Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કચ્‍છમાં અંજારમાં આન બાન અને શાનથી ૭૬માં સ્‍વાતંત્ર્ય પર્વની ભવ્‍ય ઉજવણી

આઝાદી માટે સંઘર્ષ કરનારના યોગદાનને ગૌરવપૂર્વક યાદ કરીએ - વિધાનસભા અધ્‍યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્ય : ૭૦૦થી વધુ બાળકોએ યોગા - દેશભકિત ગીતો - નાટકો સાથે સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : કચ્‍છમાં ૭૬માં સ્‍વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંજાર ખાતે કરવામાં આવી હતી. દેશભક્‍તિ અને દેશપ્રેમથી પૂર્ણ તિરંગામયી વાતાવરણમાં રાષ્ટ્રધ્‍વજને વિધાનસભા અધ્‍યક્ષ ડો.નીમાબેન આચાર્યે ફરકાવ્‍યો હતો. અધ્‍યક્ષા સાથે સૌ દેશપ્રેમીઓએ રાષ્ટ્રધ્‍વજને સલામી આપી હતી.ᅠ

૭૬માં સ્‍વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા તેમણે જણાવ્‍યું હતું કે આજના દિવસે દેશના વીર સપૂતો, સ્‍વાતંત્ર્ય વીરો અને દેશપ્રેમીઓને આઝાદીના અમૃત પર્વની ઉજવણીમાં આપણે સૌ ગૌરવપૂર્વક યાદ કરીએ.ᅠ

આહિર ભવન વસંતવાડી, અંજાર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડો.નીમાબેન આચાર્યે સરકારની વિકાસગાથાની વિગતો આપીને જણાવ્‍યું હતું કે, આયુષ્‍માન ભારત પીએમજેએવાય- મા યોજના રાજયની જનતા માટે આર્શીવાદરૂપ બની છે. રાજયની ૨૫૦૦થી વધારે હોસ્‍પિટલમાં આ યોજના દ્વારા નિઃશુલ્‍ક સારવાર નાગરિકોને મળી રહે છે. કૃષિક્ષેત્રના વિકાસની વાત કરીએ તેઓએ કહ્યું હતું કે, ગુજરાતનો કૃષિ વિકાસ દર છેલ્લા બે દાયકાથી ડબલ ડિઝિટની આસપાસ જ રહ્યો છે.

 પ્રધાનમંત્રીશ્રીના સ્‍વચ્‍છ ભારત મિશન કાર્યક્રમનો ઉલ્લેખ કરીને અધ્‍યક્ષાશ્રીએ કહ્યું કે, ગુજરાતીઓએ આ કાર્યક્રમને જબ્‍બર પ્રતિસાદ આપ્‍યો છે જેના લીધે શહેરી વિસ્‍તારમાં ખુલ્લામાં શૌચ મુક્‍ત ગુજરાત સૌપ્રથમ રાજય બન્‍યું છે. આજે દેશભરમાં ૮.૨૫ લાખ કરોડના ખર્ચે ૧.૨૧ કરોડ જેટલા આવાસ બનાવાયા છે. જેમાંથી ૫૯ લાખ પરિવારોને ઘરનું ઘર મળી ચુક્‍યું છે. આપણા કચ્‍છ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ૫૨૩૧ પરિવારોને સહાય ચૂકવવામાં આવી છે.

આ તકે અધ્‍યક્ષાએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત દેશમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ ધરાવતું રાજય બનીને ઉભરી આવ્‍યું છે. ગુજરાત ઉત્તમ આંતરમાળખાકીય સુવિધાઓ, ઉદ્યોગ ફ્રેન્‍ડલી ઇન્‍ડસ્‍ટ્રિયલ પોલીસી વગેરેના લીધે બેસ્‍ટ અને સસ્‍ટેનેબલ સુવિધા ધરાવતું રાજય બન્‍યું છે. અધ્‍યક્ષાએ કહ્યું કે, આ સરકાર ગરીબોની છે, આ સરકાર વંચિતોની છે. ૧૨મા તબક્કાના ગરીબ કલ્‍યાણ મેળામાં ૫૭ હજારથી વધુ લાભાર્થીઓને રૂ.૧૫૫ કરોડની સહાય સ્‍થળ પર જ હાથોહાથ આપવામાં આવી છે. ભિક્ષા નહીં શિક્ષાના મંત્ર સાથે શહેરના સિગ્નલ પાસે ભીક્ષાવૃત્તિ કરતા કે શાળા છોડી ગયેલા બાળકોને સિગ્નલ સ્‍કૂલ પ્રોજેક્‍ટ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સરકારે દ્વારા રખડતા, નિરાધાર, ભૂલ્‍યા ભટકેલા લોકોને રેનબસેરા યોજના હેઠળ આશરો આપ્‍યો છે. રાજયમાં કાર્યરત ૬૬૧ આશ્રમશાળાઓના અંદાજિત ૯૨,૦૦૦ વિદ્યાર્થીઓ માટેની છાત્ર દીઠ નિભાવ ગ્રાન્‍ટ પ્રતિ માસ રૂા.૨૧૬૦ આપવામાં આવે છે. આ જ રીતે ગ્રાન્‍ટ ઇન એઇડ છાત્રાલયમાં પણ નિભાવ ખર્ચ પેટે રૂા.૨૧૬૦ આપવામાં આવે છે. જેનો લાભ ૫૦,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને થઈ રહ્યો છે.

૭૬મા સ્‍વાતંત્ર્ય પર્વની પાવન ઉજવણીમાં દેશપ્રમીઓની સાથે સર્વે શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, કચ્‍છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ રાજયમંત્રી અને અંજાર ધારાસભ્‍ય વાસણભાઇ આહીર, માંડવી-મુંદ્રા ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્‍ય માલતીબેન મહેશ્વરી, અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ તેમજ અંજાર શહેર અને તાલુકાના અગ્રણીઓ, કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્‍ય વર્મા, પશ્ચિમ કચ્‍છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પૂર્વ કચ્‍છ પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયા, નિવાસી અધિક કલેક્‍ટર હનુમંતસિંહ જાડેજા, અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ, અંજાર ચીફ ઓફિસર પારસ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી  બી.એન. પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિ, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ હરેશ મકવાણા, કાપાઈવી.એન.વાઘેલા, નાયબ કાર્યપાલક ઈજનેર મયંક શાહ, સીડીએમઓ ડો. કશ્‍યપ બૂચ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ સાથે શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:51 am IST)