Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

હર ઘર તિરંગા અભિયાન દેશભકિતની ભાવનાને વધુ સશક્‍ત બનાવનારૂ : કેયુર સંપટ

સુરેન્‍દ્રનગર જિલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની સાયલામાં ઉજવણી : કલેકટરના હસ્‍તે ધ્‍વજવંદન : તાલુકાના વિકાસ માટે ૨૫ લાખનો ચેક અર્પણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૬ : આજે ભારતનાં ૭૬મા સ્‍વાતંત્ર્યપર્વની  ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સુરેન્‍દ્રનગર જિલ્લા કક્ષાની ઉજવણી સાયલા સ્‍થિત સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટનાં અધ્‍યક્ષસ્‍થાને ભારે ઉમંગ-ઉત્‍સાહ સાથે યોજાઈ હતી.

આ અગાઉ, જિલ્લા કલેકટર કે.સી. સંપટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પંક્‍તિ ‘સ્‍વાધીનતા, તારા નામમાં શી મીઠાશ ભરી' ને ટાંકતા જણાવ્‍યું હતું કે આ મોંઘેરી, વ્‍હાલી આઝાદી મેળવવાની લડાઈમાં ઝાલાવાડનો ફાળો અવિસ્‍મરણીય રહ્યો છે. સરદાર સિંહ રાણા, ઝવેર ચંદ મેઘાણી જેવા જાણીતા સ્‍વાતંત્ર્ય સેનાનીઓ ઉપરાંત મોતીભાઈ દરજી, ફુલચંદભાઈ શાહ, ચીમનભાઈ વૈષ્‍ણવ, બબલભાઈ મહેતા, સ્‍વામી શિવાનંદજી, સરદાર પટેલના જમણા હાથ સમા મણીલાલ કોઠારી અને બળવંતભાઈ મહેતા જેવા ઝાલાવાડના અનેક વીરોએ સ્‍વતંત્રતા સંગ્રામમાં આપેલા અમૂલ્‍ય યોગદાનને કલેક્‍ટરશ્રીએ યાદ કરતા આદરાંજલિ પાઠવી હતી. આ શુભ અવસરે તેમણે આપણા મહાન દેશને વધુ આગળ લઈ જવા કાર્યરત થવા, તમામ દેશબાંધવોને સાથે લઈને પ્રગતિ સાધવાનો શુભ સંકલ્‍પ લેવા સૌને અપીલ કરી હતી. 

વધુમાં કલેકટરશ્રીએ આ વર્ષે આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત સમગ્ર રાજયમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૧ કરોડથી વધુ અને સુરેન્‍દ્રનગર જિલ્લાના તમામ ઘરો પર તિરંગો લહેરાવી અનોખી રીતે ઉજવણી કરી સહભાગી થવા બદલ જિલ્લાવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્‍યું હતું કે હર ઘર તિરંગા અભિયાનને અદભુત પ્રતિસાદ મળ્‍યો છે. નામી-અનામી સ્‍વાતંત્ર્ય વીરોને યાદ કરીને રાષ્ટ્રભક્‍તિની ભાવનાને વધુ મજબૂત કરવાના આશયથી શરૂ કરાયેલ આ અભિયાન તમામ વર્ગ, સમાજને જોડનારૂ બની રહ્યું છે.

૭૬મા સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સહિતનાં મહાનુભાવોના હસ્‍તે સુરેન્‍દ્રનગર જિલ્લાનાં વિવિધ વિભાગનાં ૭૫ અધિકારી/કર્મચારીશ્રીઓને ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્‍તિપત્ર દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે જિલ્લાનાં ૩ સ્‍વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું પણ બહુમાન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટરનાં હસ્‍તે સાયલા તાલુકામાં વિકાસ કાર્યો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક સાયલા તાલુકા વિકાસ અધિકારીને અર્પણ કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમનાં અંતમાં જિલ્લા કલેકટર તેમજ મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્‍યું હતું. સ્‍વતંત્રતા દિવસની આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં વઢવાણ ધારાસભ્‍ય ધનજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ એન. મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, પ્રાંત અધિકારી એચ. એમ. સોલંકી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સહિતનાં વિવિધ પદાધિકારીઓ- વરિષ્ઠ અધિકારીઓ- કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ-નાગરિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:07 am IST)