર્ય હતું, જેમાં તેમણે લોકોને જોડીને સોમનાથના જીર્ણોદ્ધારની શરૂઆત કરી હતી. આજે પણ, ભારતની આઝાદી સાથે ગાઢ રીતે સંકળાયેલું સોમનાથ મંદિર, સ્‍વતંત્ર ભારતની રાષ્ટ્રીય ભાવનાનું કેન્‍દ્રબિંદુ માનવામાં આવે છે.
સોમનાથમાં સ્‍વતંત્રતા પર્વ નિમિત્તે વિશેષ આયોજન
સ્‍વાતંત્ર્ય પર્વ નિમિત્તે સોમનાથમાં ધર્મભક્‍તિ અર્થે આવતા શ્રદ્ધાળુઓને દેશભક્‍તિનો અદ્દભુત અનુભવ કરાવવા સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા બહુસ્‍તરીય કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મંદિરને ૩ડી લાઇટિંગની મદદથી તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્‍યું છે. સોમનાથના ધ્‍વજથી માંડીને મુખ્‍ય શિખર કેસરી રંગની, મધ્‍ય ભાગમાં સફેદ, અને પ્રવેશદ્વાર અને નીચેના ભાગને લીલા રંગની રોશનીથીᅠ પ્રકાશિત કરાયો છે, જેના કારણે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્‍તોને ધર્મની સાથે દેશભક્‍તિની અનુભૂતિ થાય છે. આ સાથે સોમનાથ ટ્રસ્‍ટની તમામ ઈમારતો અને ગેસ્‍ટ હાઉસ પર દેશનો તિરંગો ગર્વભેર લહેરાવવામાં આવ્‍યો છે. સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા યુવા પેઢીમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રબળ બનાવવા સ્‍વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગા અભિયાનને લગતા આકર્ષક સેલ્‍ફી પોઈન્‍ટ તૈયાર કરવામાં આવ્‍યા છે. સોમનાથ સમુદ્ર દર્શન વોકવે પર વિશાળ ત્રિરંગા લગાવવામાં આવ્‍યા છે, જેમાં ત્રિરંગાઓની મધ્‍યમાં તિરંગા રંગે જય સોમનાથ લખવામાં આવ્‍યું છે. જેના કારણે આ સ્‍થળ પ્રવાસીઓમાં સૌથી પ્રખ્‍યાત સેલ્‍ફી પોઈન્‍ટ બન્‍યુ છે. સોમનાથ ટ્રસ્‍ટ તરફથી તમામ કર્મચારીઓને તિરંગા આપવામાં આવ્‍યા છે, જેને કર્મચારીઓ તેમના ઘરે લહેરાવી શકશે. તમામ કર્મચારીઓ ત્રિરંગો લહેરાવીને પોતાની સેલ્‍ફી લેશે અને ટ્રસ્‍ટને આપશે, જેમાંથી એક મોટો ફોટો કોલાજ બનાવીને પ્રદર્શન માટે મૂકવામાં આવશે. ટ્રસ્‍ટના આ કાર્યોને કારણે સોમનાથ તીર્થમાં દેશભક્‍તિ સાથે દેશભક્‍તિનો અદભૂત સમન્‍વય જોવા મળી રહ્યો છે.
 સોમનાથમાં હવે દરેક કપાળ પર ત્રિરંગો
શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા સ્‍થાનિક પંડિતોના સહયોગથી દર્શને આવતા યાત્રિકો માટે ભક્‍તિ સાથે દેશભક્‍તિનો અવિસ્‍મરણીય અનુભવ આપવા માટે દરેક કપાળ પર ત્રિરંગા સેવા શરૂ કરી છે. સોમનાથના દર્શન કરવા આવતા યાત્રિકોને કેસરી, સફેદ અને લીલા રંગનુ ત્રિપુંડ કરી આપવામાં આવે છે. તમામ ભક્‍તોને એવી ઈચ્‍છા હોય છે કે તેમના કપાળ પર મહાદેવનું પ્રિય ત્રિપુંડ હોય. પરંતુ જયારે આ ત્રિપુંડ ભારતના ત્રિરંગાના રંગોથી કરવામાં આવે છે ત્‍યારે ભક્‍તોને શિવભક્‍તિની સાથે દેશભક્‍તિનો અવિસ્‍મરણીય અનુભવ થાય છે. આ ત્રિપુંડ હંમેશા તેમને દેશભક્‍તિની ભાવના સાથે જોડે છે અને ભક્‍તો જય સોમનાથ, વંદે માતરમ, ભારત માતા કી જયના   નારા લગાવતા જોવા મળે છે. ટ્રસ્‍ટનું આ ‘હર ભાલ તિરંગા' અભિયાન દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને સોમનાથની રાષ્ટ્રીય ભાવનાનો અનુભવ કરાવે છે.
સોમનાથ મહાદેવનાં દર્શન કરવા શ્રાવણ માસના બીજા સોમવારે લોકો રવિવારના સોમનાથ મંદિર તરફ આવી રહ્યા છે. રવિવારના આજુબાજુના લોકો અને દુરથી પગ પાળા ચાલીને પણ મોટા પ્રમાણમાં આવે છે તેમજ એસ ટી રેલવે અને પોતાના પ્રાઈવેટ વાહનો મારફત આવી રહેલ છે બીજા સોમવારે મંદિર વહેલી સવારે ચાર કલાકે ખૂલશે, ૬.૧૫ મહાપૂજાનો પ્રારંભ થયો હતો. સાત કલાકે આરતી ૭.૪૫ સવાલક્ષ બિલ્‍વપત્ર અર્પણ,નવ કલાકે યાત્રિકો દ્વારા નોંધાવેલ રૂદ્ર પાઠ, અને મૃત્‍યુંજય પાઠ, તેમજ મહાદેવની ભવ્‍ય પાલખીયાત્રા નિકળશે જે મંદિર પરિસરમાં ફરશે આમ ભગવાન નગરચર્યાએ નીકળશે જેમાં ટ્રસ્‍ટના અધિકારી કર્મચારી અને અનેક ભક્‍તો જોડાયા હતા. લોકોના ઘસારાને ધ્‍યાને લઇ અને પોલીસના અધિકારીઓ એસઆરપી પોલીસ સ્‍ટાફ જીઆરડી અને સોમનાથ મંદિરની સિક્‍યુરીટી સહિત ત્રણસોથી વધારે સુરક્ષા કર્મીઓ ચૂસ્‍ત બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

 

(11:07 am IST)