Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સોરઠને વિકાસની નવીનતમ ઉંચાઇ ઉપર લઇ જવા રાજ્‍ય સરકાર કટિબધ્‍ધ : અરવિંદ રૈયાણી

જુનાગઢ જિલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની કેશોદમાં પરિવહન અને પ્રવાસન રાજ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં ઉજવણી : કેશોદ તાલુકાના વિકાસ માટે ૨૫ લાખનો ચેક અર્પણ

(વિનુ જોશી - કિશોરભાઇ દેવાણી - કમલેશ જોશી દ્વારા) જૂનાગઢ - કેશોદ તા. ૧૬ : કેશોદમાં જિલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની પરિવહન અને પ્રવાસન રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્‍યક્ષસ્‍થાને ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્‍વજને આન, બાન અને શાન સાથે  સલામી આપી, નાગરિકોને ૭૬માં રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી. તેમજ મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં સુરક્ષા દળોની સલામી ઝીલી પરેડ નિરીક્ષણ કરવાની સાથે લોકોનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ કેશોદ તાલુકાના વિકાસ કાર્યો માટે કલેકટર રચિત રાજને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

કેશોદ ખાતેની આદર્શ નિવાસી શાળાના પરિસરમાં જિલ્લા કક્ષાની આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થતા મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્‍યું કે,  જૂનાગઢ જિલ્લો ભારતીય સંસ્‍કૃતિનું આધ્‍યાત્‍મિક અને ઐતિહાસિક વિરાસતનું કેન્‍દ્ર છે. સોરઠને આધ્‍યાત્‍મિક અને શિક્ષણને ઉંચાઈ પર લઈ જવામાં અનેક વિભૂતિઓનો મહામૂલો ફાળો છે, આઝાદીની ચળવળ વખતે જૂનાગઢના નવાબે આ પ્રદેશને પાકિસ્‍તાનમાં જોડવાની જાહેરાત કરી ત્‍યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્‍મા ગાંધીજીએ ગુજરાતની ચિંતા કરી શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી અને પુષ્‍પાબેન મહેતા જેવા આ ભૂમિના કર્મવીરોને જવાબદારી સોંપી અને તેઓએ પણ પ્રજાને જાગૃત કરવાનું એક અભિયાન ઉપાડ્‍યું અને ત્રણ મહિનાની આરઝી હકૂમતની લડાઈ બાદ આપણું આ જુનાગઢ ભારત સંઘમાં જોડાયું હતું. ઈતિહાસની એરણ ઉપર ચળકતા તારલા જેવા જૂનાગઢ જિલ્લાને પ્રગતિની વિકાસની નવીનતમ ઊંચાઈ પર લઈ જવા રાજય સરકાર કટિબદ્ધ છે. તેમ અંતે મંત્રીશ્રીએ રાષ્ટ્ર માટે ફના થનાર શહીદોને વંદન કરતા ઉમેર્યું હતું.

    આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સમારોહના અંતે શાળા પરિસરમાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપળીયા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્‍યાસ, પૂર્વ ધારાસભ્‍ય સર્વશ્રી અરવિંદભાઈ લાડાણી, માધાભાઈ બોરીચા, વંદનાબેન મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ  કિરીટભાઈ પટેલ, કલેકટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, જિલ્લા પોલીસ અધિક્ષક  રવિ તેજા વાસમ શેટ્ટી, નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેકટર એલ.પી. બાંભણિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક આર.જે. જાડેજા, પ્રાંત અધિકારી ગલચર, નગરસેવકો, અગ્રણી સર્વશ્રી પ્રવીણભાઈ ભાલાળાના સહિત પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

કેશોદ ખાતે સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર  અધિકારી- કર્મચારીઓનું મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્‍તે સન્‍માન/પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું

જેમાં મહેસુલ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી માટે વંથલીના આસીસ્‍ટન્‍ટ કલેકટર હનુલ ચૌધરી,જૂનાગઢ કલેકટર કચેરીના નાયબ મામલતદાર પી.આર.રાયજાદા, કલાર્ક એચ.એલ.પટેલ,જૂનાગઢ જિલ્લામાં પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી માટે પીએસઆઈ   ડી.એમ.જલું,એએસઆઈ વિક્રમભાઇ કાનાભાઇ ચાવડા, કોન્‍સટેબલ વિમલભાઇ ધનજીભાઇ ભાયાણીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.

જિલ્લાના કલસ્‍ટર કક્ષાના પ્રતિભાશાળી શિક્ષકોમાં મદદનીશ શિક્ષક રાજમહેલ, પ્રાથમિક શાળા કેશોદના ચેતનભાઇ બી.પુરોહીત, તથા બડોદર પ્રાથમિક શાળાના પ્રવિણભાઇ મહિડા, આરોગ્‍ય ક્ષેત્રે ડો. નૈતિક છત્રાળા, મેડીકલ ઓફિસર, લીંબુડાના શ્રી ડો. કુલદીપ રાખસીયા,વન્‍ય પ્રાણી સંરક્ષણ તેમજ સામાજીક વનીકરણની ઉત્‍કૃષ્ટ કામગીરી કરેલ કર્મચારીમાં વનરક્ષક, કેશોદના શ્રી કુ.ડી.બી.જોટવા, વનપાલ, જૂનાગઢના શ્રી વી.બી.ભેડાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.

 ૧૦૮ સેવા, મહિલા હેલ્‍પ લાઇન કરૂણા એનીમલ, મોબાઇલ હેલ્‍થ યુનિટમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ કર્મચારીમાં પાયલોટ-૧૦૮ જસ્‍મીન બાલાસરા, મેડીકલ ઓફિસર શ્રી ચંદ્રકાંત રામાણી, જયદિપભાઇ સિંધવ, ૧૮૧ના ડાયબેન માવદિયા. આંગણવાડી કાર્યકર તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર માંગરોળ-૩૮ના વાસંતીબેન મેધજીભાઇ ગોહેલ,ઇન્‍ટેલીજન્‍સ બ્‍યુરોના વાય.એચ.બેલીમ,આસી. ઇન્‍ટેલીજન્‍ટ  એમ.બી.માઢકનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.

(11:03 am IST)